Advertisement

અને હવે જૈશે મોહંમ્મદ! અને ફરી પાકિસ્તાનની હલકાઈ! જનાબ ઝીણાનો જન્મદિવસ હોય તો પાકિસ્તાનનું લશ્કર ભારત પર ગોળીબાર કરીને ઉજવે અને અફઝલ ગુરુ જેવા ખૂનખાર આતંકવાદીને જે દિવસે ફાંસી અપાઈ હોય તે દિવસે જૈશે મોહંમદ નામનું આતંકવાદી જૂથ ભારતીય લશ્કર પર ત્રાટકે! અને પાકિસ્તાન લશ્કરને ફટાકડા ફોડવાનું મન થાય ત્યારે હવે મિસાઈલ મારો કરતા થઈ ગયા છે. આમ લગભગ એકાંતરે તેઓ હિંસાઉત્સવની ઉજવણી કરે છે!

જમ્મુમાં સંજુવાં લશ્કરી છાવણીની અંદર ઘૂસીને જૈશેના આતંકવાદીઓના હુમલામાં શહીદ થયા. આ કંઈ પહેલો બનાવ થોડો છે! એપ્રિલ ર૦૧૭થી ૯ ફેબ્રુઆર, ર૦૧૮ સુધીમાં આ આઠમો આતંકવાદી હુમલો છે.

ર૭ એપ્રિલના રોજ કુપવાડા ખાતે ત્રણ જવાન અને એક કેપ્ટન માર્યા ગયા હતા. આતંકવાદીઓ પાકિસ્તાનથી પ્રવેશ્યા હતા. ૪થી મેના રોજ આતંકવાદીઓ લશ્કરી કાફલા પર ત્રાટક્યા હતા જેમાં ત્રણ સંરક્ષણદળના જવાનો જખમી થયા હતા. ૩જી જૂનના રોજ શ્રીનગર-જમ્મુ વચ્ચેના હાઈવે પર લશ્કરના જવાનો પર ત્રાટક્યા હતા અને બે સૈનિકોને મારી નાખી, ચારને જખમી કર્યાં હતા. ૧૦ ઑક્ટોબરના રોજ અરુણાચલ પ્રદેશમાં નીઆઉસા ખાતેના કમ્પની ઓપરેટિંગ બેઝ પર હુમલો કર્યો હતો. ૪થી ડિસેમ્બરના રોજ ફરી હાઈવે પર આક્રમણ કરીને એક જવાનને મારી નાખ્યો હતો અને એકને જખમી કર્યો હતો. ૩૧મી ડિસેમ્બરના રોજ પુલવામાં જિલ્લામાં આતંકવાદીઓના આત્મઘાતી હુમલામાં એક સીઆરપીએફ જવાન માર્યો ગયો હતો. ૧૫મી જાન્યુઆરીના રોજ જૈશના આતંકવાદીઓ ત્રાટક્યા પણ ભારતીય લશ્કરની ટુકડીઓએ પાંચનાં ઢીમ ઢાળી નાખ્યાં હતાં. અને આ વખતે અનેક આતંકવાદીને મારી નાખવામાં સફળતા મળી હતી!

આતંકવાદી હુમલા જેટલું જ ઘાતક પગલું જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સના વિધાનસભ્યએ પાકિસ્તાન તરફી કરેલા સૂત્રોચ્ચારને ગણી શકાય! અત્યંત દુઃખદ ઘટના ગણાય.

ભારતીય લોકશાહી અને લોકતંત્રના મંદિરસમા વિધાનગૃહમાં દેશનો વિધાનસભ્ય પાકિસ્તાન તરફી નારા બોલે અને સરકાર સાંભળતી રહે? આ એક જાતનો લોકશાહી દ્રોહ જ નહીં દેશદ્રોહ ગણાય અને એ મુજબ તેના વિરુદ્ધ કાર્યવાહી કરીને રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક ઉદાહરણ ઊભું કરવું જોઈએ.

નેશનલ કૉંગ્રેસના નેતાઓ ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા એમ કહીને હાથ ઊંચા ન કરી શકે કે, તેનું એટલે કે, વિધાનસભ્ય મોહમ્મદ અકબર લોહોનું વર્તન એ તેમના પક્ષની નીતિ નથી… તરત પક્ષમાંથી હકાલપટ્ટીનું પગલું લેવું જોઈતું હતું. સરકારમાં ભાજપ ભાગીદાર છે.

તે માત્ર તેનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર કરે એ પણ પૂરતું ન ગણાય. એમ જાણવા મળે છે કે, સ્પીકર કાવિંન્દર ગુપ્તાએ પણ જે વલણ દાખવ્યું એ પાકિસ્તાન તરફી હતું!
રાષ્ટ્રપતિએ સરકાર બરખાસ્ત કરીને પોતાનું શાસન લાદવું જોઈએ. આ દેશદ્રોહનો નવો પ્રકાર જનમ્યો! અને તે પણ કાશ્મીરમાં!સંરક્ષણ મંત્રાલયે એક ઉમદા જાહેરાત પણ કરી. જમ્મુ અને કાશ્મીરમાં બિનસલામત ખાંચા પૂરવા માટે તેમ જ લશ્કરી જવાનોના સંરક્ષણ માટે રૂ. ૧,૪૮૭ કરોડ ફાળવવાની જાહેરાત કરી.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને લશ્કરને તે કામ પૂરું કરવા માટે દસ મહિનાનો સમય ફાળવ્યો છે અને લશ્કરી મુખ્ય મથકોને એ યોજના નિયંત્રિત કરવા માટેની સૂચના પણ આપી છે. પણ કેટલાં જવાનોની શહીદી વહોર્યા પછી, આ પગલું લેવાયું?(જી.એન.એસ)

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here