શિયાળો એટલે શરીર સારું કરવાની ઋતુ

0
282
Advertisement
Loading...

ગુજરાતમાં હવે ઠંડી ઠીકઠીક શરૂ થઈ છે. કાશ્મીરમાં બરફવર્ષા થાય તો તેની બીજા દિવસે અસર ગુજરાતમાં થાય છે. શિયાળો આળસ લાવે છે. સારી ઋતુ હોય તો આરામ કરવાનું મન થાય, સારું ખાવાનું મન થાય પરંતુ શિયાળો એ તંદુરસ્તી વધારવાની પણ ઋતુ છે.

ભારતમાં શિયાળો આપણી તંદુરસ્તી માટે સૂકો અને કઠોર હોય છે. શેરી પર ફેલાયેલી ધૂળ તેમાં વધારો કરે છે. જેટલું શક્ય બને તેટલું ધૂળને ટાળો, કારણકે તેના લીધે તમને શિયાળો કાઠો પડશે. જેમને સાઇનસની સમસ્યા હોય તેવા લોકોએ ફેશનની ચિંતા છોડી વહેલી સવારે અને સાંજે ઠંડીથી રક્ષણ મેળવવું જોઈએ. તે માટે ગરમ કપડાં પહેરતાં સહેજેય અચકાવું ન જોઈએ. આજકાલ ખાસ કરીને સ્ત્રીઓ સ્લીવલેસ ડ્રેસ અને બ્લાઉઝ પહેરતી હોય છે. લગ્ન હોય તેમાં પણ ફોટા સારા આવે તે માટે સ્વેટર કે શાલ ટાળે છે. આની અસર તંદુરસ્તી પર પડતી હોય છે. સવારમાં કૂણો તડકો હોય તે લેવો જોઈએ. તડકામાં બને તો લાંબુ ચાલો.

શિયાળો મજાથી આરોગવાની ઋતુ છે. શિયાળામાં ચોમાસા બાદ શાક પણ સારા મળતા હોય છે. ઓળો, વાલોળ, વટાણા, તુવેર વગેરેના કારણે જમવાની મજા પડે છે. પરંતુ સ્વાદની સાથે સાથે તંદુરસ્તીનો પણ ખ્યાલ રાખો. બને તો ગરમાગરમ જમો અને આરોગ્યપ્રદ જમો. તમારા ભોજનમાં સૂપનો સમાવેશ કરો. ટમેટાં ભાવે તો ટમેટાં અને મકાઈ ભાવે તો મકાઈનું સૂપ લો. મિક્સ્ડ વેજિટેબલ કે સેઝવાનનું સૂપ પણ લઈ શકાય. ગ્રીન ટી તંદુરસ્તી માટે સારી છે.

શિયાળો શરીરને બારેમાસ સારું રાખવાની ઋતુ છે. આથી શિયાળામાં વહેલી સવારે આળસ છોડી ઊઠો અને તાજી હવામાં ઋષિ કપૂર પહેરતો તેવાં રંગીન સ્વેટર-કાનટોપી અથવા મફલર પહેરી ચાલવા જાવ. સારા ચહેરા જોઈ તમને તાજગી પણ આવશે. સાથે જ ઘરે અથવા બગીચામાં લોકો સાથે પ્રાણાયામ-યોગાસનો જરૂર કરો. શરીરને સ્નાયુબદ્ધ બનાવવું હોય તો દંડબેઠક કરો. જિમમાં જાવ. સવારે અનુકૂળતા ન રહેતી હોય તો સાંજે ૪૦-૬૦ મિનિટ ચાલવા જાવ.

તમારું ઘર જો ફ્લેટમાં હોય તો લિફ્ટમાં જવાના બદલે દાદરા ચડીને જાવ. આ કુદરતી કસરત રહેશે. લિફ્ટને ટાળો. દાદરા ચડ ઉતરની ટેવથી તમારા પગની સાથે તમારાં ફેફસાં પણ સારાં રહેશે.

જો તમે કૉલેજિયન કે સ્કૂલે જતા વિદ્યાર્થી હો તો તમારે સ્કૂલ-કૉલેજે કે ટ્યૂશનમાં સ્કૂટરના બદલે સાઇકલ લઈને જવું જોઈએ. તેનાથી તમને જરૂરી વ્યાયામ મળી રહેશે. પણ હા, હાથે મોજા પહેરવાનું ભૂલશો નહીં.

શિયાળો એ રજાની પણ ઋતુ છે. ૨૫મીથી રજા પડશે. રજાઓમાં ફરવા જવાનું ગમશે, પણ જો ફરવા જવું હોય તો એવી જગ્યાએ જાવ ત્યાં આરામ કરીને ખાઈ પીને પડ્યા રહેવાના બદલે ટ્રેકિંગ કરો. ઉતારાના સ્થળેથી ચાલીને જવાનું રાખો. પરિવાર સાથે મજાથી વાતો કરતાં કરતાં ચાલશો, દોડશો કે ટ્રેકિંગ કરશો તો પરિવારનો સાથ પણ મળશે. સાથે શારીરિક શ્રમ પણ થઈ જશે. પરિવારની તમે તેમની સાથે નથી રહેતા તેવી ફરિયાદ પણ દૂર થઈ જશે. ઉપરાંત ફરવા ગયા હો ત્યાં શારીરિક શ્રમ પડે તેવી રમતો પણ રમી શકો છો. દોડપકડ, સંતાકૂકડી, ક્રિકેટ, વૉલીબોલ, છુટદડી, નારગેલ વગેરે રમતો રમો. પરિવાર સાથે અથવા મિત્રો સાથે ગયા હો તો મિત્રો સાથે રમવાનો આનંદ પણ આવશે. બાળપણની યાદો તાજી થશે. શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થશે. સાથે શરીરના અંગોને જરૂરી વ્યાયામ પણ મળી રહેશે.

શિયાળામાં પરસેવો થતો નથી હોતો. તેથી શરીરની અશુદ્ધિને બહાર કાઢવા માટે પરસેવો નીકળતો હોય છે. પરંતુ ઠંડીના કારણે શિયાળામાં પરસેવો બહાર નીકળતો નથી. આથી શિયાળામાં પરસેવો બહાર કાઢવા શ્રમ જરૂરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here