સ્ત્રીઓને જબરદસ્તીથી પાછળ રાખવી એ કુરાને શરીફનો સંદેશ નથી.

0
224
Keeping women behind forcibly The Quran does not have the message of Sharif.
Advertisement
Loading...

નૂતન વર્ષ દિન જાય પછી આપણી પાસે મિત્રોનાં શુભચ્છા કાર્ડ, વોટ્‌સએપ સંદેશા અને ઈ-મેલ પરના સદ્ભાવ ટકી રહે. ૮ માર્ચ, મહિલા દિનનું પણ એવું જ છે. શુભેચ્છાઓ તો હોય પણ જોડાજોડ સુવાક્યો કે આંદોલનનાં સૂત્રો પણ હોય, કોઈકે પાકિસ્તાનમાં ૮ માર્ચે નીકળેલા ઔરત જુલૂસના ફોટા મોકલ્યા છે જેમાં અવનવી રીતે સંદેશા મૂકેલા છે. ઉર્દૂ વાંચતાં આવડે નહીં અને અંગ્રેજીમાં છે તેમના અનુવાદ ઠીક થઈ ન શકે, પણ ફોટા જોઈને આનંદ થાય કે આ એક દિવસે હિંમતભેર બહેનો ક્યાં ક્યાં નીકળી પડે છે. એક બહેનના હાથમાં મોટું પ્લેકાર્ડ હતું. કહે કે અમારી વાત નથી મનાતી? સરખેસરખા આપણે નથી? તો આ જુઓ અને પછી એક વિધાન ‘જ્યાં સ્ત્રીઓ સાથોસાથ લડતી ન હોય ત્યાં એકે આંદોલન કે લડત સફળ થતી નથી.’

ઝીણાએ પાકિસ્તાન રચવાનો એમણે ઉપાડો નહોતો લીધો ત્યાં સુધી એ શેરવાની અને ફેઝ ટોપી પણ પહેરતાં નહીં. એકદમ પાશ્ર્‌ચાત્ય ટાઈપનાં સૂટબૂટ જ પહેરતાં. લંડનના સેવાય રોની જાણીતી ટેઈલરિંગ દુકાનોમાં સિવડાવતા હોય તોયે નવાઈ નહીં. અત્યારે વિવાદમાં પડેલું એમનું રહેઠાણ છે, જે એમણે પ્રેમથી બનાવેલું મકાન છે તે માટે પણ એ લખી ગયેલા કે કાં તો ત્યાં કોઈ અહીંના આધુનિક જેન્ટલમેન વસવાટ કરે ને નહીં તો કોઈ યુરોપિયન. એ મકાન માટેના કાનૂની ઝઘડામાં અત્યારે બૉમ્બે ડાઈંગ મિલના માલિક નસલી વાડિયા પણ સામેલ થયા છે, કારણ કે એમનાં માતા એ ઝીણાના એક માત્ર સંતાન હતાં અને બાપની સંપત્તિ મેળવવા એ અદાલતે ચડેલાં. બીજી બાજુ પાકિસ્તાન સરકાર પણ એ સ્થળે પોતાનું એલચીખાતું રાખવા માગે છે, કોન્સ્યુલેટ, કારણ કે મુખ્ય ખાતું તો દિલ્હીમાં હોય. સો વાતની એક વાત કે ઝીણાનું અવતરણ આપીને સ્ત્રીઓ સમાનહકની લડત કરે તો સરકાર એમની સામે શું કરે? આવી બહેનોએ તો કુરાનનું અર્થઘટન કરીને પણ બતાવ્યું છે કે મુલ્લાંઓ જબરદસ્તીથી સ્ત્રીઓને પાછળ રાખે છે એ માટે કુરાને શરીફ સંદેશ આપતું નથી. અહીં ભારતમાં પણ મુસ્લિમ મહિલા સ્કોલરો આવી દલીલ કરે છે. આ વખતે બીજું એક સૂત્ર પણ શ્ર્‌લેશ કરી ગયું, એક જ શબ્દના ઉચ્ચારને દ્વિઅર્થે વાપરી ગયું, આવાં ઘણાં સૂત્રો જો કે હતાં. એક ‘અમારા અધિકારોને (કે અમને) જ્યાં ત્યાં દબાવી દેશો એ ચાલશે નહીં.’ ઘણા પુરુષો સરેઆમ જતી સ્ત્રીઓના શરીરને જ્યાં ત્યાં દબાવી લે છે એનો પણ અહીં ઉલ્લેખ થઈ જાય છે.

આપણા ગાંધીબાપુ પણ એક દ્રષ્ટા હતા. ‘હું સ્ત્રી હોઉં તો જરૂર બળવો કરું.’એ એમનું વિધાન છે. અમદાવાદમાં જેનું કેન્દ્ર છે તે ‘સેવા’ સ્ત્રી મજદૂર સંગઠનનાં પ્રણેતા ઈલા ભટ્ટે વર્ષો અગાઉ સ્ત્રીસમાનતા અંગે પુસ્તિકા લખેલી તેમાં વર્તમાન પરિસ્થિતિની વિષમતા અંગે પૃથક્કરણ કરેલું અને છેલ્લે પાને એમણે ગાંધીજીનું આ વાક્ય અવતરણમાં આપેલું. બીજે એક ઠેકાણે પણ ગાંધીજીએ કહેલું છે કે સ્ત્રી પુરુષની સાથી છે અને સરખી જ બુદ્ધિશાળી છે. આ બંને નેતાઓ પોતપોતાની રીતે ફાધર ઑફ નેશન-રાષ્ટ્રપિતા-કહેવાયા છે, બંને પોતપોતાને ત્યાં રાષ્ટ્રનિર્માણ પછી થોડા જ સમયમાં મૃત્યુ પામ્યા, ગાંધીજીની હત્યા થઈ (ગાંધીવિરોધીઓ એને ગાંધીવધ કહે છે. વધ અસુરોનો થાય, એવા આસુરી તત્ત્વવાળાઓનો વધ કરવો એ ધાર્મિક કર્તવ્ય ગણાય એવી જ કાંઈક માન્યતાને લીધે) અને ઝીણા તો ટી.બી.થી પીડાતા હતા એ વાત છુપાવવામાં આવેલી. એ જમાનામાં ક્ષય લગભગ અસાધ્ય રોગ હતો, દવાઓ નહોતી, પેનિસિલિનની શોધ થઈ ત્યાં તો બીજું વિશ્ર્‌વયુદ્ધ આવ્યું એટલે એનું ઉત્પાદન માત્ર સૈનિકોના ઘાવ પાકે નહીં તે માટે થતું. દરમિયાનમાં ઝીણાનાં પાંસળાં રોગથી ખવાઈ ગયેલાં અને એમનું અવસાન થયું. આ બંને નેતાઓ ઈગ્લેન્ડ જઈ બેરિસ્ટર બનેલા અને વકીલાતમાં ઝીણાને અદ્ભુત સફળતા અને નામના મળેલાં. બંનેના માર્ગ જુદા હતા, પણ એમના જમાનાના સુશિક્ષિત અને સામાજિક સુધારકતા આવી તદ્દન વિરોધાત્મક વ્યક્તિઓમાં દેખાય છે. ઝીણાને સૂટબૂટનો મોહ અને ગાંધીજીને એમની પોતડી ભલી.

મહિલા દિનની ઊજવણીમાં એક નવી રીતે લીધેલા આંકડા જોવા મળ્યા. ત્રીસેક વર્ષથી એ આંકડા તો મળે જ છે કે સ્ત્રીઓ એટલે દુનિયાની અડધી વસ્તી પણ એમને માત્ર ૩૩ ટકા જેટલું જ પગાર કે રોજી જેવું કામ મળે વગેરે. આ વખતે નવેસરથી મહિલા જનસંખ્યાની સ્થિતિનાં આંકડા ફરે છે. તેમાં આવ્યું છે કે સ્ત્રીઓ એટલે દુનિયાની વસ્તીના પ૧ ટકા. જી હા, બધા દેશો કે સમાજોમાં આપણી જેમ છોકરીઓની પેટમાંથી જ કતલ થતી નથી. સ્ત્રીગર્ભ કે સ્ત્રીબાળ વધુ શક્તિશાળી હોય છે અને એમને પોષણ મળે કે જીવવા મળે તો પુરુષો કરતાં વધુ જીવે છે. એટલે કુલ વસ્તીમાં સ્ત્રીઓ પ૧ ટકા જેવી થાય છે, હવે ગરીબ કંગાળોની વસ્તી જોઈએ, એમાં ૭૦ ટકા સ્ત્રીઓ છે. આ કેવી રીતે બને? દુનિયામાં જેટલા પણ ગરીબો હોય તેમાં સ્ત્રીપુરુષો સરખે ભાગે જ ના હોય? ના, નથી હોતા, એનું કારણ છે કે દુનિયામાં જેટલા સિંગલ પેરન્ટ છે એટલે કે માતાપિતામાંથી એક જ વાલીની છાંય બાળકો અને બુઢ્ઢાઓને છે તેવા પરિવારોમાં ૮૩ ટકા માત્ર માતા કે બીજી કોઈ સ્ત્રી મુખ્ય કમાનાર અને જવાબદારી લેનાર છે, અહીં પતિ મરી ગયો છે, ઘર છોડીને જતો રહ્યો છે, બીજી બાઈ જોડે રહે છે કે પછી મરણતોલ માંદગીમાં પડેલો છે અથવા તો ભરપૂર દારૂડિયો કે નશાબાજ છે.

આવું બધું સ્ત્રીઓ ઓછું કરે એટલે એકલે હાથે જવાબદારી નિભાવવાનું એમને ભાગે આવે છે. જ્યાં સુધી કુલ શ્રમની વાત આવે છે ત્યાં આંકડા હજી એ જ વાત બતાવે છે કે રળતરવાળી કે રળતર વગરની પણ ૬૬ ટકા મહેનત દુનિયામાં સ્ત્રીઓ કરે છે, જ્યાં લગી અન્ન ઉત્પાદનની વાત છે, પછી એ ખેતી, ખેતમજૂરી હોય કે મત્સઉદ્યોગ હોય કે પાપડ કે બીજી તૈયાર વાનગીઓ બનાવવાની હોય તો ત્યાં સ્ત્રીઓ પ૦ ટકા ઉત્પાદન કરે છે. એમાંથી એમને માત્ર ૧૧ ટકા પગાર કે મહેનતાણું મળે છે અને હા, માલિકી બાબતે આંકડો એનો એજ છે કે જમીન સંપત્તિની વાત આવે છે ત્યારે કે પછી બીજાં ઉત્પાદનનાં સાધનોની વાત હોય, પણ ત્યાં સ્ત્રીઓ કુલ જમીન કે અન્ય સંપત્તિની માલિકીમાં માત્ર એક ટકો માલિકી ધરાવે છે. એકડે એક જેટલી જમીન એમને નામે છે. સમઝને વાલે સમઝ ગયે હૈ, ના સમઝે વો અનાડી હૈ. વર્જિનિયા વુલ્ફ મોટા ગજાનાં લેખક, સ્ત્રીની નજરે દુનિયા નિહાળવામાં એમનું મહત્ત્વનું પ્રદાન, આખરે એમણે આત્મહત્યા કરેલી. એમનું એક જાણીતું વાક્ય છે કે ‘એક સ્ત્રી તરીકે મારો કોઈ દેશ નથી.

સ્ત્રી તરીકે મારો દેશ એટલે સમસ્ત વિશ્ર્‌વ’ રવીન્દ્રનાથની આવી દ્વિભાવનાની આપણે ત્યાં ભારે ટીકા થયેલી. ‘ઘરેબાહિરે’ નવલકથામાં આત્યંતિક કે અતિરાષ્ટ્રીયતાનાં જોખમ એમણે જોયેલાં અને પોતાનો દેશ સાંકડી દીવાલોમાં બંધાયેલો ન રહે એવું તો એમણે ગીતાંજલિમાં કહેલું જ છે. વૈશ્રિ્‌વકદૃષ્ટિ વિનાની અતિરાષ્ટ્રીયતા જુલમી ફાસીવાદ સુધી દોરી જઈ શકે તેવું આવા ઘણા વિચારકોએ કહેલું છે. ઈગ્લેંડનાં વડાં પ્રધાન માર્ગારેટ થેચર તો કાંઈ નારીવાદી નહોતાં પણ એમણે પણ કરેલું વિધાન આજે વપરાય છે કે તમારે કોઈ ચર્ચા કરવી હોય તો પુરુષો પાસે જાઓ પણ કામ અંકે કરવું હોય તો સ્ત્રીઓ પાસે. ઈઝરાઈલનાં ગોલ્ડા માયર તો થેચરથી પણ વધુ કડક અને જબરાં હતાં, સ્ત્રીસમાનતાની વાત ત્યારે જબરદસ્તીથી બનાવેલા દેશના નિર્માણ અને વિકાસમાં શું કરે પણ એમનું પણ વિધાન જાણીતું છે કે, ‘સ્ત્રીઓ પુરુષોથી બહેતર છે કે નહીં તે તો હું ન કહી શકું પણ એટલું તો જરૂર કહીશ કે તેઓ કોઈ રીતે ઊતરતી તો નથી જ.’ મને પસંદ છે એક અનામી સ્ત્રીએ અહીં સમર્થ સ્ત્રીઓને આપેલી અંજલિ. એમ તો કેટકેટલી સ્ત્રીઓએ કેટકેટલાં સંયોગોમાં સામર્થ્ય બતાવ્યું હોય, આ બહેન કહે છે, ‘શક્ય છે આપણે એમને જાણીએ છીએ. શક્ય છે કે આપણે જ એ છીએ. શક્ય છે આપણે એમને ઉછેરી રહ્યાં છીએ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here