નવાઝ શરીફનું ‘ ૩૨,૦૦૦ કરોડનું કાળું નાણું ભારતમાં

0
132
Advertisement
Loading...

 

ઇસ્લામાબાદ :

પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ વધુ એક કેસમાં સપડાયા છે. પાકિસ્તાનની ટોચની એન્ટિકરપ્શન સંસ્થા દ્વારા મંગળવારે નવાઝ શરીફ સામે અબજો રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પાકિસ્તાનની નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો દ્વારા એર પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, નવાઝ શરીફે મની લોન્ડરિંગ દ્વારા ભારતમાં ૪.૯ અબજ ડોલરની રકમ જમા કરાવી છે અને વિવિધ જગ્યાઓએ રોકી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ પ્રમાણે એનએબીના ચેરમેન જસ્ટિસ જાવેદ ઈકબાલે આ મુદ્દે ગંભીરતા દાખવીને મીડિયાને જ જણાવ્યું હતું કે, નવાઝ શરીફ દ્વારા ૪.૯ અબજ ડોલર એટલે કે અંદાજે ૩૨,૦૦૦ કરોડ રૂપિયા ભારત મોકલાયા છે. મીડિયાના અહેવાલ પ્રમાણે વર્લ્ડ બેન્કની માઇગ્રેશન એન્ડ રેમિટન્સ બુક ૨૦૧૬માં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના પુરાવા છે. જિયો ટીવીના એક કાર્યક્રમમાં આ મુદ્દે વિગતો રજૂ કરવામાં આવી હતી.

શરીફ પરિવાર તપાસના ઘેરામાં

સૂત્રોના મતે એનએબી દ્વારા શરીફ સામે આ પાંચમો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એનએબી દ્વારા શરીફ પરિવારના કેટલાંક સભ્યોની તપાસ અને પૂછપરછ કરવા માટે સુપ્રીમ પાસે વધારે સમય માગવામાં આવ્યો હતો. નવો કેસ સામે આવતાની સાથે જ શરીફ પરિવાર પણ નવી મુસીબતમાં સપડાય તો નવાઈ નહીં.

ભારતીય જોડાણની તપાસનો ધમધમાટ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન દ્વારા પોતાના સૂત્રોની મદદથી ભારતમાં કરાયેલા રોકાણની માહિતી મેળવવા ધમધમાટ કરાઈ રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાની મીડિયાના અહેવાલને પગલે ભારતની પણ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નાણામંત્રાલયની વ્યક્તિની મદદથી શરીફે ભારતમાં ૩૨,૦૦૦ કરોડ રૂપિયા ઠાલવ્યા હોવાના અહેવાલે કેન્દ્રીય એજન્સીઓને પણ મોટા કૌભાંડની ગંધ આવી રહી છે.

પીએમપદે રહેવા દરમિયાન ગોટાળા કર્યા

એનએબીના અહેવાલ પ્રમાણે નવાઝ શરીફે વડા પ્રધાનપદે રહેવા દરમિયાન આ ગોટાળા કર્યા હતા. તેમણે ખોટી રીતે ભારતીય નાણામંત્રાલયની સાથે સંકળાયેલી વ્યક્તિની મદદથી કરોડો રૂપિયા ભારતમાં ઠાલવ્યા હતા. કેટલીક ચેનલો દ્વારા તેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા જે એનએબીના સૂત્રો દ્વારા ફરતા કરાયા હતા.

પીએમપદે અયોગ્ય જાહેર કરાયા હતા

પનામા પેપર્સ લીક કેસમાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા કડક પગલાં લઈને નવાઝ શરીફને પીએમપદે અને રાજકારણી તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમના ઉપર ભ્રષ્ટાચારના કેસના આધારે તેમને ગેરલાયક ઠેરવીને પદ પરથી દૂર કરાયા હતા અને રાજકારણી તરીકે પણ આગામી સમયમાં ચૂંટણી ન લડવા દેવા આદેશ આપ્યા હતા. કોર્ટના આદેશ મુજબ તેઓ આજીવન કોઈ સાર્વજનિક પદ ઉપર રહી શકે તેમ નથી. હાલમાં શરીફ પરિવાર મુશ્કેલીમાં છે. શરીફ સામેના કેસ પુરવાર થશે તો નવાઝ શરીફને આકરી સજા થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

બે મહિનાની મુદત માગવામાં આવી હતી

એનએબી દ્વારા એકાઉન્ટેબિલિટી કોર્ટના જજ મુહમ્મદ બશિર પાસે કેસની તપાસ માટે મુદત માગવામાં આવી હતી. જજ દ્વારા સુપ્રીમ કોર્ટને અરજ કરીને આ કેસમાં બીજું એક્સ્ટેન્શન વધારવાની માગણી કરાઈ હતી. કોર્ટે માર્ચ મહિનામાં જ એનએબી કોર્ટની માગણીને ધ્યાનમાં રાખીને બે મહિનાની મુદત વધારાઈ હતી. જોકે હવે મુદત પૂરી થઈ રહી છે ત્યારે વધુ સમય તપાસ કરવા માગ કરાઈ છે. એનએબીના સૂત્રોના મતે એજન્સી હવે સમગ્ર કેસોની તપાસ કરીને અંત તરફ પહોંચી જ ગઈ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here