Advertisement

આદ્યાત્મિક ગુરૂ તરીકે પંકાયેલા શ્રી શ્રી રવિશંકરે રામજન્મભૂમિ વિવાદનો કોર્ટ બહાર ઉકેલ લાવવાની ચર્ચા કરવા શુક્રવારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના છ સભ્યોને બેંગલોર નોંતરેલા. આ સિવાય શિયા ને મુસ્લિમોના બીજા ફિરકાના મુસ્લિમોને પણ તેમણે નોંતરેલા. રવિશંકર તરફથી એવો દાવો કરાયેલો કે કુલ ૧૬ સંગઠનો આ ચર્ચામાં હાજર રહેલાં. રવિશંકરે આ બધાં સાથે ત્રણ કલાક લગી ફીફાં ખાંડ્યાં હતાં ને એ પછી શું શું નક્કી કર્યું એ રામ જાણે, પણ આ બેઠક પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય એવા મૌલાના સૈયદ સલમાન હુસૈની નદવીએ એવો મમરો મૂક્યો હતો કે, ઈસ્લામમાં કોઈ પણ મસ્જિદને ઉઠાવીને બીજે ખસેડવાની તરફેણ કરાઈ છે. મૌલાના નદવીએ એમ પણ કહ્યું કે, આ વિવાદમાં જે પણ ચુકાદો આવશે તે કોઈ એક પક્ષની તરફેણમાં આવશે તેથી બીજા પક્ષ નારાજ થશે ને સરવાળે હિંદુ-મુસ્લિમોમાં મનભેદ થશે. આ સ્થિતિ પેદા ના થાય એટલા માટે કોર્ટની બહાર આ વિવાદ ઉકેલાય તો સારું.

નદવીએ જે વાત કરી એ બહુ સામાન્ય હતી પણ આ વાત સાંભળીને રવિશંકરના ભક્તો ને ટીવી ચેનલો પણ ગેલમાં આવી ગયેલી. ટીવી ચેનલોએ એવું લોલેલોલ ચલાવ્યું કે, મુસ્લિમો મસ્જિદને બીજે ખસેડવા તૈયાર છે ને રવિશંકરના કારણે રામજન્મભૂમિ વિવાદનો કોર્ટ બહાર ઉકેલ આવે તેવો માહોલ પેદા થઈ ગયો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નામે દે ઠોકાઠોક શરૂ થઈ ને પર્સનલ લો બોર્ડ સમાધાન માટે તૈયાર છે તેવી વાતો ચાલવા માંડી, પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ચોખવટ કરવી પડી કે, અમે આ મામલે અમારું જૂનું વલણ નથી બદલ્યું ને કોર્ટ બહાર સમાધાન કરવા માટે અમે તૈયાર છીએ એવી વાત સાવ ગપગોળો છે.

આ ચોખવટ છતાં આ મામલે ચૂંથાચૂંથ ચાલુ રહી એટલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના તુર્રમખાંઓએ શિસ્ત સમિતીની રચના કરીને શું પગલાં લેવાં તેની ભલામણ કરવા કહ્યું. આવી સમિતિ આકાઓના ઈશારે કામ કરતી હોય છે ને બધી ગોઠવણ પહેલેથી થયેલી હોય છે તેથી તેણે મૌલાના નદવીને તગેડી મૂકવા ભલામણ કરી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાબડતોબ તેનો અમલ કરીને મૌલાના નદવીને જ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી જ તગેડી મૂક્યા. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એ સાથે એવી ચોખવટ પણ કરી દીધી કે, બાબરી મસ્જિદ બીજે ખસેડીને લઈ જવાનો સવાલ જ પેદા થતો નથી કેમ કે ઈસ્લામમાં એક વાર મસ્જિદ બંધાય પછી એ કાયમ માટે મસ્જિદ જ રહે છે ને તેને બીજે ખસેડી ના શકાય.

મૌલાના નદવીને લાત મારીને તગેડી મૂકવાનો નિર્ણય અચાનક આવ્યો છે તેથી ઘણાંને આંચકો લાગ્યો છે, પણ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ઈતિહાસ જોતાં તેમાં કશું નવું નથી. રામજન્મભૂમિ મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ પ્રકારની હરકત પહેલાં પણ કરી ચૂક્યું છે. એકાદ વરસ પહેલાં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણના ખટલાનો નિવેડો કોર્ટની બહાર સમાધાન કરીને લાવવો જોઈએ એવો મમરો મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે સલાહ આપી હતી કે, હિન્દુ ને મુસ્લિમ ધર્મના સમજુ લોકોએ સાથે બેસીને આ વિવાદ ઉકેલવો જોઈએ. અયોધ્યામાં રામમંદિર છે ત્યાં ફરી બાબરી મસ્જિદ બાંધવાનું વાજું વગાડતી બાબરી મસ્જિદ એક્શન કમિટીએ એ વખતે જ કોર્ટ બહાર સમાધાનની ઘસીને ના પાડી દીધેલી પણ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મૌલાના ખાલિદ રશીદ ફિરંગમહલીએ ડબકો મૂક્યો હતો કે, સુપ્રીમ કોર્ટના નીરિક્ષણમાં સમાધાન માટે ચર્ચા થવાની હોય તો પર્સનલ લો બોર્ડને ચર્ચામાં વાંધો નથી.

મૌલાનાના આ નિવેદનના કારણે મીડિયાને ગોળનું ગાડું મળી ગયું ને તેમણે મુસ્લિમો કોર્ટ બહાર સમાધાન માટે તૈયાર છે તેવું કોરસ શરૂ કરી દીધું. એ વખતે બોર્ડે તરત ચોખવટ કરેલી કે અમને કોર્ટ બહાર સમાધાનમાં કોઈ રસ નથી ને કોર્ટે આ બધા મમરા મૂક્યા વિના કાયદાની રીતે જે કંઈ ચુકાદો આવતો હોય તો એ આપીને વાતનો નિવેડો લાવવો જોઈએ. બોર્ડે એ વખતે સાફ શબ્દોમાં કહેલું કે, સુપ્રીમનું કામ જમીનની માલિકી કોની છે એ નક્કી કરવાનું છે ને તેણે બીજી લપ્પનછપ્પનમાં પડ્યા વિના તેનું કામ કરવું જોઈએ. હવે જે લોકો સુપ્રીમ કોર્ટ સામે આવા તેવર બતાવતા હોય એ મૌલાના નદવીની વાતને વધાવે એવી આશા કઈ રીતે રખાય? મૌલાના નદવી બોર્ડના સભ્ય છે ખરા પણ એ મોટું માથું નથી તેથી તેમને વધેરી નખાય તેમાં નવાઈ જ નથી.

જો કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ રીતે કેમ વર્તે છે તે સમજવાની જરૂર છે. આપણે ત્યાં સામાન્ય લોકો ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને અહોભાવથી જુએ છે. એ આખા દેશના મુસ્લિમોનું પ્રતિનિધી હોય એવું બધાં માને છે. મોટા ભાગનાં લોકો માને છે કે આ બંધારણીય માન્ય સંસ્થા છે ને મુસ્લિમોને લગતી બાબતો વિશે એ કહે એ સવા વીસ ગણાય. આ માન્યતા ખોટી છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડને સરકાર સાથે કે બંધારણ સાથે કે મુસ્લિમોના પ્રતિનિધિત્વ સાથે કંઈ લેવાદેવા નથી. આ બોર્ડ નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે એનજીઓ છે ને તેનો કારભાર મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારોની મુનસફી પર ચાલે છે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ઈન્દિરા ગાંધીએ ઊભું કરેલું તૂત છે. કૉંગ્રેસે સત્તા ટકાવવા સેક્યુલારિઝમનું તૂત ચલાવ્યું ને મુસ્લિમોને પંપાળીને તેમના મતો અંકે કરવાનું રાજકારણ વરસો લગી રમ્યા કર્યું. ઈન્દિરા મહાખેપાની હતાં તેથી અલગ અલગ ધર્મગુરૂઓને પકડીને મનામણાં કરવાના બદલે બધા ધર્મગુરૂઓ પોતાની મુઠ્ઠીમાં રહે એટલા માટે પોતાના ચમચાઓને આગળ કરીને ૧૯૭૩માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રચના કરાવેલી. અહમદિયાઓને બાદ કરતાં મુસ્લિમોના બધા ફિરકાના મોવડીઓને ઈન્દિરાએ પકડી પકડીને બોર્ડમાં બેસાડી દીધેલા. મુસ્લિમ ધર્મગુરૂઓ સરકારી ખર્ચે તાગડધિન્ના કરી શકે તેવી ગોઠવણ તેમણે કરેલી તેના કારણે બોર્ડે વરસો લગી કોંગ્રેસ સાથે વફાદારી બતાવી. વરસો લગી પર્સનલ લો બોર્ડના સભ્યો જ મુસ્લિમોનો અવાજ ગણાતા તેના કારણે એ લોકો એમ જ માનતા રહ્યા કે મુસ્લિમો તેમની મુઠ્ઠીમાં છે. બોર્ડમાં બેઠેલા બધા કટ્ટરવાદી છે ને તેમની દુકાન મુસ્લિમોને અલગ રાખવાથી ચાલે છે તેથી એ લોકો દરેક મુદ્દે એવું જ વલણ અપનાવે છે કે જેથી સંધર્ષ થાય. રામજન્મભૂમિ મામલે એ સમાધાનનું વલણ અપનાવે તો તેમનો કોઈ ભાવ ન પૂછે તેથી એ લોકો આવું ના થવા દે.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અયોધ્યા વિવાદમાં પક્ષકાર નથી. કૉંગ્રેસ શાસનમાં પર્સનલ લો બોર્ડે લોલેલોલ ચલાવ્યું તેના કારણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફ મુસ્લિમોમાં જ અણગમો ઊભો થયો છે. આ બોર્ડમા સુન્ની મુસ્લિમોનો દબદબો છે તેથી મુસ્લિમોના બીજા ફિરકા નારાજ થયા. અહમદિયા તો પહેલાંથી લો બોર્ડને ગણતા જ નહોતા પણ શિયાઓને પણ લાગ્યું કે આ બોર્ડમાં તો સુન્નીઓ કહે તેમ જ થાય છે તેથી શિયાઓએ પણ તેને કોરાણે મૂકીને અલગ પર્સનલ લો બોર્ડ બનાવ્યું. આ બોર્ડ મુસ્લિમ સ્ત્રીઓને પુરૂષોની હવસ સંતોષવાનું સાધન માનતા સાતમી સદીના શરીયા કાયદાની તરફેણ કરે છે ને મહિલાઓને અન્યાય કરે છે તેથી મહિલાઓ પણ વિરુદ્ધમાં ગઈ.

સુધારાવાદી મુસ્લિમ મહિલાઓએ મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડ બનાવ્યું છે. આ દેશમાં મુસ્લિમોની વસતીમાં ૫૦ ટાકા મહિલાઓ છે ને ૧૫ ટકાની આસપાસ શિયાઓ છે. એ બધાંને ગણીએ તો ૬૦ ટકા કરતાં વધારે મુસ્લિમો તો પર્સનલ લો બોર્ડને ગણકારતાં જ નથી. આ સંજોગોમાં તેનો અભિપ્રાય બહુ મહત્ત્વનો ના કહેવાય પણ છતાં અયોધ્યા મામલે તેનું ધાર્યું જ થાય છે. તેનું કારણ એ છે કે સુન્ની વકફ બોર્ડ તેની મુઠ્ઠીમાં છે. અયોધ્યા વિવાદ રામમંદિર જ્યાં ઊભું છે એ જમીન કોની તેને લગતો વિવાદ છે ને તેમાં મુસ્લિમો વતી ઉત્તર પ્રદેશનું સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડ પક્ષકાર છે. આ બોર્ડના મોટા ભાગના સભ્યો પર્સનલ લો બોર્ડના સભ્યો પણ છે તેથી તેના કહ્યા પ્રમાણે જ થાય છે. આ કારણે વરસોથી રામજન્મભૂમિ વિવાદ ઉકેલવાના પ્રયત્નો ફળ્યા નથી ને હવે પણ ફળશે નહીં.(જી.એન.એસ)

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here