સરકારના છીંડા શોધનાર પત્રકાર સામે ગુનો તો કેગ સામે કેમ ગુનો નહીં?

0
209
Advertisement
Loading...

આધાર ડેટા લીક મામલામાં સરકારી તંત્રમાં રહેલા છીંડા પૂરવાને બદલે તેને શોધનાર અને પોતાના અખબારના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરનાર પત્રકારની સામે જ ગુનો દાખલ કર્યા બાદ કેન્દ્રની એનડીએની સરકાર પ્રેસની આઝાદીના મુદ્દે ઘેરાઈ ગઇ છે ત્યારે જો સરકારી તંત્રમાં કંઇ ખોટુ થતું હોય તો તેને પ્રજા સમક્ષ લાવનાર અખબાર કે પત્રકારની સામે ગુનો બને તો કેગ કે જો સરકારના લાખો અને કરોડો રૂપિયાની ગેરરીતિ કે અવ્યવસ્થા બહાર લાવીને પ્રજા સમક્ષ મૂકે તો તેની સામે ગુનો બને કે નહીં? અને આ સરકારના મતે ગુનો બને તો સૌથી પહેલા કેગ સામે ગુનો દાખલ કરવો જોઇએ, એવી એક લાગણી વિવિધ માધ્યમોમાં જોવા મળી રહી છે.

ભાજપ કે અન્ય કોઇપણ રાજકીય પક્ષ જ્યારે વિપક્ષમાં હોય છે ત્યારે તેમને સત્તાપક્ષની ભૂલો કો ભ્રષ્ટાચારના અહેવાલ પ્રસિધ્ધ થાય ત્યારે તેમને ગમતું હોય છે. એ જ પક્ષ સરકારમાં આવ્યાં બાદ પોતની સરકારની ભૂલો બહાર લાવનાર એ જ અખબારો વેરી કેમ બની જાય છે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. કેન્દ્રની એનડીએની સરકારના 4 વર્ષના શાસનમાં મિડિયાને વાંકમાં લેવાના અનેક પ્રયાસો થયા. નેતાઓ બોલીને ફરી જાય. પછી વાંક મિડિયાનો કાઢે. તેમ છતાં મિડિયાએ પોતાની ફરજ નીભાવી અને એ સમાચાર પણ પ્રસિધ્ધ કરે છે. મિડિયાની આટલી ઉદારતાને સરકાર તેની નબળાઇ માની બેઠી. પણ આધાર ડેટા 500 રૂપિયામાં વેચાય છે એવી સાબિતી સાથે સમાચાર બહાર લાવનાર મિડિયાને બિરદાવવાને બદલે જાણે કે તે ચોર અને ગુનેગાર તથા એણે જ ડેટા લીક કર્યો એમ જાણીજોઇને માનીને તેની સામે ગુનો દાખલ કરવાનું પગલું આ સરકારની અવળચંડાઇ છે. ભારતભરના મિડિયાએ તેનો જે વિરોધ કર્યો તે પછી સરકાર બચાવમાં આવી કે તે પ્રેસની આઝાદીની તરફેણમાં છે.

કેગ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કામગીરીનું મૂલ્યાંકન અને પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ તેની સાથે નાણાંકિય અનિયમિતતા પણ ચકાસે છે. આ જ કેગ દ્વારા ટુજીમાં 1.72 લાખ કરોડની ગેરરીતિનો દાવો કરાયો ત્યારે તે વખતે વિપક્ષ ભાજપને મનભાવન લાગ્યું. તેનો રાજકીય લાભ ઉઠાવાયો. કેગ જેમ પોતાનું કામ કરે છે તેમ ભારતની લોકશાહીમાં પત્રકારો કે પ્રેસ પણ પોતાનું કામ કરે છે. પ્રેસનું કામ સરકારમાં કાંઇ ખોટુ થતું હોય તો તે શોધીને સરકારના તંત્ર અને સત્તાપક્ષના ધ્યાને મૂકવાનું છે જેથી તેની સામે યોગેય રાહે પગલા ભરાય. આધાર કાર્ડનો ડેટા 500 રૂપિયમાં વેચાય છે એવી કોઇ પત્રકારમે માહિતી મળી અને તેમણે તપાસ કરીને તેમાં તથ્ય લાગતાં સરકાર સુધી એ વાત અખબારના માધ્યમથી પહોંચાડી કે તંત્રમાં ક્યાંક ખોટુ થઇ રહ્યું છે અને તેને રોકો. તેના બદલે પત્રકારને જ તેની ફરજ બજાવવાનું રોકવાનું પગલું સરકારે ભર્યું છે. સૂત્રોએ કહ્યું કે સરકારે ખરેખર તો એ પત્રકાર કે અખબારનો આભાર માનવો જોઇએ કે તેમણે વહીવટી તંત્રમાં ક્યાં છીંડા છે તે તમને બતાવ્યું ત્યારે એ છીંડા પૂરવાને બદલે છીંડા બતાવનાર જ ગુનેગાર હોય તેમ પોલીસ ગુનો દાખલ થાય ત્યારે દેશના મિડિયાએ આ કિસ્સો અને સરકારની પ્રેસ વિરોધી માનસિકતા સામે સાવચેત થવાની જરૂર છે.

સૂત્રોનું માનવું છે કે વાઘ લોહી ચાખી જાય અને આદમખોર બને તે પહેલાં આ કિસ્સામાં મિડિયા સામે ગુનો દાખલ કરવાનો આદેશ આપનાર અધિકારીની સામે વળતા પગલા લઇ શકાય કે કેમ તે અંગે પણ વિચારણા મિડિયામાં ચાલી રહી છે. એક તરફ સુપ્રિમ કોર્ટ કહે છે કે પત્રકારે અહેવાલમાં કોઇ ભૂલ કરી હોય તો પણ નેતાઓએ પ્રેસને આઝાદી આપવી જોઇએ. ત્યારે આધાર ડેટા લીકમાં પુરાવા સાથે લખનારની સામે સરકારના ઇશારે ગુનો નોંધાય તે કેવું વિચિત્ર કહેવાય. આવા કિસ્સા, સૂત્રોના મતે સરકાર કે તેમાં બેઠેલા કોઇ દ્વારા શું કોઇ પ્રયોગના રૂપે થાય છે? કોણ એવા પ્રયોગ કરવા માંગે છે કે આવો કેસ કર્યા બાદ તેના કેવા પ્રત્યાઘાત જોવા માંગે છે…આ એક ખતરનાક બાબત છે. જો એવું જ ચાલશે તો હવે પછા જે કોઇ સરકારની ભૂલો કે કૌભાંડો બહાર પાડશે તો તેની સામે જ કેસ થાય તો નવાઇ નહીં. સંદેશો સાફ છે કે સરકાર કાંઇપણ કરે, સરકારમાં કોઇપણ ડેટા લીક થાય કે ગેરરીતિ થાય પ્રેસ ખામોશ રહે….! (જી.એન.એસ.)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here