Advertisement

આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે એક સાર્વજનિક કાર્યક્રમમાં એવું નિવેદન કર્યું છે કે દેશની સેનાને તૈયાર થવામાં છ સાત મહિના લાગે છે. પરંતુ આરએસએસના કાર્યકરોને યુદ્ધના મોરચે જવામાં માત્ર બે દિવસ જ લાગશે. એમણે જો કે જો બંધારણમાં અમને મંજૂરી આપવામાં આવે તો સંઘના લાખો કાર્યકરો તુરંત જ તૈયાર થઈ જશે. મોહન ભાગવતના આ નિવેદનથી લશ્કર પ્રત્યે નિષ્ઠા રાખનાર લોકોને ભારે દુઃખ પહોંચ્યું હોવા ઉપરાંત ફક્ત રાજનિતિ પ્રેરિત આવા નિવેદનો કરવા તે સંઘના આદ્ય સરસંઘચાલ ડો. હેડગેવાજી અને મા. ગુરુજીની વિચારધારનું પણ ઘોર અપમાન થઇ રહ્યું હોવાની પણ હોવાનું મનાઈ રહ્યું છે.

રાજકીય સૂત્રોએ કહ્યું કે જો સંઘ પરિવારમાં લાખો કાર્યકરો માત્ર બે ત્રણ દિવસમાં યુદ્ધના મોરચે જવા માંગતા હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર સહિત ભારતની તમામ સીમાઓનાં મોરચે સંઘ કાર્યકરોને વસાવવા જોઇએ જેથી તેઓ લશ્કરના જવાનો કરતાં વધુ આક્રમકતાથી પાકિસ્તાનના સૈનિકોને મારી હટાવશે. શું આ નિવેદન ભારતની સેનાનું અપમાન નથી? એવો પણ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

સંઘ પરિવારના સુપ્રીમોએ મુઝફ્ફરપુર ખાતે આયોજીત સંઘના એક કાર્યક્રમમાં એ વાત પર ભાર મૂક્યો કે સંઘની ઓળખ તેની શિસ્ત છે અને આ શિસ્ત કે અનુશાસનના કારણે જ અમારા લાખો કાર્યકરો એક અવાજ થાય કે બે ત્રણ દિવસમાં જ તૈયાર થઈને યુદ્ધના મોરચે પહોંચી શકે છે.ભારતની સેનાના જવાનો કાશ્મીર મોરચે રોજે રોજ શહીદ થઈ રહ્યાં છે. તાજેતરમાં જ સુજવાન ખાતે આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા છે. લશ્કરની એક વ્યવસ્થા હોય છે. તેમને યુદ્ધના કોઈ મોરચે જવું હોય ત્યારે તેઓ કાંઈ આડેધડ લશ્કરની ગાડીમાં બેસીને જતાં નથી. તેમને તૈયાર થવામાં જે સમય લાગે છે તે મોહન ભાગવતના મતે છ સાત મહિના લાગે છે.

અલબત્ત આ સમયગાળો વહેલો પણ હોઈ શકે છે. ગુજરાતમાં અને અન્યત્ર કોઈ એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ત્યારે કાયદો વ્યવસ્થાને નિયંત્રણમાં લેવા લશ્કરની ટુકડીઓ ૭૨ કલાકમાં પહોંચી હોય તેવા પણ બનાવો બનેલા છે. લશ્કરને આપત્તિના સમયે ઘટના સ્થળે પહોંચવામાં વધારે સમય લાગતો નથી. ૨૬/૧૧ના આતંકી હુમલામાં દેશના જવાનો ગણતરીના કલાકોમાં પહોંચી ગયા હતા અને ત્રણ દિવસમાં જ આતંકીઓનો સફાયો કરી નાખ્યો હતો. સુજવાનનો જ દાખલો લઇએ તો ૪૮ કલાકમાં લશ્કરના જવાનોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે.

રાજકીય સૂત્રો કહે છે કે મોહન ભાગવત એક આદરણીય નેતા છે પરંતુ આવા નિવેદનથી ભારતીય લશ્કરના માન-સન્માન અને લશ્કરની વિશ્વસનિયતા પર મસમોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગી શકે છે. શું તેઓ એમ કહેવા માગે છે કે પાકિસ્તાન કે ચીન સાથે યુદ્ધ થાય તો આપણા લશ્કરને યુદ્ધના મોરચે પહોંચવામાં છ થી સાત મહિના લાગે? આજના ઝડપી યુગમાં આ વાત સામાન્ય લોકોના ગળે કઇ રીતે ઉતરી શકે? ઈઝરાયેલના નાગરિકો જ્યારે ઈદી અમીનના શાસનમાં યુગાન્ડાના એરપોર્ટ પર બંધક બનાવવામાં આવ્યા ત્યારે એમને હજારો માઈલ દૂરથી છોડાવવા માટે ઈઝરાયેલના કમાન્ડોને છ સાત મહિના નહીં પણ છ સાત દિવસ જ લાગ્યા હતા અને ઇઝરાયેલના તમામ નાગરિકોને સહીસલામત છોડાવીને સાથે લાવેલા વિમાનમાં બેસાડીને ઇઝરાયેલ લઇ જવાયા હતા. અર્થાત લશ્કર હરહંમેશ યુદ્ધ માટે ખડેપગે તૈયાર હોય જ છે.

તેમને તૈયાર થવામાં છ સાત મહિના લાગે અને સંઘના કાર્યકરોને તૈયાર થવામાં બે ત્રણ દિવસ લાગે એમ કહેવું એ ભારતના જવાનોની ગરીમા શૂરવીરતા અને તેમની તૈયારીઓ પર અવિશ્વાસ સર્જવાનો પ્રયાસ છે જો એમ કોઈ કહે તો તેમાં જરાય અતિશયોક્તિ નહીં હોય. સંઘના કાર્યકરોનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ અને ઝડપી તૈયાર થવાની નીતિ-રીતિ જોઈને કેન્દ્ર સરકારે તેમને કાશ્મીર સહિત અન્યત્ર બોર્ડર પર રહેઠાણ ફાળવવા જોઇએ. જેથી તેઓ લશ્કર કરતાં વધુ ઝડપથી દુશ્મનોનો સામનો કરી શકે.(જી.એન.એસ)

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here