ઇસ્લામિક બેન્કિંગ ભારતમાં શરૂ થાય તો શું થાય?

0
193
What happens if Islamic Banking starts in India
Advertisement
Loading...

આરબીઆઈના ગર્વનર રઘુરામન રાજનને ૨૦૧૪માં નવી સરકાર આવી પછી તેની સાથે બહુ ફાવ્યું નહોતું. રઘુરામન રાજન ફરી પાછા અમેરિકા જતં રહ્યાં. ફુગાવો હોવાના કારણે વ્યાજના દરો ઘટાડવા ન જોઈએ એમ તેમને લાગતું હતું. સરકારને લાગતું હતું કે વ્યાજના દરો ઘટે તો ધીરાણ વધે અને અર્થતંત્ર થોડા ફુગાવા સાથે દોડતું થાય. થોડો ફુગાવો અર્થતંત્ર માટે જરૂરી હોય છે, પણ આ ફુગાવો એ પ્રજા માટે મોંઘવારી છે. એટલી થોડી મોંઘવારી એટલે કેટલી મોંઘવારી તે નક્કી કરવું અને કાબૂમાં કરવી મુશ્કેલ હોય છે.

રઘુરામન રાજન માનતા હતા કે વ્યાજના દરો દ્વારા અર્થતંત્રને વેગવંતુ કરવાનો વિચાર એ અન્ય આર્થિક નીતિઓના વિકલ્પરૂપે ના હોવો જોવો જોઈએ. વ્યાજના દરો એક કોઈ નીતિ નથી એવું તેમનું કહેવું થતું હતું. વ્યાજના દરોની બાબતમાં તેમના વિચારો કેવા તે વિશે સતત ચર્ચા ચાલી હતી. તેમણે વ્યાજના મામલે એક અન્ય વિચાર કર્યો હતો તેની ચર્ચા ઓછી થઈ છે. તે છે વ્યાજ વિનાની બેન્કિંગ સિસ્ટમ.

રાજને એવું સૂચન કરેલું કે ભારતમાં પણ વ્યાજ વિનાના બેન્કિંગનો પ્રયોગ કરવો જોઈએ. વ્યાજ લેવાનું પણ નહીં અને આપવાનું પણ નહીં – તો બેન્ક ચાલે કેમ?
ચાલે, કેમ કે વિશ્વમાં કેટલીક જગ્યાએ આવી બેન્કો ચાલે છે. તેને ઇસ્લામિક બેન્કિંગના નામે પણ ઓળખવામાં આવે છે. માત્ર મુસ્લિમ દેશોમાં નહિ, પણ યુએસ અને યુકે જેવા કેટલાક દેશોમાં પણ તેના મોડેલ કામ કરે છે. ભારતમાં વ્યાજ વિનાનું બેન્કિંગ એના પર કદાચ ચર્ચા થઈ શકે, પણ ઇસ્લામી બેન્કિંગની ચર્ચા આડે પાડે ચડી જાય. એટલે ઇસ્લામી બેન્કિંગના બદલે વ્યાજ વિનાનું બેન્કિંગ અર્થાત વર્તમાન પદ્ધતિના બેન્કિંગના બદલે વૈકલ્પિક બેન્કિંગથી, વિશાળ વસતિ અને એટલી જ વ્યાપક અસમાનતા ધરાવતા, ભારત જેવા દેશમાં ફાયદો થાય કે કેમ તેનો વિચાર કરવામાં કંઈ ખોટું નથી.

ઇસ્લામમાં વ્યાજને હરામ ગણાય છે. કોઈને નાણાં આપો તેનું ભાડું નહિ લેવાનું. તમારા ઘરે મહેમાન આવે ત્યારે તમે ભાડું લો છો ખરા? ના. મહેમાનગતિના બીજા ફાયદા ખાતર આપણે મહેમાનોને સાચવીએ છીએ. મહેમાન બીજી રીતે વળતર આપી શકે. નાના સંતાનોના હાથમાં બક્ષિસ નાનકડું વ્યાજ જ ગણો!

ધન વિશે ભારતીય ચિંતન એટલું વિશાળ છે કે વ્યાજને હરામ ગણવાનો વિચાર આપણને કેમ ના આવ્યો તે નવાઈ લાગે તેવું છે. શરિયતમાં નાણાંને જે રીતે જોવાયા તે રીતે આપણે ધનને કેમ જોઈ શક્યા નથી? ઇસ્લામમાં વ્યાજને રીબા કહે છે. ધનનું પોતાનું કોઈ મૂલ્ય હોવું જોઈએ નહિ. એ તો એક ચલણ છે. પણ એ ચલણ જ મૂલ્યવાન બને અને તેના પર જ કમાણી થાય એ કેવું?

પૈસો તો હાથનો મેલ છે તેવી સામાન્ય કહેતીથી માંડીને ભારતીય ધર્મ, અધ્યાત્મ અને ચિંતનમાં નાણાં વિશે અધિક ઊંડાણથી વિચાર થયો છે. પણ વાસ્તવિકતા એ છે કે ધન પર જ આ દેશનો વ્યવહાર નભતો આવ્યો છે. ફ્રી ઇકોનોમી, મૂડીવાદ પાછળથી આવ્યો. આ ભૂમિ પર અસલી મૂડીવાદ પ્રાચીન સમયથી રહ્યો છે. એકવાર મૂડી જેની પાસે થઈ તે પછી ૭૨ પેઢી સુધી ખૂટે નહિ. તમે કમાણી કરીને મૂડી એકઠી કરો અને પછી મૂડી જ તમને કમાણી કરી આપે. આ એક ચક્ર છે, જે ચાલ્યા જ કરે છે. અસામાન્ય સંજોગોમાં મૂડી તૂટે તો ચક્ર તૂટે.

આ સ્થિતિના કારણે અસમાનતા ઊભી થાય છે. બીજી બાજુ વ્યાજ કે વળતર ના મળવાનું હોય તો કોઈ મૂડી અન્યને આપે પણ નહિ. મૂડી મળે જ નહિ તો નવો વ્યવસાય કોઈ કરે પણ નહિ. આ બંને વચ્ચેનો કોઈ રસ્તો કાઢવો પડે. ઇસ્લામિક બેન્કિંગ એવો જ કંઈક રસ્તો ગણાય છે. અહીં બચતકારો બેન્કને નાણાં આપે ત્યારે બેન્ક તેમને વ્યાજ ના આપે. બેન્ક તે નાણાં વ્યવસાય કરનારાઓને આપે ત્યારે પોતે પણ વ્યાજ ના લે. તેના બદલે વ્યવસાયમાં નફો થાય તેમાંથી સમપ્રમાણ હિસ્સો લેવાનો. એ જ હિસ્સો સમપ્રમાણમાં બચતકારોને વહેંચવાનો.

ઇસ્લામિક બેન્કિંગની શરૂઆત ઇસ્લામ ધર્મ સાથે નહોતી થઇ. એવું મનાય છે કે પાછળથી તેની શરૂઆત થયેલી. મલેશિયામાં તેની શરૂઆત થયેલી એવું મનાય છે અને તેનું નામ હતું તાબુંગ હાજી. હજ કરી આવે તે હાજી. મલેશિયાથી હજ કરવા જવું હોય તો ખર્ચ બહુ થાય. ઉછીના નાણાં લેવા પડે. રીબા લઈ શકાય નહિ ત્યારે કોણ ઉછીના આપે? તેથી ૧૨૮૧ જેટલા થાપણદારોથી તાબુંગ હાજી સંસ્થાની શરૂઆત થયેલી. તેમાં થોડા થોડા નાણાં જમા કરવાના અને તે બિઝનેસ માટે આપવાના. બિઝનેસના નફામાં હિસ્સો મળે તે સરખા ભાગે સૌને વહેંચવાનો. જોકે ૧૯૬૦ના દાયકામાં ઇજિપ્તમાં પણ આવી પદ્ધતિથી બેન્કિંગ ચાલતું હતું. નાના ગામડાંમાં એક સંસ્થા હોય તે બધાના નાણાં ભેગા કરતી અને ધંધામાં જેને જરૂર હોય તેને આપતી હતી. આગળ જતા ૧૯૭૨માં કૈરોમાં નાસર સોશ્યલ બેન્ક આ જ મોડેલ પર ખોલવામાં આવી હતી.

ભારતમાં વેપારી વર્ગોમાં વિશી ચાલે છે. એ પણ એક એવું જ મોડેલ છે, પણ તેને સત્તાવાર રીતે માન્યતા આપીને ચલાવી શકાય તેમ નથી. એક જૂથ પોતાની બચત એક જગ્યાએ એકઠી કરે. તે બચત હોંશિયાર લોકોના હાથમાં આપવાની, જેથી નફાકારક વ્યવસાય ચાલે. નફામાં સૌને ભાગ મળે. વ્યવસાય કરનારને તેની મહેનતના પ્રમાણમાં અને મૂડી રોકનારને તેની મૂડીના પ્રમાણમાં.

સવાલ એ છે કે આપણી બેન્કિંગ સિસ્ટમ આ કામ કરે જ છે તો નવી સિસ્ટમની ક્યાં જરૂર છે? હકીકતમાં આવી કેટલીક સિસ્ટમ ચાલે પણ છે. ભારતમાં કેટલીક એનજીઓ રોજિંદી બચત એકઠી કરીને નાના વેપાર માટે ધિરાણ આપતી હોય છે. પરંતુ તેનો વ્યાપ નાનો છે. તે વર્તુળમાં કેટલોક વર્ગ બાકાત રહી જાય છે. રઘુરામન રાજને સૂચન કરેલું ત્યારે તેમનો વિચાર એ હતો કે ઇસ્લામમાં રીબા લેવાની મનાઇ છે તેથી એક વિશાળ વર્ગ બેન્કથી દૂર રહે છે. તેમની બચતનો લાભ પણ ઇકોનોમીને મળતો નથી. જો શરિયત પ્રમાણે માન્ય બિઝનેસમાં જ રોકાણ કરવાની શરત રખાય અને ઇસ્લામિક બેન્ક એવું નામ અપાય તો આ વર્ગમાં બેન્કિંગનો વ્યાપ વધે અને તેનો આડકતરો ફાયદો અર્થતંત્રને થાય.

માત્ર અમુક જ વર્ગ માટે આ વિચાર શા માટે? શા માટે બેન્કિંગના લાભથી વંચિત રહી જતા અને મૂડીના ખેલમાં સદાય રેસમાં પાછળ રહી જતા લોકોને પણ તક ના આપવી? અર્થતંત્રને ઉપયોગી કશી જ પ્રવૃત્તિ વિના, માત્ર રોકાણના આધારે અઢળક કમાણી કરતા લોકોની સંખ્યા આ દેશમાં વિશાળ છે. પેઢી દર પેઢી રોકાણ વધતું રહે, સાથોસાથ સુરક્ષિત રહે તે પણ જોવાનું હોય છે. સુરક્ષિત રહે તે માટે કોઈને પણ મૂડી વ્યાજે મળતી નથી. માત્ર ચોક્કસ વર્તુળોમાં જ મૂડી ફરતી રહે છે. પેલી વીશીમાં બધાને હિસ્સેદારી મળતી નથી. લેવી હોય તો પણ અને લાયકાત હોય તો પણ મળતી નથી. વીશીમાં નાણાં આપવા હોય તો આપી પણ શકાતા નથી. નફામાં ‘બીજાનો’ ભાગ પડવા દેવાનો નહિ! ઇસ્લામિક બેન્કિંગ નહિ, પણ તેના જેવા મોડેલનું બેન્કિંગ ભારતમાં શરૂ થાય તો આ વર્તુળ તૂટે. વર્તુળ બહારના લોકો પોતાની બચત પણ આપી શકે અને વર્તુળ બહારના લોકો ધિરાણ મેળવી પણ શકે.

મોદી સરકારનું આ વખતનું બજેટ તેમની સરકારનું છેલ્લું પૂર્ણ કક્ષાનું બજેટ છે. જીડીપી ઘટી રહ્યો છે ત્યારે કશુંક કલ્પનાશીલ કરવું પડે. ઇસ્લામિક બેન્કિંગ જેવી કલ્પના પણ કરી શકાય. નામ બદલવું હોય છૂટ છે. આપણે સૂચન કરવાની જરૂર નથી. આ સરકારને જાતજાતના નામો સૂજી આવે છે.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here