Advertisement

કેન્દ્રના નાણાં મંત્રી અરુણ જેટલીએ અંતે પોતાનું બજેટ રજૂ કરી દીધું ને આ બજેટમાં કશું હરખાવા જેવું નથી. જેટલીએ અગાઉનાં બજેટમાં તો રાહતોનાં થોડાં થોડાં છાંટણાં પણ કરેલાં પણ આ વખતે સાલુ લુખ્ખુલસ બજેટ તેમણે આપ્યું ને લોકોને નિરાશ કરી નાંખ્યા. લોકસભાની ચૂંટણી આવતા વરસના મે મહિનામાં થવાની છે ને એ પહેલાં આ છેલ્લું બજેટ હતું. તેના કારણે સૌને પાકો ભરોસો હતો કે, આ બજેટમાં જેટલી મન મૂકીને વરસશે ને બધાંને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપીને રાજી કરી લેશે પણ કમનસીબે ભરોસાની ભેંસે પાડો જણ્યો જેવો ઘાટ થયો. આ બજેટમાં કશું એવું નથી કે જેના કારણે કોઈ પણ વર્ગ રાજી થાય.

જેટલીએ સૌથી વધારે નારાજ ભાજપની વફાદાર મતબૅંક એવા નોકરિયાતો ને મધ્યમ વર્ગના લોકોને કર્યા છે. બધાંને એમ હતું કે આ વર્ગ વરસોથી ભાજપ સાથે છે ને કપરા કાળમાં ભાજપને સાચવતો રહ્યો છે તો આ વખતે ભાજપ પણ તેમને સાચવી લેશે પણ એવું કશું ના થયું. નોકરિયાત ને મધ્યમ વર્ગને સૌથી વધારે આશા ઈન્કમટેક્સમાં રાહત મળવાની હતી. ભાજપ સત્તામાં નહોતો ત્યારથી એક રેકર્ડ વગાડ્યા કરતો હતો કે, આ દેશમાં બેફામ મોંઘવારી છે ને લોકોને બે છેડા ભેગા કરતાં ફીણ પડે છે એ જોતાં આવકવેરા મુક્તિની મર્યાદા પાંચ લાખ તો હોવી જ જોઈએ.

અરુણ જેટલી આ વાત કરવામાં મોખરે હતા પણ જેવી સત્તા મળી કે બીજા બધા મુદ્દે ભાજપે રંગ બદલ્યો એમ આ મામલે પણ તેમણે ગુલાંટ લગાવી દીધી. ભાજપ હવે રૂ. પાંચ લાખની મુક્તિ મર્યાદાની તો વાત જ નથી કરતો પણ તેની નજીક જવાની વાત પણ નથી કરતો. આ વખતે પણ જેટલીએ એવું જ કર્યું. તેમણે ઈન્કમટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર ના કર્યો ને લોકોને નિરાશ કરી દીધા. લોકોને રાહત આપવાના નામે તેમણે સ્ટાન્ડર્ડ ડિડક્શનનું ડીંડવાણું પાછું શરૂ કર્યું ને ચાલીસ હજારની આવક પર ટેક્સ નહીં લાગે તેવું ગાજર લટકાવી દીધું. અસરકારક રીતે ગણો તો તેના કારણે ચાર હજાર રૂપિયાનો ફાયદો થાય પણ સામે એજ્યુકેશન સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરી દીધો એટલે તેમાં પણ કાપ આવી જશે. એ રીતે આ રાહતનો ઝાઝો અર્થ નથી ને લોકો રાહત મળી તેની ખુશી પણ નહીં મનાવી શકે. આ રીતે જેટલીએ રમત રમીને લોકોને મૂરખ બનાવી દીધા. જેટલીએ એક્સાઈઝના રેટમાં ફેરફારો કરીને બીજી ઘણી ચીજોના ભાવ વધારી દીધા તેના કારણ રહીસહી રાહત પણ ખેંચાઈ જશે ને સરવાળે કાંઈ હાથમાં નહીં આવે.
જેટલીએ બીજી રમત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કરી છે. તેમણે એવી મોટા ઉપાડે જાહેરાત કરી કે, પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેના કારણે એવી છાપ પડી કે લોકોને થોડી ઘણી તો થોડી ઘણી રાહત તો મળી પણ તેમાંય ડખો નીકળ્યો. જેટલીએ બે રૂપિયા એક્સાઈઝ ઘટાડી ને છ રૂપિયા રોડ સેસ નાબૂદ કર્યો પણ સામે લિટરે આઠ રૂપિયાનો રોડ ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ઠોકી દીધો. તેના કારણે સરવાળે પેટ્રોલ-ડીઝલના ભાવ ત્યાંના ત્યાં જ આવીને રહી ગયા. ટીવી ચેનલોએ ઉત્સાહમાં આવીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે તેવું મોટા ઉપાડે કહી તો દીધું પણ પછી ખબર પડી કે આ તો ઉલ્લુ બનાવાયા છે.

જેટલીએ બજેટમાં બીજી જે પણ જાહેરાતો કરી એ બધાંની વાત કરવાનો પણ અર્થ નથી. લોકોને સીધું અસર કરે ને ફાયદો થાય તેવી નક્કર જાહેરાતોના બદલે તેમણે વાતોનાં વડાં વધારે કર્યાં. અમેરિકામાં બરાક ઓબામાએ સામાન્ય લોકોને મેડિકલ સારવાર આપવા માટે દાખલ કરેલી ને ઓબામા કેર તરીકે જાણીતી થયેલી યોજનાની જેટલીએ કોપી મારીને સ્વાસ્થ્ય વીમા યોજનાની જાહેરાત કરી નાંખી. સૈધ્ધાંતિક રીતે આ યોજના સારી છે તેમાં શક નથી પણ સવાલ તેના અમલનો છે. આપણે તેનો અમલ કરવા માટે સક્ષમ છીએ ખરા ? બિલકુલ નહીં. આપણી પાસે દેશનાં તમામ લોકોને સ્વાસ્થ્ય સુવિધા આપવાની તાકાત નથી પછી આવી યોજનાનો કોઈ અર્થ જ નથી. ખરી જરૂર તો પહેલાં મેડિકલની સુવિધાઓ ઊભી કરવાની છે ને જેટલીએ નાણાં ખર્ચવાં હોય તો તેની પાછળ ખર્ચવાં જોઈએ. તેના બદલે તેમણે આ યોજના જાહેર કરી કેમ કે તેમાં ખાલી વાતોનાં વડાં કરવાનાં છે. ખરેખર કેટલાં લોકોને તેનો લાભ મળ્યો તેનો હિસાબ આપવાનો નથી.

ભાજપના શાસનમાં એક બહુ કોમિક કહેવાય એવી વાત એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય કે બીજા પ્રધાનો હોય, બધા આજની વાત નથી કરતા પણ ૨૦૨૨ લગીમાં શું કરવાના છે તેની જ વાત કરે છે. ખેડૂતોની આવક બમણી કરવાની હોય તો એ પણ ૨૦૨૨માં થશે ને દેશનાં તમામ લોકોને પાકાં મકાન મળવાનાં હશે તો એ પણ ૨૦૨૨માં મળશે. જેટલીએ આ વખતના બજેટમાં પણ એવા જ દાવા કર્યા છે ને ૨૦૨૨ના નામે ગાજર પર ગાજર લટકાવી દીધાં છે.

ભાજપ માટે ગુરુવારનો દાડો બીજી રીતે પણ નિરાશાજનક રહ્યો. બે દાડા પહેલાં લોકસભાની ત્રણ ને વિધાનસભાની બે બેઠકો માટે મતદાન થયેલું. લોકસભાની ત્રણ બેઠકોમાંથી બે રાજસ્થાનમાં ને એક પશ્રિ્‌ચમ બંગાળમાં હતી. વિધાનસભાની બે બેઠકોમાંથી એક બેઠક રાજસ્થાનમાં ને એક પશ્રિ્‌ચમ બંગાળમાં હતી. ગુરુવારે આ પાંચેય બેઠકોનાં પરિણામ આવી ગયાં ને ભાજપે સાવ ધોળકું ધોળ્યું. ભાજપે સમ ખાવા પૂરતી એકેય બેઠક જીતી નથી. પશ્રિ્‌ચમ બંગાળમાં મમતા બેનરજીને પછાડવા ભાજપ તૂટીને ત્રણ થઈ ગયો છે. અમિત શાહે બંગાળમાં મમતાને પછાડવા માટેના કાવાદાવામાં કોઈ કસર છોડી નથી પણ મમતાનો વાળ પણ વાંકો કરી શક્યા નથી તેનો આ પુરાવો છે. મમતાની પાર્ટીનો ઉમેદવાર વિધાનસભાની બેઠક પર લાખ-સવા લાખ મતે જીત્યો છે ને લોકસભાની બેઠક પર તો બે લાખ મતની લીડે જીત મેળવી છે. ભાજપ લેવું હોય તો એટલું આશ્ર્‌વાસન લઈ શકે કે બંને ઠેકાણે એ બીજા નંબરે આવ્યો છે. અત્યાર લગી ડાબેરીઓ મુખ્ય વિરોધ પક્ષ હતા, હવે ભાજપ એ સ્થાને આવી ગયો છે એ જોતાં ભાજપ ભવિષ્યમાં બંગાળમાં મોટા થવાશે એવું આશ્ર્‌વાસન લઈ શકે. આશા અમર છે.

બંગાળમાં મમતા અડિંગો જમાવીને બેસી ગયાં છે તેથી ત્યાંનાં પરિણામો ભાજપ માટે બહુ આંચકાજનક ના કહેવાય પણ રાજસ્થાનમાં તો ભાજપનું નાક વઢાઈ જ ગયું છે. રાજસ્થાનની અજમેર, અલવર એ બંને લોકસભા બેઠકો ને માંડવગઢ વિધાનસભા બેઠક એમ ત્રણેય બેઠક ભાજપ પાસે હતી. કોંગ્રેસે વટ કે સાથ આ બેઠકો ભાજપ પાસેથી ખૂંચવી લીધી છે. કોંગ્રેસ પાછી પાંચ-દસ હજાર મતની લીડથી નથી જીતી પણ પચાસ-પચાસ હજારની સરસાઈથી લોકસભાની બેઠકો જીતી છે. ભાજપે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે રાજસ્થાનમાં સપાટો બોલાવીને ભાજપે બધી ૨૫ બેઠકો જીતી લીધેલી. એ વાતને માંડ સાડાત્રણ વરસ થયાં છે ને તેમાંથી બે બેઠકો ભાજપના હાથમાંથી સરી ગઈ છે એ ભાજપ માટે નાક વઢાવવા જેવું જ છે. સામાન્ય રીતે બે-ચાર બેઠકોની પેટાચૂંટણી હોય ત્યારે શાસક પક્ષ જ જીતતો હોય છે પણ અહીં ભાજપ સત્તામાં હોવા છતાં જીતી શક્યો નથી તેના પરથી લોકોમાં કેવો આક્રોશ હશે તે સમજવા જેવું છે.

રાજસ્થાનનાં પરિણામો ભાજપ માટે એ રીતે પણ આંચકાજનક છે કે દસ મહિના પછી તો રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી છે ને એ પહેલાં જ ભાજપનો રાવણ નીકળવા માંડ્યો છે. ત્રણ બેઠકો હાર્યા તેમાં ભાજપનો બેડો ગર્ક થઈ ગયો ને ભાજપ પતી ગયો એમ કહેવું વહેલું કહેવાય પણ ભાજપે ચિંતા કરવી પડે એવો માહોલ તો છે જ. રાજસ્થાનમાં ગેંગસ્ટર આનંદપાલસિંહને પોલીસ એન્કાઉન્ટરમાં પતાવી દેવાયો ને પદ્માવતનો ડખો થયો તેના કારણે ભાજપને ફટકો પડ્યો એવી વાતો થાય છે. આ કારણ ગળે ઊતરે એવાં નથી પણ એ કારણ જવાબદાર હોય તોય ભાજપે જાગવું તો પડશે જ, કેમ કે નવ મહિનામાં લોકો બધું ભૂલીને ટાઢા પડી જાય એવું નહીં બને. તેમાંય રાજસ્થાનમાં તો દર પાંચ વર્ષે સરકાર જતી રહે એવો ઈતિહાસ છે ત્યારે તો ભાજપે ખાસ જાગવું પડે.(જી.એન.એસ)

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here