ઉત્તરાખંડ : ઘનસાલીમાં વાદળ ફાટતા એક જ પરિવારના ૭ના મોત

0
75
Advertisement
Loading...

ઉત્તરાખંડના પહાડો પર અતિભારે વરસાદ થવાથી સમગ્ર પ્રદેશમાં તબાહી મચી ગઈ છે. આજે વહેલી સવારે ટિહરી જિલ્લાના ઘનસાલીમાં વાદળ ફાટતાં એક જ પરિવારના સાત લોકો કાટમાળ નીચે દટાઈ જતાં તમામનાં મોત થયાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનસાલીના કોટ ગામમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે વાદળ ફાટયું હતું. વાદળ ફાટવાના કારણે એક જ પરિવારના સાત સભ્ય ઘરના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘરમાં કુલ આઠ વ્યક્તિ રહેતી હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. આ પરિવારની એક નાની બાળકી કુદરતી રીતે બચી જવા પામી હતી.

આઘાતમાં સરી પડેલી આ બાળકીને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવી છે.બદરીનાથ હાઈવે સતત છઠ્ઠા દિવસે પણ બંધ રહેતાં લોકોની પરેશાની ખૂબ વધી ગઈ છે. આ હાઈવે પર હાલ વાહનવ્યવહાર સદંતર બંધ છે. ફક્ત પગપાળા યાત્રીઓ આ રસ્તેથી પસાર થઈ રહ્યા છે. અંદાજે ર૪૪ તીર્થયાત્રીઓ બદરીનાથ હાઈવે ખૂલે એની રાહ જોઈને બેઠા છે.

આજે સવારે આ હાઈવે વધુ બે જગ્યાએ કાટમાળ તણાઈને આવતાં ફરી બંધ થઈ ગયો છે. સ્થાનિક તંત્ર હાલ રસ્તા પર આવેલા કાટમાળને હટાવવાની કામગીરીમાં લાગેલું છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે તેમની કામગીરી ખોરંભે ચડી છે.બદરીનાથ હાઈવે પર તંત્ર દ્વારા દર પાંચ કિમી વિસ્તારમાં એક જેસીબી તહેનાત કરવાના આદેશ કરી દેવાયા છે. હાઈવે લાંબો સમય સુધી બંધ ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લામબગડ અને ક્ષેત્રપાલ ભૂસ્ખલન ઝોનમાં હાઈવે વારંવાર બંધ થઈ જવાથી જિલ્લા કલેક્ટરે અધિકારીઓને આ આદેશ આપ્યા છે.દરમિયાન હાઈવેથી નજીક આવેલી પાંચ દુકાનો પાણીના વહેણમાં તણાઈ ગઈ છે અને ત્યાં હાજર લોકોએ ભાગીને મહામહેનતે પોતાનો જીવ બચાવ્યો છે. જિલ્લા અધિકારી સ્વાતિ ભદોરિયાએ જિલ્લામાં નિર્માણાધીન હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અને સડક નિર્માણ એજન્સીઓના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓમાં પરસ્પર સમન્વયનો અભાવ હોવાથી બદરીનાથ હાઈવે વારંવાર બંધ થઈ જાય છે. કુદરતી હોનારતની દૃષ્ટિએ ચમોલી જિલ્લાને સૌથી વધુ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં વધુ મદદ મોકલવામાં આવી રહી છે.નૈનિતાલમાં પણ સ્થિતિ વિકટ બની છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here