જેટલીએ કોથળામાંથી કાઢ્યું બિલાડું, આ વર્ષે નહિં આવતા વર્ષે શરૂ થશે ‘મોદી કેર’

0
187
Modi Care' will start next year
Advertisement
Loading...

(જી.એન.એસ)ન્યુ દિલ્હી, નાણામંત્રી અરુણ જેટલીએ બજેટના બીજા દિવસે ફોડ પાડતાં કહ્યું છે કે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના સંપૂર્ણ કેશલેસ હશે અને આ રીઈમ્બર્સમેન્ટ સ્કીમ નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આરોગ્ય મંત્રાલય અને નીતિ આયોગ તેની સંપૂર્ણ રૂપરેખા ઘડી રહ્યા છે અને આવતા વર્ષથી તેનો અમલ શરૂ થશે. જરૂર પડશે તો આગામી બજેટમાં વધુ ફંડ ફાળવાશે. જેટલીએ ગુરુવારે બજેટ રજૂ કરતી વખતે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ(NHPS)ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ૧૦ કરોડ ગરીબ પરિવારોને મેડિકલ સારવાર પેટે પાંચ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળશે. કુલ વસતીના ૪૦ ટકા લોકોને આ યોજના હેઠળ આવરી લેવાશે.

જેટલીએ આ યોજના અંતર્ગત કહ્યું હતું કે ‘હોસ્પિટલાઈઝેશન, બીજા અને ત્રીજા તબક્કાની સારવારનો સમાવેશ થશે. સ્વાભાવિક રીતે જ તેમાં વિવિધ રાજ્ય સરકારની હોસ્પિટલો અને પસંદગીની ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરાશે. તે ટ્રસ્ટ મોડેલ આધારીત અને ઈન્સ્યોરન્સ મોડેલ આધારીત હોઈ શકે છે. તે રિઈમ્બર્સમેન્ટ મોડેલ આધારીત નહીં હોય. કારણ કે રિઈમ્બર્સમેન્ટ મોડેલમાં ઘણી બધી ફરિયાદો આવે છે. હાલમાં નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલય આ મોડેલ નક્કી કરી રહ્યા છે. યોજનાનો અમલ આવતા વર્ષથી થશે.’
જેટલીએ કહ્યું હતું કે માની લો તે આ ઈન્સ્યોરન્સ આધારીત મોડેલ હોય તો પોલિસીધારકોની સંખ્યા વધે તેમ પ્રીમિયમ ઓછું આવશે. જેટલીના બજેટમાં આ સૌથી મોટી જાહેરાત હતી જેની નિષ્ણાતોએ પ્રશંસા કરી છે, પરંતુ તેના અમલ અંગે પ્રશ્ન થઈ રહ્યા છે. કારણ કે આટલી મોટી યોજના માટે પહેલા તબક્કામાં માત્ર ૨૦૦૦ કરોડ રૂપિયા જ ફાળવાયા છે. જોકે નાણામંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ સંપૂર્ણ સરકારી ફંડથી જ સંચાલિત યોજના હશે અને સમય જતા તેના માટે જેટલા ફંડની જરૂર પડશે તેટલું ફાળવાશે. આગામી વર્ષોમાં આ યોજનાના અમલ માટે વધુ સુગમતા થશે તેમ તેમણે કહ્યું હતું.

નાણામંત્રી અરુણ જેટલીએ ગુરુવારે બજેટમાં મહત્ત્વાકાંક્ષી નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ(NHPS)ની જાહેરાત કરી છે, જે અંતર્ગત ૧૦ કરોડ ગરીબ પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની મેડિકલ સારવાર માટે વીમાનું કવચ મળશે. આ યોજના માટે અંદાજે દર વર્ષે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ એક અધિકારીએ કહ્યું હતું.

અમેરિકામાં ઓબામાએ જાહેર કરેલી હેલ્થ પોલિસીને ‘ઓબામાકેર’ નામ અપાયું હતું તે મુજબ મોદી સરકારની આ યોજનાને ‘મોદીકેર’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત ૫૦ કરોડ જેટલા ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીની મેડિકલ સારવાર મફત મળશે.

જેટલીએ આરંભિક સ્તર પર આ યોજના માટે ૨૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે પરંતુ અધિકારીઓ કહે છ કે આ યોજના જેમ-જેમ આગળ ધપશે તેમ-તેમ તેના માટે વધુ ફંડ ફાળવાશે. હાલમાં અનેક રાજ્ય સરકારો વિવિધ પ્રકારે આરોગ્ય વીમા સેવા પૂરી પાડે છે, પરંતુ તે પ્રમાણમાં નાના સ્વરૂપમાં છે અને તેનો અમલ પણ એટલો અસરકારક રીતે થતો નથી.

નવી યોજના અંતર્ગત દરેક પરિવારનો વીમો લેવા માટે અંદાજે ૧૧૦૦ રૂપિયા જેવો ખર્ચ થશે. તમામ પરિવારના પ્રીમિયમ ભરવા માટે દર વર્ષે ૧૧,૦૦૦ કરોડ રૂપિયા જેવો ખર્ચ થશે. કેન્દ્ર સરકાર ૭૦૦૦ કરોડ રૂપિયા આપશે અને બાકીના રાજ્ય સરકારોએ આપવાના રહેશે. સરકાર કહે છે કે આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના હશે. નવા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે સરકારે ૨૦૦૦ કરોડ રૂપિયા આપી દીધા છે અને બાકીના ૫૦૦૦ કરોડ રૂપિયા તબક્કાવાર રીતે યોજના જેમ આગળ વધશે તેમ આપવામાં આવશે. સરકારી આરોગ્ય વીમા કંપનીઓએ આ માટે ફંડ આપવાની તૈયારી બતાવી દીધી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here