પાકિસ્તાનમાંથી આતંકનો સફાયો થશે તેવી આશા રાખવી પણ બેકાર છે.

0
173
It is also lazy to hope that terrorism will be wiped out of Pakistan
Advertisement
Loading...

ઘણા ગધેડાંઓને લાખ ડફણા મારીએ તો પણ એ સખણા નથી રહેતા પણ, પાકિસ્તાન તો થોડા ડફણામાં જ થોડું સખણું થઇ ગયું હોય તેવું લાગે છે. ભારતે, માત્ર દક્ષિણ એશિયામાં જ નહીં પણ સમગ્ર વિશ્ર્‌વમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદી સંસ્થાઓ અને ખૂનખાર ત્રાસવાદીઓને અપાતા આશ્રય અને સહાય અંગે જેટલા પાડી શકાય તેટલા બૂમબરાડા પાડ્યા. જેના યુનોની સલામતી બેઠકમાં પણ પડઘા પડવા લાગ્યા. અમેરિકા પણ એ બરાડા સાંભળતું રહેતું, પણ જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં તેમના સૈનિકોને મારી નાખવા ત્રાટકતા તાલિબાનોએ અમેરિકાના નાકે દમ લાવી દીધો, ત્યાર પછી, પાકિસ્તાનને’ આતંકવાદીઓ માટેનું સ્વર્ગ ’ જાહેર કર્યું ! અને આખરે તેણે પાકિસ્તાનને કરાતી લશ્કરી આર્થિક સહાય બંધ કરીને તેનું નાક દબાવી દીધું ! આખરે એવા સંજોગો આવી ગયા કે, પાકિસ્તાને ઘૂંટણીયે પડવું પડ્યું અને તેણે ત્રાસવાદી વિરોધી ધારામાં સુધારો કર્યો ! તે મુજબ લશ્કર-એ- તોઇબા, જમાત-ઉદ-દાવા અને હરકત-ઉલ મુજાહીદ્દીન જેવી સંસ્થાઓને ત્રાસવાદી સંસ્થાઓ જાહેર કરી દીધી, પરંતુ સૌથી મહત્ત્વનું પગલું પાકિસ્તાને એ લીધું કે, મુંબઇના ૨૬/૧૧ તરીકે જ ઓળખાતા બૉમ્બ વિસ્ફોટ અને આતંક ફેલાવવાની ક્રૂર ઘટનાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદને તેણે આતંકવાદી જાહેર કર્યો, એ છે.

ત્રાસવાદી ધારામાં કરવામાં આવેલા સુધારા પર પાક. પ્રમુખ મમ્નૂન હુસૈને સોમવારે સહી કરીને મંજૂરી આપી દીધી કે તરત જ પાકિસ્તાન પોલીસે જમાત-ઉદ-દાવાના મુખ્યાલયના માર્ગો પર સુરક્ષાના બહાને મૂકેલી આડશો દૂર કરી દઇને બધા જ માર્ગો પ્રજા માટે ખુલ્લા કરી દીધા…! પાકિસ્તાનના પોલીસ વડાને આના માટે ત્યાંની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ડફણું ફટકાર્યું હતું. ચીફ જસ્ટિસ સાકીબ નાસીરે આઇ.જી. ને સ્પષ્ટ કહી દીધું હતું કે, એ આડશો દૂર નહીં કરો તો, તમારું શું કરવું એ અમે નક્કી કરશું ! આમ વૈશ્ર્‌ેવિક દબાણના કારણે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું. છેલ્લા ત્રણ વર્ષોથી યુએન દ્વારા અપાતી આતંકી સંસ્થાઓ અને વ્યક્તિઓની યાદીને પાકિસ્તાન ગણકારતું નહોતું. ગયા નવેમ્બર મહિનામાં બ્યુનોસ એઇરેસ ખાતે મળેલી એ ઇન્ટરગવર્મેન્ટલ બોડીના તમામ હાજર સભ્યોએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, પેરિસ ખાતે ૧૮ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી મળનારી ફાયનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સની બેઠકમાં, લશ્કર-એ-તોઇબા અને જેયુડી વિરુદ્ધ લેવાયેલાં પગલાંનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરજો…
તે મુજબ યુએનએસસી એ તૈયાર કરેલી પ્રતિબંધ મૂકવા માટેની યાદીમાં અલ-કાયદા, તેહરીક-એ-તાલીબાન પાકિસ્તાન, લશ્કર-એ-જહાન્ગવી, જમાત-ઉદ-દાવા, ફલાહ-એ-ઇન્શાનિયત ફાઉન્ડેશન, લશ્કર-એ-તોઇબા અને અન્ય આતંકવાદી સંગઠનોનાં નામ હતાં, પણ પાકિસ્તાન એ યાદીને બહાલી આપતું જ નહોતું. એ પોતે તૈયાર કરીને આપેલી ૨૦૧૨ના વર્ષની યાદીને જ વળગી રહ્યું હતું.

આમ તો પાકિસ્તાન આવાં બધાં કારણોસર ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ‘ગ્રે લીસ્ટ’માં ફેબ્રુ. ૨૦૧૨ થી હતું. આ વખતની બેઠક તેને બેહાલ કરી નાખે તેવી થવાની હતી, આ પણ એક ડફણું જ હતું કારણ કે આ ટાસ્કફોર્સની સમિતિના સભ્યોએ જાન્યુઆરી મહિનામાં જ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો અભ્યાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાનને એવો ડર લાગ્યો કે આ સમિતિનો રિવ્યૂ તેમના દેશ માટે અત્યંત ખરાબ સ્થિતિ પેદા કરનારો બની રહેશે અને દેશ સામે શિક્ષાત્મક પગલાં લેવાશે, કારણ કે એફએટીએફ આતંકવાદને પોષનારા અને કાળાં નાણાંની હેરફેર કરનારા દેશોની ‘ગ્રે’ અને ‘બ્લેક’ યાદી બનાવતું હોય છે, અને તે મુજબ આતંરરાષ્ટ્રીય ધોરણે એવા દેશો પ્રત્યેનું વલણ નક્કી થતું હોય છે એટલે પાકિસ્તાન પર લટકતી તલવારનો ભય હતો.

હવે પાકિસ્તાને યુનોની સિક્યોરિટી કાઉન્સિલની યાદીને સ્વીકારી લેતાં, પાકિસ્તાનમાં પાંગરતા આતંકવાદ પર તેની કેટલી અસર થશે, એ તો આવનારો સમય જ બતાવશે ! તે વચ્ચે અમેરિકાએ ખુશ થઇને મંગળવારે પાકિસ્તાન માટે ૨૫૬ ટ્રિલ્યન યુએસ ડોલરની સહાય કરવાનો પ્રસ્તાવ કોંગ્રેસને મોકલીને, પાકિસ્તાનની પીઠ થાબડી હોય તેવું જણાય છે !
જોકે જોવાનું એ રહે છે કે પાકિસ્તાનનું આ વલણ લાંબુ ટકે છે કે માત્ર દેખાડો. બાકી કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ…(GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here