ખરેખર દરેક રાજ્યમાં માણિક સરકાર જેવા મુખ્યમંત્રી હોય તો…..

0
187
In fact, every state has a Chief Minister like Manik Sarkar
Advertisement
Loading...

વાંચવાથી વિશ્ર્‌વાસ ન બેસે અને સાંભળવાથી સાચું ન લાગે એવી આ વાત છે. ૧૯૯૮થી સતત ૨૦ વર્ષ સુધી ત્રિપુરાની સરકારના મુખ્ય પ્રધાનપદે રહ્યા પછી તાજેતરમાં ડાબેરી વિચારધારા ધરાવતા માર્ક્સવાદી પક્ષ (સીપીએમ)ના માણિક સરકારે (બંગાળીમાં માનિક શોરકાર) જાહેર કરેલી અંગત પૂંજીનો આંકડો જોઈને આંખો ચોળવી પડે છે. સપનું તો નથી જોઈ રહ્યા ને એની ખાતરી કરી લેવી પડે છે. જોકે, આ કોઈ વાર્તા નથી, પણ હકીકત છે. સાફસૂથરી અને પારદર્શક. બે દાયકા સુધી અવિરત રાજ્યના રાજકારણનું સર્વોચ્ચ પદ શોભાવનારા રાજકારણીના બૅન્ક અકાઉન્ટમાં ફક્ત ૨૪૧૦ રૂપિયા અને હાથમાં રોકડ રકમ માત્ર ૧૫૨૦ રૂપિયા! આ ઉપરાંત સ્થાવર મિલકતમાં વારસામાં મળેલો ૪૩૨ સ્કવેર ફિટનો પતરાની છત ધરાવતો ફ્લેટ જેની કિંમત આજના બજારભાવના હિસાબે બે લાખ ને વીસ હજાર રૂપિયા થાય છે. બધું મળીને આંકડો અઢી લાખથી ઉપર નથી પહોંચતો સાહેબ. મજા તો જુઓ કે જે મતદારસંઘમાંથી તેઓ ચૂંટાઈ આવે છે એનું નામ છે ધનપુર.

જે દેશમાં આજે પણ કરોડો લોકો કારમી ગરીબીમાં જીવી રહ્યા છે અને એમણે પોતાનો કિંમતી વોટ આપીને જેમને ચૂંટી કાઢયા છે એ નેતાઓ ધનના ઢગલામાં આળોટીને એશોઆરામની જિંદગી જીવી રહ્યા છે એવા વાતાવરણમાં એક મુખ્ય પ્રધાન અત્યંત અને આજની તારીખમાં કલ્પી ન શકાય એવું સાદગીભર્યું જીવન જીવે એની તો પ્રશંસા કરીએ એટલી ઓછી છે. હા, કોઈ વક્રદ્દષ્ટિવાળો એમ બોલશે કે, ‘આને રાજકારણમાં રમતા ન આવડ્યું. પોતાને ફકીર તરીકે રહેવું હોય તો ભલે રહે, પણ પરિવાર માટે તો થોડું ભેગું કરી લેવું જોઈએ ને!’ જોકે, જેમને લાલ બહાદુર શાસ્ત્રી જેવા રાજકારણી માટે આદર છે એ લોકો તો શ્રી માણિક સરકારને સલામ મારશે અને કહેશે કે ભલે આર્થિક રીતે તેઓ ગરીબ સીએમ ગણાતા હોય, જનતાની નજરમાં તો એમનાથી ધનવાન બીજું કોઈ જ નથી.

આશ્ર્‌ચર્ય તો એ વાતનું થાય છે કે રાજકારણીઓમાં સાદગી અને પ્રામાણિકતા અને પારદર્શકતાની વાતો ગાઈ વગાડીને રજૂ કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોઢામાંથી માણિક સરકારની સ્તુતિ કરતો એક શબ્દ હજી સુધી નથી નીકળ્યો. તાજા સમાચાર તો એ છે કે ૧૪ ફેબ્રુઆરીના દિવસે ભારતીય જનતા પક્ષ દ્વારા ‘ચલો પલટાઈ’ મતલબ કે ‘ચાલો ઉથલાવી દઈએ’ એ સ્લોગન અપનાવીને ત્રિપુરાના માણિક સરકારના અભેદ્ય કિલ્લાને વૈચારિક ઢબે તોડી પાડવા માટેની હિલચાલ શરૂ થઇ ગઈ છે. હા, કેન્દ્ર સરકાર જરૂર ઈચ્છે કે દરેક રાજ્યમાં પણ પોતાના જ પક્ષની સરકાર હોય તો સુચારુ શાસનમાં સગવડ રહે. જોકે, કોઈ પણ સરકારનો અંતિમ હેતુ સારું શાસન અને લોકકલ્યાણ જ હોય અને જે રાજ્યની પ્રજા ૨૦ વર્ષથી એક જ વ્યક્તિને મુખ્ય પ્રધાનપદે બેસાડતી હોય તો એમાં એનું હિત સચવાતું હોય તો જ એમ કરે ને.

વળી આ સીએમની નીતિ ખાવું નહીં અને ખાવા દેવું નહીં એ નરેન્દ્ર મોદીની વિચારધારાને સુસંગત છે તો એને બિરદાવવાને બદલે એમ જ એના રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી બનતી મદદ અને સહયોગ પૂરો પડવાને બદલે એને ઉથલાવી દેવાની કોશિશમાં લાગી ગયેલો ભાજપ શું સાબિત કરવા માગે છે? જનતા સમક્ષ કયું ઉદાહરણ બેસાડવા માગે છે? આ તો દેશની જનતાના ધનભાગ્ય અને ધનઘડી કહેવાય કે એક પણ ડાઘ વગરના શ્ર્‌વેત ધોતી કુર્તા પહેરીને રાજ કરતા મુખ્ય પ્રધાન માણિક સરકારનું ચરિત્ર અને એની ઇમેજ પણ એના વસ્ત્રો જેવી અને જેટલી સ્વચ્છ અને નિર્મળ છે. આવો રાજકારણી તો દીવો લઈને શોધવા નીકળો તોય આજની તારીખમાં જડવો મુશ્કેલ છે અને એટલે જ જો કોનું શાસન છે એની બદલે લોકકલ્યાણને મહત્ત્વ આપવું જોઈએ એમ માનનારી ભાજપને ભગવાન સમજી બેઠેલી દરેક વ્યક્તિએ માણિક સરકારનો જયજયકાર કરવો જોઈએ.

જનતાએ સિગ્નેચર કેમ્પેઇન કરીને શ્રી મોદીને માણિક સરકારની સરકારનો તરફેણ કરતો પત્ર પાઠવવો જોઈએ. હજી વાત થોડી વધુ છે. ગયા વર્ષે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી સરકારે કરેલું ભાષણ પ્રસારિત કરવાનો આકાશવાણી અને દૂરદર્શને નનૈયો ભણી દીધો હતો એવો આરોપ મુખ્ય પ્રધાને જ કર્યો છે. એવું કહેવાય છે કે ત્રિપુરાના મુખ્ય પ્રધાનના એ પ્રવચનમાં પરોક્ષ રીતે નરેન્દ્ર મોદી અને તેમના શાસનની ટીકા કરવામાં આવી છે. તો શું થઇ ગયું? લોકશાહી દેશમાં તો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. જો માણિક સરકાર ભાષણનો અમુક ભાગ બદલે તો જ એ પ્રસારિત કરાશે એવું એમને કહેવામાં આવ્યું હોવાનું મનાય છે.

આ બધું કરવા પાછળ નરેન્દ્ર મોદીનો ઈશારો નહીં હોય? રાજ્યો સાથે સહયોગની વાત કરનારા વડા પ્રધાન શું સાબિત કરવા માગે છે? પોતાને પૈસે ખરીદેલું ઘર ન ધરાવતા કે ખેતીવાડી જેવું કોઈ આવકનું સાધન નહીં ધરાવતા ત્રિપુરાના આ મુખ્ય પ્રધાન પોતાને મળતું પૂરેપૂરું વેતન પોતાના પક્ષને દાન કરી દે છે એવું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમને દર મહિને પાંચ હજાર રૂપિયા ભથ્થા પેટે મળે છે. બસ, આ સિવાય પૈસાની કોઈ કરતા કોઈ પ્રકારની લેવડદેવડ અંગત ધોરણે નહીં. આદર્શ પતિને જોઈને કોઈ પત્ની કહે કે ભવોભવ આવો પતિ મળવો જોઈએ એમ માણિક સરકાર વિષે ત્રિપુરાની જનતા કહેતી હશે કે કાયમ આવા જ મુખ્ય પ્રધાન મળવા જોઈએ.

માણિક સરકારનું અંગત જીવન માર્ક્સવાદી પક્ષની વિચારધારાને એકદમ સુસંગત છે. તેમનો જન્મ ૨૨ જાન્યુઆરી, ૧૯૪૯ના દિવસે એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાજી અમૂલ્ય સરકાર દરજીકામ કરતા હતા, જ્યારે તેમના માતુશ્રી ત્રિપુરામાં સરકારી કર્મચારી હતા. માણિકભાઈએ અગરતલા શહેરની કોલેજમાંથી બી.કોમ.ની ડિગ્રી મેળવી હતી. તેમનાં લગ્ન પાંચાલી ભટ્ટાચાર્ય નામની યુવતી સાથે થયાં હતાં. શ્રીમતી પાંચાલી સેન્ટ્રલ વેલફેર બોર્ડમાં નોકરી કરતાં હતાં અને ૨૦૧૧માં જ નિવૃત્ત થયાં હતાં. સોગંદનામાની વિગતો પ્રમાણે પાંચાલી ભટ્ટાચાર્ય કેન્દ્ર સરકારનાં સેવાનિવૃત્ત કર્મચારી છે. તેમની પાસે ૨૦૧૪૦ રૂપિયાની રોકડ રકમ છે, જ્યારે ૧૨૪૧૦૧ અને ૮૬૪૭૩ રૂપિયા બેન્કના બે ખાતામાં જમા છે. આ સિવાય બે લાખ, પાંચ લાખ અને ૨.૨૫ લાખની એમ ત્રણ ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ઉપરાંત ૨૦ ગ્રામ સોનાના ઘરેણાં છે. સ્થાવર મિલકતમાં ૮૮૮.૩૫ ચોરસ ફૂટની જમીન છે જે તેમને વારસામાં મળી છે. આ જમીનની વર્તમાન કિંમત ૨૧ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

૧૯ વર્ષની ઉંમરે માણિક સરકાર કોલેજમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ સાથે સંકળાયા હતા. આવડતના જોરે આગળ વધ્યા અને સ્ટુડન્ટ્‌સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી બની ગયા હતા. ૧૯૬૭ની ખેડૂતોની લડતમાં તેઓ જોડાઈ ગયા. એ સમયે તેમણે શાસક કોંગ્રેસ પક્ષની નીતિનો વિરોધ કરી એમની વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો. ૨૩ વર્ષની ઉંમરે માણિક સરકાર સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)ની સ્ટેટ કમિટીમાં જોડાયા હતા. ૧૯૭૮માં સામ્યવાદી પક્ષ પહેલી વાર સત્તા પર આવ્યો ત્યારે શ્રી સરકારને પાર્ટી સેક્રેટેરિયેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. ૧૯૮૦માં તેઓ વિધાન સભ્ય બન્યા. ૧૯૮૩માં ફરી ચૂંટાઈ આવ્યા અને તેમની કૂશળતા જોઈને ૧૯૯૩માં માર્ક્સવાદી સરકાર સત્તા પર આવી ત્યારે તેમને રાજ્યના સચિવપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૯૮માં તેમને પોલિટ બ્યુરોના સભ્ય બનાવાયા અને ત્યારથી તેમણે પાછું વાળીને જોયું નથી.

એ જ વર્ષે તેમને ત્રિપુરાના મુખ્ય પ્રધાનની ખુરશી પર પહેલી વાર બેસાડવામાં આવ્યા. એ દિવસ અને આજની ઘડી, શ્રી સરકાર દરેક ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે અને પક્ષે દરેક વખતે તેમને સીએમના પદ પર બેસાડ્યા છે. લાગલગાટ ચાર મુદત તેઓ મુખ્ય પ્રધાન રહ્યા છે અને લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન તરીકે સેવા આપનારા લોકોની યાદીમાં તેમણે માનભર્યું સ્થાન મેળવી લીધું છે.પૈસો નહીં પણ જનતા અને એની પ્રત્યેની મારી ફરજ એ જ મારો પરમેશ્વર એ સિદ્ધાંતને અનુસરીને ચાલતા માણિક સરકાર, સરકાર માટે માણેક જેવા મૂલ્યવાન છે. ’સૌથી સ્વચ્છ અને સૌથી ગરીબ’ એવા આ મુખ્ય પ્રધાનને તેમના વિરોધીઓ પણ ભ્રષ્ટાચાર મુક્ત રાજકારણી તરીકે ઓળખે છે. આશા રાખીએ કે આજ રોજ (૧૮ ફેબ્રુઆરી) ત્રિપુરામાં થનારા વોટિંગમાં મતદારો ૨૦ વર્ષની પરંપરા જાળવી રાખે. ઘણું જીવો માણિક સરકાર.(GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here