ન્યુ દિલ્હી,સંસદમાં ગુરુવારે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એમેન્ડમેન્ટ બિલ પસાર કરવામાં આવ્યું હતું. તેનાથી સરકારને એ અધિકાર મળી ગયો છે કે તે ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટી ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરી શકે. તે ઉપરાંત સરકાર હવે ગ્રેજ્યુઇટીની મહત્તમ લિમિટ પણ સમય સમય પર વધારી શકશે. તેના માટે તેણે એક્ટમાં સુધારો કરવાની જરૂર નહિ પડે.
પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટમાં જોગવાઇ હતી કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને ૧૦ લાખ રૂપિયાથી વધારે ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટી ન મળી શકે. સુધારા પછી હવે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓને ૨૦ લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટી મળી શકશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને તો પહેલાથી ૨૦ લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટી આપવાનો નિયમ છે. ટ્રેડ યુનિયન્સ ઘણા લાંબા સમયથી પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે ગ્રેજ્યુઇટીની મર્યાદા ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવાની માગણી કરતા હતા.
ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટીની લિમિટ વધવાથી તાત્કાલિક રીતે તેમને ફાયદો થશે જેમની સેલેરી વધારે છે. હાલના સમયમાં ફોર્મલ સેક્ટરમાં કામ કરનારા એવા ઓછા લોકો હશે જેમની બેઝિક સેલેરી રૂ.૭૦,૦૦૦ પ્રતિ માસ હશે. જોકે, જેઓ આગામી પાંચ કે ૧૦ વર્ષમાં રીટાયર થનારા છે અથવા જેમણે હમણાં નોકરી શરૂ કરી છે તેમને આ ફેરફારથી ફાયદો થઇ શકે છે.
હાલના સમયે સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીને જો તે ૫ વર્ષ કે તેનાથી વધુ સમય સુધી કામ કરે તો તે ૧૦ લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટીનો હકદાર બને છે. જોકે, તેને આ ગ્રેજ્યુઇટી નોકરી છોડે કે પછી નિવૃત્ત થાય ત્યારે મળે છે. સંસદમાં બિલ પસાર થવાથી હવે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને ૨૦ લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટી મળી શકશે.