Advertisement

(જી.એન.એસ) અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં દેશના ૧૦ કરોડ પરિવારો અને ૫૦ કરોડ ગરીબ નાગરિકોને આવરી લેતા આરોગ્ય વીમાની યોજના પાછળ સરકારે વરસે દહાડે રૂ. ૧૧૦૦૦ કરોડનો ખર્ચ કરવો પડે તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં આ યોજના માટે બજેટમાં રૂ. ૨૦૦૦ કરોડ જ ફાળવવામાં આવેલા છે. ગંભીર માંદગીની સારવાર માટે તેમને પાંચ લાખ રૂપિયાના મૂલ્યનો વીમો આપવામાં આવશે. વીમા યોજના માટેના આ નાણાંમાં ૭૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો, ૩૦ ટકા રાજ્ય સરકારનો હશે.

આ અંગેના પ્રોગ્રામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે આ માટે વધુ રૂ. ૯૦૦૦ કરોડની જરૂર પડવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. અત્યારે ઘણી રાજ્ય સરકારે આરોગ્ય વીમાની સુવિધા તો આપે જ છે, પરંતુ આ સુવિધા પૂરી પાડતી યોજનાઓનો અમલ અત્યંત કંગાળ રીતે કરવામાં આવી રહ્યો છે. આગામી વર્ષ લોકસભાની ચૂંટણીનું હોવાથી ભાજપ સરકારને આ બજેટમાં મનેકમને આ નિર્ણય લેવાની ફરજ પડી રહી હોવાનું નિષ્ણાતો કહે છે. ખાસ કરીને ગામડાંઓમાં અને અંતરિયાળ વિસ્તારના ગરીબોને આકર્ષવા માટે આ પગલું લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારના અને શહેરના ગરીબો આરોગ્ય ખર્ચને કારણે તૂટી જતાં હોવાનું જોવા મળે છે. આ યોજના હેઠળ ભરવાપાત્ર વીમાની રકમ અંદાજે રૂ. ૧૧૦૦૦ કરોડની હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તેના કુલ પ્રીમિયમમાંથી ૭૦ ટકા રકમનો બોજ કેન્દ્ર સરકાર વેંઢારવામાં આવી રહી છે. બાકીના ૩૦ ટકા પ્રીમિયમ ખર્ચનો બોજ રાજ્ય સરકારોએ વેંઢારવાનો રહેશે. તેને કારણે ભારતની જાહેર આરોગ્ય સેવામાં પણ સુધારો લાવવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. તેથી જ આરોગ્ય સેવાઓમાં સુધારો આવે તે હેતુથી આ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. સરકારી વીમા કંપનીઓ આ યોજનાને આગળ ધપાવવા તૈયાર પણ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ તેની વિગતોની ગણતરી કરવામાં અત્યારે વ્યસ્ત થઈ ગયા છે, પરંતુ આગામી થોડા મહિનાઓ પછી સમગ્ર યોજનાની વિગતો સાથે જાહેરાત કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી આ મુદ્દે વધુ વિલંબ કરવો કેન્દ્રની વર્તમાન સરકારને પરવડે તેવી જ સ્થિતિ ન હોવાનું જાણકારોનું કહેવું છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here