Advertisement

સંજય લીલા ભણશાળીની ‘પદ્માવત’ ફિલ્મને આખરે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી. સેન્સર બોર્ડે તો ‘પદ્માવત’ને પહેલાં જ મંજૂરી આપી દીધેલી પણ રાજપૂત સમાજ વંકાયેલો છે તેમાં કોકડું ગૂંચવાઈ ગયેલું. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે આશા હતી કે સુપ્રીમ કોર્ટ ફરમાન કરશે એટલે બધું ટાઢું પડી જશે. તેનું કારણ એ કે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે ને કાયદાના અમલના મામલે સુપ્રીમ કોર્ટ કહે પછી બધાંએ તેની વાતને આદર આપવો એવો વણલખ્યો શિરસ્તો છે.

આ શિરસ્તો અત્યાર લગી પળાતો રહ્યો છે પણ રાજપૂતોનો ‘પદ્માવત’ ફિલ્મ સામેનો વાંધો એટલો પ્રબળ છે કે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશની ઐસીતૈસી કરીને એલાન કરી દીધું છે કે, સુપ્રીમ કોર્ટ કહે કે બીજું કોઈ કહે, ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાય એટલે નહીં થવા દેવાય. જે ભડાકા કરી લેવા હોય એ કરી લે પણ ‘પદ્માવત’ નહીં બતાવવા દેવાય એટલે નહીં જ બતાવવા દેવાય. આ એલાનના કારણે સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી પછીય કકળાટ પત્યો નથી. બલ્કે નવેસરથી કકળાટ શરૂ થયો છે ને ‘પદ્માવત’ સામે તલવાર તાણીને મેદાનમાં પડેલા રાજપૂતોનાં સંગઠનો એકદમ આકરા
પાણીએ આવી ગયાં છે.

‘પદ્માવત’ ફિલ્મ સામે રાજપૂતોનાં ઢગલો સંગઠનો વિરોધમાં છે પણ તેમની આગેવાની કરણી સેનાએ લીધી છે. ‘પદ્માવત’ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે ને કરણી સેનાએ એ દિવસે દેશભરમાં બંધ રાખવાનું એલાન પણ કરી નાંખ્યું છે. બીજાં સંગઠનોના તેવર પણ એવા જ છે ને આ સંગઠનો આર યા પારના મૂડમાં આવી ગયાં છે. હાકલા-પડકારા થઈ રહ્યા છે ને ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ કરનારાં થિયેટરોને સળગાવી દેવાની ધમકીઓ પણ અપાઈ ગઈ છે. ‘પદ્માવત ચલેગા તો દેશ જલેગા’ એવા મેસેજ પણ ખુલ્લેઆમ અપાઈ રહ્યા છે ને કેટલાક અતિ ઉત્સાહી જીવડા તો ‘પદ્માવત’ ફિલ્મની રિલીઝ રોકવા માટે ફાંસીએ ચડી જવા ને શહાદત માટે પણ તૈયાર હોવાના ધખારા પણ બતાવી રહ્યા છે.

ભારતમાં ફિલ્મો સામેનો વિરોધ નવો નથી ને ભૂતકાળમાં ઘણી ફિલ્મો સામે કકળાટ થયો છે. ભૂતકાળમાં ઘણી વાર ફિલ્મની રિલીઝને રોકવા માટે છિયેટરમાં તોડફોડ કરાઈ હોય કે પછી મારઝૂડ થઈ હોય એવું બન્યું છે. આમીર ખાનની ‘ફના’ તો ગુજરાતમાં રીલીઝ જ નહોતી થઈ શકી. બીજાં પણ આવાં ઢગલો ઉદાહરણ છે તેથી ફિલ્મો સામેનો કકળાટ નવો નથી પણ ‘પદ્માવત’ સામે થયો એવો કકળાટ કોઈની સામે થયો નથી તેમાં મીનમેખ નથી. અત્યારે જે સ્થિતી સર્જાઈ છે તેવી સ્થિતિ આ પહેલાં કોઈ ફિલ્મના કારણે નથી સર્જાઈ એ પણ કબૂલવું પડે.

આ સ્થિતિ ખરેખર દુઃખદ કહેવાય ને આ સ્થિતિ સર્જાઈ તેને માટે ખરેખર તો આપણા રાજકારણીઓ જવાબદાર છે. ‘પદ્માવત’નું નામ ‘પદ્માવતી’ હતું ત્યારથી જ રાજપૂત સંગઠનો તેની સામે પડેલાં ને ખરેખર તો એ વખતે જ સત્તાધીશોએ મક્કમ વલણ લેવાની જરૂર હતી. આપણે ત્યાં કોઈ પણ ફિલ્મને રિલીઝ કરવા દેવી કે નહીં એ નક્કી કરવા માટે સેન્સર બોર્ડ છે. સેન્સર બોર્ડમાં સરકારે નીમેલા શાણા માણસો બેઠા હોય છે ને એ લોકો સાગમટે બેસીને કોઈ પણ ફિલ્મને સર્ટિફિકેટ આપવું કે નહીં એ નક્કી કરતા હોય છે. આ એક સરકારે બનાવેલી કાનૂની વ્યવસ્થા છે ને એ વ્યવસ્થાને સરકારે માન આપવાનું હોય.

કમનસીબે આપણે ત્યાં બધા નિર્ણયો મતબૅન્કને ધ્યાનમાં રાખીને લેવાતા હોય છે તેમાં મોકાણ મંડાઈ. ભાજપને રાજપૂતોની મતબૅન્કની ચિંતા હતી તેથી તેણે આ કકળાટને હવા જ ના આપી પણ ‘પદ્માવત’નો વિરોધ કરનારાંના પગમાં જ આળોટી ગયો. ઘણે ઠેકાણે તો ભાજપના આગેવાનો જ વિરોધ કરવામાં સૌથી આગળ હતા ને તેમણે ભારતીય સંસ્કૃતિના નામે ઠોકાઠોક ચલાવીને આ વિરોધને વધારે ઉગ્ર બનાવ્યો.

‘પદ્માવત’નો કકળાટ શરૂ થયો એ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ધમાધમી ચાલતી હતી ને એ વખતે ભાજપ સિદ્ધાંતોની ને નિયમોના પાલનની વાત કરવા જાય તો વંકાયેલા ક્ષત્રિયો બેન્ડ બજાવી દે તેના કારણે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહીં કરવા દેવાય એવું એલાન કરી દેવાયું. ભાજપ શાસિત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ને રાજસ્થાનમાં આ વરસના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે ને ભાજપ માટે કપરાં ચઢાણ છે તેથી ત્યાં પણ ભાજપ રાજપૂતોને નારાજ કરવા નહોતું માંગતો તેથી આ રાજ્યોમાં પણ ‘પદ્માવત’ રીલીઝ નહીં કરવા દેવાય એવું એલાન કરી દેવાયું.

ભાજપ શાસિત ચાર રાજ્યો ‘પદ્માવત’ રીલીઝ નહીં થવા દેવાય એવું વલણ લે ને ભાજપ શાસિત બીજાં રાજ્યો જુદું વાજું વગાડે તો પણ ભાજપ અળખામણો સાબિત થાય એટલે પછી હઈસો હઈસો ચાલ્યું ને ભાજપ શાસિત બધાં રાજ્યોએ ‘પદ્માવત’ રીલીઝ નહીં કરવા દેવાય એવું જાહેર કરી દીધું. એ પછી તો સંજય લીલા ભણશાળીએ રાજપૂતોને રાજી કરવા નામ બદલીને ‘પદ્માવત’ કરી નાંખ્યું ને ફિલ્મમાં ફેરફારો પણ કરી નાંખ્યા પણ રાજપૂતો ઉકળેલા જ છે તેથી ભાજપ શાસિત રાજ્યોએ ઝાલેલું પૂંછડું છોડ્યું નહીં. આ રાજ્યોએ શરૂઆતમાં જ આકરું વલણ લીધું હોત ને સેન્સર બોર્ડ કહેશે એમ થશે તેવી સીધી ને સટ વાત કરી નાંખી હોત તો આ મોકાણ ના થઈ હોય. એ વખતે ચૂંટણીના કારણે ભાજપે હવા આપી તો ભલે આપી પણ સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી આપી એ પછી પણ તેમણે નિયમોના પાલનની વાત કરી હોત તો વાંધો નહોતો પણ તેના બદલે તેમણે પ્રતિબંધ ઠોકી દીધા. એ લોકોએ બીજા કોઈની પાસેથી નહીં પણ ભાજપના જ યોગી આદિત્યનાથ પાસેથી પ્રેરણા લીધી હોત તો પણ આ હાલત ના થઈ હોત. યોગી પણ પહેલાં ‘પદ્માવત’ રિલીઝ કરવા નહીં દેવાય એ જ ભાષા બોલતા હતા પણ જેવું ભણશાળીએ ફિલ્મનું નામ બદલી નાંખ્યું ને પાંચેક મોટા ફેરફારો કરી નાંખ્યા કે તરત યોગીએ એ સ્વીકારી લીધું. યોગીએ સામેથી જાહેર કરી દીધું કે, હવે ફિલ્મ બતાવવામાં કશો વાંધો છે જ નહીં.

કમનસીબી એ કહેવાય કે, કટ્ટરવાદી લાગતા યોગી આદિત્યનાથને જે વાત સમજાઈ એ વાત ભાજપ શાસિત રાજ્યોના સુધરેલા ગણાતા મુખ્યમંત્રીઓને ના સમજાઈ. એ લોકો ‘પદ્માવત’ના વિરોધનું પૂંછડું ઝાલીને બેઠેલા લોકોની કુર્નિશ બજાવતા રહ્યા ને તેમની સામે મુજરા કરતા રહ્યા છે. આ લોકોએ એ પણ ના વિચાર્યું કે, ‘પદ્માવત’ ફિલ્મના નિર્માતા સુપ્રીમમાં જશે ને ત્યાં આપણી ઈજ્જતનો ફાલુદો થઈ જશે. રાજ્ય સરકારોને કોઈ પણ ફિલ્મ પર પ્રતિબંધની સત્તા જ નથી એ જોતાં સુપ્રીમ કોર્ટમાં આ પ્રતિબંધ બે મિનિટમાં ઊડી જશે એટલો વિચાર પણ એ લોકોએ ના કર્યો. તેના કારણે એ લોકો હાસ્યાસ્પદ તો ઠર્યા જ પણ સાથે સાથે ભેરવાઈ પણ ગયા. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, કોઈ પણ ફિલ્મ સુખરૂપ રીલીઝ થાય એ જોવાની જવાબદારી રાજ્ય સરકારોની છે તેના કારણે હવે તેમણે જખ મારીને ફિલ્મ રિલીઝ તો કરવા દેવી જ પડશે પણ સાથે સાથે નાકલીટી તાણીને તેને સુરક્ષા પણ આપવી પડશે.

આ રાજ્ય સરકારો લબાડી કરીને કકળાટ કરનારાંને છૂટો દોર આપીને ‘પદ્માવત’ની બેન્ડ બજવા દે એ અલગ વાત છે પણ સૈદ્ધાંતિક રીતે સુપ્રીમ કોર્ટે આ રાજ્યોને તેમની હૈસિયત બતાવી દીધી છે. હસવું તો એ જોઈને આવે કે, સુપ્રીમ કોર્ટે તેમને કોડીના કરી નાંખ્યા એ પછીય આ અક્કલના મઠ્ઠાઓ એવી રેકર્ડ વગાડે છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને શું કરવું એ નક્કી કરીશું. ભલા માણસ, આમાં અભ્યાસ કરવા જેવું કશું છે જ નહીં. તમારે ભણશાળીને ભઈબાપા કરીને ખભે ઊંચકવાના છે ને તેની ફિલ્મને રિલીઝ થવા દેવાની છે. સુપ્રીમ કોર્ટે તમને તમારી ઔકાત શું છે તેનો અહેસાસ કરાવી દીધો છે.

જોકે જે લોકો હજુય સમજ્યા નથી તેમની પાસે હજુય સમય છે. ‘પદ્માવત’ રિલીઝ થવા આડે હજુ એક અઠવાડિયું બાકી છે ને આ અઠવાડિયામાં ઘણું કરી શકાય. ભારત લોકશાહી દેશ છે ને લોકશાહી દેશમાં બધાંને વિરોધ કરવાનો અધિકાર છે. જેમને ‘પદ્માવત’ સામે વાંધો છે એ લોકો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી પણ એ વિરોધ ‘પદ્માવત ચલેગા તો દેશ જલેગા’ ટાઈપનો ના થાય તેનો જડબેસલાક બંદોબસ્ત તેમણે કરવો જોઈએ. અત્યાર લગી જે કંઈ કર્યું તેનું તેમણે પ્રાયશ્રિ્‌ચત કરવું જોઈએ ને આ દેશમાં સાચી લોકશાહી ચાલે છે, ઠોકશાહી નહીં એ સાબિત કરવું જોઈએ.(જી.એન.એસ)

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here