Advertisement

સરકાર રોજગારી પૂરી નથી પાડી શકતી અને વિકાસનું ગાડું ઘોંચમાં પડ્યું છે!

એક તરફ રાજસ્થાનની બે લોકસભાની બેઠકો અને એક વિધાનસભાની બેઠક પર ભાજપને પરાશ્ત કરી કૉંગ્રેસના નેતાઓમાં જોમ પૂરું પાડવાનું મતદાતાઓએ પગલું ભર્યું છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારના ૨૦૧૮-૧૯ના વર્ષ માટેનાં બજેટના કારણે દેશમાં રાજકીય માહોલ બદલાતો જોવા મળે છે. રાજસ્થાન રાજ્ય એકમના વડા સચિન પાઇલટે જે પોતાની ભાષામાં સૌમ્યતા દર્શાવી છે, એ અન્ય રાજકીય પક્ષના નેતાઓએ અપનાવવા જેવી છે. રાજસ્થાનની ત્રણ બેઠકો પર મેળવેલા વિજય પછી પાઇલટના શબ્દો એવા રહ્યા છે કે,”એવું નથી કે વસુંધરા રાજેની સરકારને અવગણતું એ પરિણામ નથી પરંતુ કેટલીય બાબતો પર કૉંગ્રેસે દાખવેલા વલણ અને નીતિઓને લોકોએ મંજૂરીની મહોર મારી છે.

હા, તેનો મતલબ એવો પણ થયો કે, લોકો પર એવી ધાક, એવી છાપ હતી કે, ભાજપ એટલે ચૂંટણીઓ જીતવાનું મશીન છે, એ અસર અને એ છાપ લોકોના દિલમાંથી ભૂંસાવા લાગી છે! જો કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મક્કમ મનોબળથી હવેની ચૂંટણીઓમાં સારા પ્રચારક, સારા વિસ્તારક અને બુથ જાળવનારા બની રહેશે તો, ભાજપને હરાવવાનું મુશ્કેલ નથી બની રહેવાનું તેવું કૉંગ્રેસના નેતાઓ પોતાના કાર્યકરોને સમજાવી રહ્યા છે. પાઇલટે એક, બીજી પણ વાત સુંદર શબ્દોમાં કહી, રાજસ્થાનની પેટા ચૂંટણીઓનાં પરિણામ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં છે, તેવું હું નથી માનતો પણ આ ચુકાદો ભાજપની વિરુદ્ધમાં છે, અને હવે પછી આવી રહેલી ચૂંટણીઓમાં એ ચાલુ રહેશે. જીએસટી, નૉટબંધીની નીતિ અને પ્રત્યેક ભારતીયના ખાતામાં રૂ. ૧૫ લાખ જમા કરાવવાની બોગસ વાતોની અસર લોકોના દિલ પર પડી છે.

રાહુલ ગાંધી એક નિવેદન કરે એટલે ભાજપના ૧૫ જેટલા પ્રધાનો તૂટી પડે છે, એના પરથી પણ હવે લોકોને લાગવા માંડ્યું છે કે, આ તો અભિમન્યુને ઘેરી લેવાની કૌરવસેનાની ચાલ જેવું છે! બજેટથી ભાજપને એમ છે કે, શહેરી વિસ્તારો તો તેના ખિસ્સામાં છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોને આ બજેટમાં કરેલી જોગવાઇઓ ભાજપ તરફ ખેંચી લાવશે. પણ કયો ખેડૂત બમણી આવક માટે ૨૦૨૨ના વર્ષની રાહ જોઇ શકે તેમ છે ? ભાજપ તો એમ જ માને છે કે, કેન્દ્રીય બજેટમાં જે કલ્યાણ યોજનાઓ જાહેર કરી છે, તેનાથી ચૂંટણીની વૈતરણી પાર કરી શકાશે. ચંદીગઢમાં કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ રવિવારે સરકારની વાતોને પડકારતાં પૂછ્યું છે કે, આરોગ્ય યોજના જાહેર કરી છે પણ તેની રૂપરેખા ક્યાં ? સરકાર રોજગારી પૂરી નથી પાડી શકતી અને વિકાસનું ગાડું ઘોંચમાં પડ્યું છે ! ત્યાં આ નવાં ગતકડાં ?જોવા જઇએ તો, અત્યારે કૃષિક્ષેત્રની હાલત બદતર છે.

મોદી વડા પ્રધાન બન્યા ત્યારે કૃષિક્ષેત્રનો વિકાસદર ૪.૫ ટકા હતો જે તેમના સાડાત્રણ વર્ષના શાસન પછી માત્ર બે ટકા જેટલો જ રહ્યો છે. જ્યાં કૃષિ વિકાસનું સ્તર આટલું નીચે હોય ત્યાં આવક બમણી કરવાનું કઇ રીતે શક્ય બની શકે ? કૉંગ્રેસ તો કહે છે કે, વાતોમાં ભરમાઇ ગયેલી પ્રજા હવે વધારે આવડા ગણતરી વગરના બળાપામાં વિશ્ર્‌વાસ નહીં મૂકે ! જોકે સામ્યવાદી પક્ષ દ્વારા શાસિત ત્રિપૂરા રાજ્યમાં ૧૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારબાદ કર્ણાટકમાં ચૂંટણી થશે. રાજસ્થાનમાં પણ આઠ મહિના પછી ચૂંટણીઓ આવે છે, અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીઓ ખરીજ! ખેડૂતોને જાહેર કરેલા ટેકાના ભાવનો વધારો અને નોકરિયાતોની નારાજગીની અસર અચૂક જોવા મળશે.(જી.એન.એસ)

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here