રાજકારણ અને હસવા સાથે સ્ત્રીને દરેક વખતે આરોપી બનાવવામાં આવે છે.

0
172
A woman is accused every time with politics and laugh
Advertisement
Loading...

ગયા અઠવાડિયે રાજ્યસભામાં રેણુકા ચૌધરીના હાસ્ય પર રામાયણ, મહાભારતની ચર્ચાઓ થઈ રહી છે. એ સમયની ક્લિપ મેં પણ જોઈ. જો તમે પણ જોઈ હોય તો જણાશે કે માનનીય વડા પ્રધાન મોદી પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે બધા જ મિનિસ્ટરો બેન્ચ પર હાથ મારીને હાસ્યની છોળો વેરી રહ્યા હતા. રેણુકા ચૌધરીનો અવાજ આમ પણ થોડો ઊંચો અને ભારે છે. તેમનું હાસ્ય જરા વધુ જોરથી સંભળાયું. બીજા હાસ્યમાં અને આ હાસ્યમાં ફરક એટલો હતો કે તે સ્ત્રીનું હાસ્ય હતું. માનનીય વડા પ્રધાન તે સમયે આધાર કાર્ડના બીજ ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયીના સમયે વવાયા હોવાનું કહી રહ્યા હતા. હજીએ પહેલાંના વાક્યોથી અન્ય સભાસદોના હાસ્યના પડઘા શમ્યા નહોતા. એ બધા હાસ્યની વચ્ચેથી રેણુકા ચૌધરીનું હાસ્ય સભાપતિ વેંકૈયા નાયડુને અને મોદીજીને વાગ્યું.

ચલો માનીએ કે રેણુકાજીએ આ રીતે રાજ્યસભમાં ન હસવું જોઈએ, પણ અન્ય સભાસદો કે જેમાં અમિત શાહ પણ શામેલ હતા તેઓ પણ મોદીજીના વાક્યો પર ખડખડાટ હસી રહ્યા હતા. તે સમયે રાજ્યસભાનો માહોલ તો ટેકનોલોજીને પરિણામે કચકડે મઢાઈ ગયો છે અને સાબિત થઈ શકે છે કે જાતીય ભેદભાવ આપણી સંસદના મૂળમાંથી હજી ઊખડ્યો નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમની ટીમે બંધારણમાં સમાનતાને મૂળભૂત અધિકારોના સ્વરૂપે મૂક્યા છે. તે છતાં સ્ત્રીઓ સંસદમાં બહુ જ ઓછી ટકાવારીમાં પ્રવેશ મેળવી શકે છે તેનું કારણ છે જાતીય ભેદભાવ આપણા સમાજમાં હજીપણ પ્રસેરેલો જ છે. સભાપતિએ રેણુકા ચૌધરીને હસવા માટે ચેતવણી આપી. જ્યારે મોદીજીએ નમ્રતા દાખવતાં સભાપતિને કહ્યું કે તમે રેણુકા ચૌધરીને કશું જ ન કહો કારણ કે આવું હાસ્ય રામાયણ સિરિયલ બાદ ઘણા સમયે સાંભળ્યું. વળી અમિત શાહ સહિત દરેક સભાજનો ફરીથી ખડખડાટ હસ્યા. તેમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. આ જે ઈંગિત થયું તે એ કે સ્ત્રીનું હાસ્ય યોગ્ય નહોતું. તેને હસવાનો અધિકાર નહોતો છતાં તે હસી. પુરુષોના હાસ્યને સહજ અને સામાન્ય તરીકે લઈ લેવાયું. રામાયણનો ઉલ્લેખ કરીને હસીને પુરુષોએ ઈંગિત કર્યું કે રેણુકા ચૌધરીએ શૂપર્ણખાંની જેમ કે પછી રાક્ષસીઓની જેમ હાસ્ય કર્યું. રામાયણ જે પુરુષો દ્વારા લખાયું છે તેમાં સીતાજીને ખડખડાટ હસતા ટાંક્યા હોય તેવો ખ્યાલ નથી. આ હું કહી રહી છું કારણ કે રામાયણ સિરિયલ મેં પણ જોઈ છે.

તેમાં ફક્ત રાક્ષસીઓ અને શૂપર્ણખાને જ હસતા દર્શાવી છે. હાસ્યને અને સ્ત્રીને સંબંધ છે તે મને નાની હતી ત્યારે જ સમજાયું હતું. માફ કરશો અહીં અંગત વાત કહું છું પણ એક સ્ત્રી તરીકે મારો અનુભવ છે એટલે અહીં ટાંકું છું. મારો ઉછેર મુંબઈમાં. મારા પિતાએ ક્યારેય મને ખડખડાટ હસતા રોકી નહોતી. હું ચૌદેક વરસની હોઈશ અને વેકેશનમાં ગુજરાત જવાનું બન્યું. મને માસિક આવવાની શરૂઆત થઈ ત્યારબાદ પહેલીવાર હું અમદાવાદ મારા સંબંધીઓને ત્યાં પ્રસંગ માટે જઈ રહી હતી. મને હજી એ પ્રસંગ યાદ છે કારણ કે કુટુંબમાં બધા ભેગા થયા હતા અને હું મારા કાકાઓની વચ્ચે ખડખડાટ હસી. મને અંદર બોલાવવામાં આવી અને કુટુંબના એક વડિલ બહેને મને ધમકાવીને કહ્યું કે છોકરીની જાત થઈને ખડખડાટ હસાય નહીં. તેમાં પણ પુરુષોની વચ્ચે તો ન જ હસાય. મને સમજાયું નહીં કે શા માટે છોકરીઓથી હસાય નહીં એટલે સામો પ્રશ્ર્‌ન કર્યો કે બધા જ હસતા હતા એટલે હું પણ હસી. તો છોકરી તરીકે કેમ મારાથી ન હસાય? એ મારા વડિલબહેનનો ગુસ્સો વધ્યો. છોકરીની જાતને વળી હાહાહીહી કરવાનું કેવું. તેમાં ય પુરુષોની વચ્ચે તો હવે બેસવાનું બંધ કરવાનું. છોકરીઓએ મર્યાદા જાળવવાની. રસોડામાં જ કામ શીખવાનું હોય. બહુ બહાર જઈને હસવા કરવાથી લગ્ન નહીં થાય વગેરે વગેરે.

તે સમયે હું તેમની સામે કશું જ બોલી ન શકી. પરંતુ ત્યારબાદ એ ઘરમાં બહુ રહેતી નહીં. બહાર ફરવા જઈએ સરખે સરખા પરિવારજનો સાથે ત્યારે છૂટથી હસતી. પછી તો નોંધ્યું કે ત્યાંના મારા પરિવારની કોઈ સ્ત્રીને મેં ખડખડાટ હસતાં જોઈ નહોતી. હા લગ્નોમાં ફટાણાં ગાતી વખતે મોઢું ઢાંકીને હસી લેતી જોઈ છે. આ વાત છે પાંત્રીસેક વરસ પહેલાંની. હવે તો સમય અને સંજોગો બદલાયા છે. મુક્ત હાસ્ય સ્ત્રીઓનું જોવા મળે છે. કહે છે કે દ્રૌપદીના હસવા માત્રથી મહાભારત રચાયું. સ્ત્રીના હાસ્યમાં આટલી શક્તિ હોય તો દુનિયા બદલાઈ જવી જોઈએ. પુરુષોની હિંસા કે અટ્ટહાસ્યો કેમ કોઈને દેખાતા નથી કે તેના વિશે આરોપો મુકાતા નથી. રામાયણમાં પણ મંથરાનું કૈકેયીને પોતાની માગણીઓ અને અધિકારો માટે ઉકસાવ્યા બાદનું હાસ્ય. શૂપર્ણખાનું લક્ષ્મણ પ્રત્યેનું હાસ્ય. આ બધા હાસ્ય કોણે જોયા અને કોણે લખ્યા તે સવાલો કેટલાક સ્કોલર કરે છે. આપણા ધાર્મિક ગ્રંથો પુરુષો દ્વારા લખાયા છે એટલે તેમની દૃષ્ટિ અને વિચાર જુદા હોઈ શકે તેવી શક્યતાઓ નારીવાદિ અભ્યાસીઓ તપાસી રહ્યા છે. પિતૃસત્તાક માનસિકતાના મૂળ આપણા ધર્મગ્રંથોમાં છે. એટલે જ મોદીજીએ રામાયણનું ઉદાહરણ ટાંક્યું. એટલે જ ફક્ત રેણુકાજીનું જ હાસ્ય સંભળાયું અને કઠ્યું.

બંધનો સ્ત્રી માટે સદીઓથી ચાલી આવ્યા છે. સ્ત્રી હોવા માત્રથી તેનાથી કેટલાક કામ ન થાય એવી ખોટી માન્યતાઓથી પર થવાની જરૂર છે. રેણુકા ચૌધરીએ આટલા જોરથી ન હસવું જોઈએ તેમાં યે વડા પ્રધાન વક્તવ્ય આપતા હોય તે માન્યું, પણ માનનીય વડા પ્રધાને રામાયણનો ઉલ્લેખ કરવાની જરૂર હતી ખરી? એવો સવાલ કેમ અન્ય પુરુષ સભાસદોએ ન ઉઠાવ્યો? કેમ અન્ય પુરુષો સભામાં હસી રહ્યા હતા? માનનીય વડા પ્રધાને સ્ત્રી પર કટાક્ષ કર્યો તે સમયે કેમ અન્ય પુરુષોએ ખડખડાટ હસવાની ચેષ્ટા કરી તેની સામે કોઈ ટીકાઓ ન થઈ. કેટલાક રેણુકાજીના સમર્થકો સિવાય આવા સવાલો ઉઠાવવાની કે કરવાની અન્ય સ્ત્રી સભાસદોને કે પુરુષ સભાસદોને જરૂર ન જણાઈ. રાજ્યસભાની આમાન્યા સ્ત્રીએ જ જાળવવાની હોય એવો સંદેશ એ જ સંસદમાંથી લોકોમાં જઈ રહ્યો છે જ્યાંથી સમાનતાના અધિકાર આપતું બંધારણ ઘડાયું.

હસવાનો કોઈને વાંધો ન હોવો જોઈએ. રાજકારણ આમ પણ હાસ્યાસ્પદ બની રહ્યું છે. નવાઈ ત્યારે લાગે કે સરાજકારણ અને હસવા સાથે સ્ત્રીને દરેક વખતે આરોપી બનાવવામાં આવે છે. દ્રૌપદીના હાસ્યને દાઢમાં રાખીને દુર્યોધન ભરી સભામાં દ્રૌપદીને ઘસડીને લાવવાનો આદેશ આપ્યો તે સમયે માંધાતા પુરુષો પણ નતમસ્તકે બેસી રહ્યા. આ લેખ બાબતે પણ કેટલાક પુરુષો કહેશે કે અહીં સ્ત્રી પુરુષના ભેદની વાત શું કામ ઘસડી લાવો છો. જાતીય ભેદભાવની વાત કરીને શું કામ ચોળીને ચીકણું કરો છો.

પણ પિતૃસત્તાક સમાજ સ્ત્રીના હાસ્યને જ ફક્ત ગુનેગારના પાંજરામાં રાખીને ગમે તે કહે કે વર્તે તો ચાલે. વડા પ્રધાન સ્ત્રીના હાસ્યને દાઢમાં રાખીને ગમે તે બોલે તે ચાલી શકે…. આ રાજકારણ પિતૃસત્તાક માનસિકતાનો જ પડઘો છે તે સાબિત કરે છે. શાહમૃગની જેમ રેતીમાં માથું ખોસી દેવાથી હકીકત બદલાશે નહીં જ.(GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here