મોદીને ‘નીચ’ કહેનાર રાષ્ટ્રદ્રોહી અને “રમ’માં રામ અને ‘વ્હીસ્કી’માં વિષ્ણુ કહેનાર રાષ્ટ્રવાદી…!!

0
205
Advertisement
Loading...

ભાજપમાં સમાજવાદી પાર્ટીના વિવાદાસ્પદ નેતા નરેશ અગ્રવાલને ભાજપાએ હારતોરા કરીને પ્રવેશ આપતા પક્ષના સંનિષ્ઠ કાર્યકરોમાં તેના ઘેરા પ્રત્યઘાતો પડ્યા હોવાનું મનાઈ રહ્યું છે. કેમ કે આ એ જ નરેશ અગ્રવાલ છે કે જેમણે હિન્દુધર્મના દેવી દેવતાઓનું ઘોર અપમાન કરીને વ્હિસ્કીમેં વિષ્ણુ ઓર રમ મેં રામ કહીને હાંસી ઉડાવી હતી. એટલું જ નહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિને લઇને તેમના માટે તૈલી શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેમ છતાં તેમને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો તેથી એવી કાનાફૂસી થઈ રહી છે કે આખરે પક્ષને એવી તે શું જરૂર પડી કે પક્ષ જે ધર્મ માટે જાણીતું છે તે હિન્દુ ધર્મના દેવી દેવતાઓના અપમાન કરનારને પક્ષમાં સન્માનભેર લેવામાં આવ્યા?

દિલ્હીની રાજકીય ગતિવિધિ પર નજર રાખનાર સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસના અગ્રણી મણીશંકર ઐયરે વડાપ્રધાન માટે નિચ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભાજપે તેમને પાકિસ્તાનીઓ સાથે મળીને વડાપ્રધાન અને દેશવિરૂદ્ધ ષડયંત્ર રચનારા ગણાવ્યા હતા. જ્યારે નરેશ અગ્રવાલે હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવા છતાં તેમને ગળે લગાડવામાં આવ્યા છે. ભાજપના કેટલાક સંનિષ્ઠ કાર્યકરોમાં એવી કાનાફૂસી છે કે વ્યક્તિગત અપમાન મોટું કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન મોટું ગણાય? જેમણે પક્ષના સર્વેસર્વાને નીચ ગણાવ્યા તેમને છોડી દેવામાં આવ્યા જ્યારે જેમણે હિન્દુ ધર્મના માનબિંદુ સમાન દેવી દેવતાઓનું અપમાન કર્યું તેમને પ્રવેશ આપવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે યુપીમાં નરેશ અગ્રવાલની છાપ પક્ષપલટું સમાનની છે. તેઓ આ પહેલા સમાજવાદી પાર્ટી તે અગાઉ બસપા, કોંગ્રેસ વગેરે પક્ષોમાં હરીફરીને અને વિવાદ જગાવીને હવે ભાજપમાં આવ્યા છે. ભાજપમાંથી તેઓ ફરીથી બીજા પક્ષમાં નહીં જાય તેની કોઈ ખાતરી નથી કેમ કે આ પ્રકારના નેતાઓ તકવાદી અને સત્તાલક્ષી હોય છે. જેમને પાકિસ્તાની કહેવામાં આવ્યા તે ઐયર કરતાં નરેશ અગ્રવાલે ઘોર અપમાન કર્યું તેમ છતાં શા માટે તેમને પક્ષમાં લેવામાં આવ્યા તેના કોઈ રાજકીય સમીકરણો કાર્યકરોને હજુ સમજાયા નથી. શું નરેશ અગ્રવાલના આવવાથી ભાજપને ફરી સત્તા મળશે? જો નરેશ અગ્રવાલ એટલા જ મહત્વના છે તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કામગીરી નબળી પડી રહી છે? આવા અનેક પ્રશ્નો દિલ્હીના રાજકારણમાં અને ભાજપમાં ગણગણાટરૂપે સંભળાઈ રહ્યાં છે.

સૂત્રોએ કહ્યું કે એક તરફ તો પક્ષના નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપે છે બીજી તરફ કોંગ્રેસી નારાણય રાણે અને નરેશ અગ્રવાલને પક્ષમાં પ્રવેશ આપે છે. ગુજરાતમાં પણ ભાજપે કોંગ્રેસના 14 ધારાસભ્યોને પ્રવેશ આપ્યો હતો. આમ જો આ જ રીતે કોંગ્રેસકલ્ચરવાળાને પક્ષમાં સ્થાન મળ્યા કરશે તો ભાજપનું કોંગ્રેસીકરણ થવામાં કાંઈ બાકી નહીં રહે એવો ભય પણ વ્યક્ત થઈ રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here