જેડે હત્યાકાંડ : ડોન છોટા રાજન સહિત ૯ને જનમટીપ

0
102
Advertisement
Loading...

મુંબઈ, તા. ૨

વરિષ્ઠ પત્રકાર જ્યોર્તિમય ડે ઉર્ફ જેડે હત્યા કેસમાં સ્પેશિયલ મકોકા કોર્ટે બુધવારે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત ૯ને દોષિત ઠેરવી તેમને જનમટીપની સજા ફટકારી હતી. છોટા રાજને જ જેડેની હત્યા કરાવવા કાવતરું રચ્યું હોવાનું સિદ્ધ થતાં તેને અન્ય ૮ આરોપીઓ સાથે દોષિત ઠેરવાયો હતો. આ કેસમાં કુલ ૧૩ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એક આરોપી વિનોદ અસરાની ઉર્ફે વિનોદ ચેમ્બૂરનું જેલમાં બીમારીને કારણે મૃત્યુ થયું હતું જ્યારે એક આરોપી નારાયણ બિશ્ટ હજી ફરાર છે. પત્રકાર જિજ્ઞા વોરા અને જોસેફ પોલ્સનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતાં.

મકોકા કાર્ટે છોટા રાજન, શૂટર સતીષ કાલિયા, અનિલ વાઘમારે, નિલેશ ઉર્ફે બબલુ, અભિજિત શિંદે, મંગેશ અગ્રવાલ, અરુણ જનાર્દન, દીપક સિસોદિયા અને સચિન ગાયકવાડને ગુનેગાર ઠેરવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૫માં બાલીથી પકડાયેલા છોટા રાજનને હાલ દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે. સુનાવણી વખતે તેની જુબાની વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લેવાઇ હતી.

કેસની તપાસ મુંબઈ પોલીસે કરી હતી અને ૨૦૧૧માં જ સતીષ કાલિયા સહિતના અન્ય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી જ્યારે ૨૦૧૫માં છોટા રાજનને બાલીથી પ્રત્યાર્પણ સંધિ હેઠળ લાવવામાં આવ્યા બાદ સીબીઆઈએ ૨૦૧૬માં આ કેસમાં તેની સામે એેડિશનલ ચાર્જશીટ ફાઇલ કરી હતી.

આરોપી દીપક સિસોદિયાને બાદ કરતાં અન્ય બધા જ આરોપીઓ પૈકી દરેકને રૂપિયા ૨૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પબ્લિક પ્રોસિક્યૂટરે આરોપીઓને કઠોરમાં કઠોર સજા કરવાની માગ કરી હતી, જોકે તેમણે ફાંસીની સજાની માગ કરી નહોતી.

રાજનની સંડોવણીના મજબૂત પુરાવા : પબ્લિક પ્રોસિક્યૂટર

જેડે હત્યા કેસના પબ્લિક પ્રોસિક્યૂટર પ્રદીપ ઘરતે ‘સંદેશ’ને જણાવ્યું હતું કે છોટા રાજન અને અન્ય આરોપીઓને સાંકળતા અનેક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા, જે કોર્ટે માન્ય રાખ્યા હતા. મુખ્ય પુરાવાઓેમાં છોટા રાજનનું એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન છે, જેમાં તેણે પત્રકારો સાથે ફોન પર વાત કરીને કહ્યું હતું કે જેડેની હત્યા તેણે જ કરાવી હતી અને એ શા માટે કરાવી હતી તેનું કારણ પણ તેણે જણાવ્યું હતું. એ ઉપરાંત પોલીસે છોટા રાજનનો એક વ્યક્તિ સાથેનો ફોન ઇન્ટરસેપ્ટ પણ કર્યો હતો, તેનું જે રેકોર્ડિંગ હતું, તેમાનો અવાજ અને તિહાર જેલમાં બંધ કરાયા બાદ તેનો અવાજ રેકેર્ડ કરી તે બંને અવાજ એક જ હોવાની ચકાસણી નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક લેબમાં કરાઈ હતી. તે બંને અવાજ એક જ વ્યક્તિ(છોટા રાજન)નો હોવાનું પુરવાર થયું હતું. તેના મોબાઇલમાંથી મેસેજ રિટ્રાઇવ કરવામાં આવ્યા હતા અને એ પણ ટેલી કરાયા હતા.

વળી ઘટનાસ્થળેથી મળેલી બુલેટની ખાલી કાર્ટેજો, જેડેના મૃતદેહમાંથી મળેલી બુલેટ અને આરોપીઓ પાસેથી મળેલી રિવોલ્વર એ બધાની ઝીણવટભરી તપાસ કાલિના ફોરેન્સિક લેબમાં કરાઈ હતી અને એ ગોળીઓ એ જ રિવોલ્વરમાંથી ફાયર કરાઈ હતી એ પુરવાર થયું હતું. તેમણે અન્ય સાથીઓને કરેલા કોલની વિગતોએ કડીઓ જોડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

જિજ્ઞા વોરાએ હત્યા માટે રાજનને ઉશ્કેર્યો તે પુરવાર થયું નથી : ઉજ્જ્વલ નિકમ

પત્રકાર જિજ્ઞા વોરા પર જેડેની હત્યા કરવા માટે છોટા રાજનને ઉશ્કેરવાનો આરોપ હતો. સબળ પુરાવા કોર્ટમાં રજૂ ન કરાતા તેને કોર્ટે છોડી મૂકી હોઈ શકે એમ જાણીતા વકીલ ઉજ્જ્વલ નિકમે જણાવ્યું હતું. છોટા રાજન સાથે જિજ્ઞાએ વાત કરી અને જેડેની હત્યા માટે તેને ઉશ્કેર્યો તે પુરવાર થયું નથી. તેમ જ છોટા રાજનની કબુલાત પર કોર્ટ સજા ન કરી શકે કારણ કે તે પુરવાર થવું જરૂરી છે.

 ચિંદી’ નામ રાજનને ચચરી ગયું ગિન્નાયેલા ડોને જેડેનો કાંટો કાઢી નાખ્યો

છોટા રાજનને શંકા હતી કે જેડે તેના દુશ્મન દાઉદ ઇબ્રાહીમ સાથે જોડાઈ ગયો છે. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ચેમ્બૂરના સહકાર સિનેમામાં બ્લેકમાં ટિકિટ વેચી ગુનાખોરીમાં પ્રવેશ્યા બાદ ધીમે ધીમે અંડરવર્લ્ડ ડોન બનેલા છોટા રાજનને જેડે ‘ચિંદી'(નાનો સુનો) ગણતો હતો. વળી જેડે એમ પણ કહેતો હતો કે છોટા રાજનનો દેશભક્ત ડોનનો દાવો ખોટો છે. અંડરવર્લ્ડ પર જેડેએ બે પુસ્તકો લખ્યાં હતાં ‘ઝીરો ડાયલ’ અને ‘ખલ્લાસ’ જેમાં તેણે રાજનને ખરાબ ચીતર્યો હતો અને દાઉદની પ્રશંસા કરી હતી. એ બંને પુસ્તકો પબ્લિશ થઈ ગયાં હતાં. જેડે બીજા બે પુસ્તકો લખી રહ્યો હતો જેમાં એક પુસ્તકનું નામ જ ‘ચિંદી’ હતું જેમાં પણ રાજનને નબળો ચીતરવામા આવ્યો હતો, વળી એ પુસ્તકમાં તેણે છોટા રાજનની ઓઇલ, ડીઝલ અને ચંદનનો સ્મગલિંગનો ભાંડો ફોડી નાખ્યો હતો. એક નાનોએવો ટપોરી કઈ રીતે રૂપિયાની છોળો ઉડાડતો થયો તેનું તેણે વર્ણન કર્યું હતું, એથી ગિન્નાયેલા રાજને તેનો કાંટો કાઢી નાખ્યો હતો.

કઈ રીતે થઈ જેડેની હત્યા?

૫૬ વર્ષના જેડે મોટાભાગે રોજ ઘાટકોપરમાં તેમનાં માતાને મળવા જતા, ઘટનાના દિવસે ૧૧ જૂન ૨૦૧૧ના રોજ પણ તે તેમનાં માતાને મળ્યા બાદ પવઈ તેમનાં ઘરે બાઇક પર જઈ રહ્યા હતા. તે પવઈ તેમનાં ઘરની નજીક પહોંચ્યા ત્યારે પહેલેથી જ બાઇક પર તેમની રાહ જોઈ રહેલા સતીષ કાલિયા અને તેના સાગરીતે તેમની બાઇકનો પીછો કર્યો હતો અને લાગ મળતાં જ સતીષ કાલિયાએ જેડે પર પાંચ ગોળી ફાયર કરી હતી અને તેઓ નાસી ગયા હતા.

મેં તેને સમજાવવાની પણ કોશિશ કરી પણ એ ન માન્યો : રાજન

સીબીઆઈની ચાર્જશીટમાં કહેવાયું છે કે જેડેની હત્યા બાદ રાજને એક પત્રકારને ફોન કરી એ હત્યા પોતે જ કરાવી હોવાની કબુલાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, ‘જેડે મારી વિરુદ્ધ છાપામાં ઘણાબધા આર્કિટકલ લખી રહ્યો હતો. એથી મં ફોન કરી તેને વિંનતી કરીને પૂછયું પણ હતું કે શું તેને મારી સાથે કોઈ અંગત અદાવત છે? તેણે ના કહી પણ એમ છતાં મારી વિરુદ્ધ લખવાનું બંધ ના કર્યું. તેણે તેના લેખમાં એવું જણાવ્યું કે હું બીમાર થઈ ગયો છું અને મારી ગેંગ નબળી પડી ગઈ છે. જેથી મને ગુસ્સો આવ્યો હતો. મને એેવું લાગ્યું કે એ દાઉદની ડી ગેંગ માટે કામ કરી રહ્યો છે. મેં તેને મરાવતાં પહેલાં સમજાવવાની પણ કોશિશ કરી પણ એ ન માન્યો.’

જેડે મર્ડર કેસઃ ટાઇમ લાઇન

૧૧ જૂન ૨૦૧૧ : પવઇના હીરાનંદાની ગાર્ડન્સમાં જેડેની હત્યા. તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ.

૨૭ જૂન ૨૦૧૧: ક્રાઇમ બ્રાન્ચે શૂટર સતીષ કાલિયા સહિત અભિજિત શિંદે, અરુણ ડાકે, સચિન ગાયકવાડ, અનીલ વાઘમોરે, નિલેશ શેંડગે અને મંગેશ અગાવનેની ધરપકડ કરી. પૂછપરછ બાદ વધુ ત્રણ આરોપીઓ વિનોદ અસરાની, દીપક સિસોદિયા અને પોલ્સન જોસેફ પકડાયા.

૦૭ જુલાઈ ૨૦૧૧: મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ(મકોકા)હેઠળ ગુનો નોંધાયો.

૨૫ નવેમ્બર ૨૦૧૧: જેડેની હત્યા કરવા છોટા રાજનને ઉશ્કેરવાના આરોપસર પત્રકાર જિજ્ઞા વોરાની ધરપકડ.

૦૩ ડિસેમ્બર ૨૦૧૧: ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી છોટા રાજન અને નારાયણસિંહ બિશ્ટને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

૦૨ ફેબ્રુઆરી ૨૦૧૨: જિજ્ઞા વોરા સામે એડિશનલ ચાર્જશીટ ફાઇલ કરાઈ.

૨૭ જુલાઈ ૨૦૧૨: જિજ્ઞા વોરાને જામીન મંજૂર કરાયા

૧૦ એપ્રિલ ૨૦૧૫: માંદગી બાદ આરોપી વિનોદ અસરાનીનું મોત.

૦૮ જૂન ૨૦૧૫: ૧૧ આરોપીઓ સામે હત્યા અને મકોકા સહિત આઇપીસીની અન્ય કલમો હેઠળ ચાર્જિસ નક્કી.

૨૫ ઓક્ટોબર ૨૦૧૫: છોટા રાજનને બાલીમાંથી પ્રત્યાપર્ણની સંધિ હેઠળ ડિપોર્ટ કરી ભારત લવાયો. તિહાર જેલમાં.

૦૫ જાન્યુઆરી ૨૦૧૬: કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરાયો.

૦૭ નવેમ્બર ૨૦૧૬: જેડેની પત્ની શોભાએ નિવેદન નોંધાવી કહ્યું જેડે છેલ્લા એક અઠવાડિયાથી તાણમાં હતા.

૩૧ ઓગસ્ટ ૨૦૧૭: મકોકા કોર્ટે ડોન છોટા રાજન સામે હત્યા બદલ વિવિધ ચાર્જિસ નક્કી કર્યા.

૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮: પ્રોસિક્યૂશને તેની અંતિમ દલીલો આટોપી.

૦૨ એપ્રિલ ૨૦૧૮: તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગથી છોટા રાજનનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું.

૦૨ મે ૨૦૧૮: મકોકા કોર્ટે છોટા રાજન સહિત ૯ ગુનેગારોને દોષિત ઠેરવી તેમને જન્મટીપની સજા ફરમાવી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here