કર્ણાટકમાં રાજકીય હિલચાલ તેજઃ પાંચ જુલાઈ પહેલાં સરકારનું પતન?

0
107
Advertisement
Loading...

બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં રાજકીય સંકટનાં વાદળ ઘેરાવાનાં શરૂ થઇ ગયાં છે. અગાઉ કેબિનેટમાં પ્રધાનોની સંખ્યાને લઇને, પછી કેબિનેટનાં ખાતાંઓને લઇને અને હવે બજેટને લઇને વિવાદ છેડાયો છે. સ્થિતિ એ છે કે પ જુલાઇએ કુમારસ્વામી સરકારના બજેટની રજૂઆત પૂર્વે હજુ ચાર અઠવાડિયાં જૂની સરકારને લઇ તેના પતનની અટકળો શરૂ થવા લાગી છે.

અત્યારે જે માહોલ ઊભો થયો છે તેમાં ગઠબંધન સરકાર પોતાના જ પ્રધાનો અને ધારાસભ્યોની નારાજગીને લઇ રાજકીય સંકટના કળણમાં ફસાતી જાય છે. ચોંકાવનારા અહેવાલો અનુસાર કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ ભાજપના સંપર્કમાં છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ દ્વારા વાતચીત માટેનો કોઇ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી.

કર્ણાટક સરકાર માટે સૌથી વધુ જોખમ એ પણ છે કે કોંગ્રેસના મોટા ભાગના નારાજ નેતાઓ સરકારને ઊથલાવવા માટે ભાજપનો સંપર્ક કરી રહ્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને જનતાદળ (એસ)-કોંગ્રેસ સમન્વય સમિતિના અધ્યક્ષ સિદ્ધારમૈયા હાલ હિમાચલની ધર્મશાળામાં નેચરોપથી લઇ રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ રિટ્રિટ દરમિયાન ફોન કોલ્સ પણ સ્વીકારતા નથી, જોકે તેમના વિશ્વસનીય એસ. ટી. સોમશેખર, બી. સુરેશ અને એન. મુનીરત્ન સાથે સતત વાતચીત ચાલુ છે.

તાજેતરમાં સિદ્ધારમૈયાનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ નવા બજેટ અને સંપૂર્ણ કરજ માફીના ‌કુમારસ્વામીના નિર્ણયને સમર્થન આપી રહ્યા નથી. બીજી બાજુ ભાજપના નેતા યે‌દિયુરપ્પા પણ પક્ષના અધ્યક્ષ અમિત શાહને મળવા અમદાવાદ દોડી ગયા હતા, જે બતાવે છે કે જરૂર કંઇક રંધાઇ રહ્યું છે.

બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે યેદિયુરપ્પાને ઉતાવળ ન કરવા સલાહ આપી છે. સત્તાવાર રીતે એવું જણાવાયું છે કે યેદિયુરપ્પા અને બોમ્મઇ ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પર બેઠક માટે અમિત શાહને મળવા અમદાવાદ આવ્યા હતા, પરંતુ વાસ્તવમાં અંદરખાને બીજું જ કંઇક રંધાઇ રહ્યું છે.

બીજી બાજુ કુમારસ્વામીએ પણ તેવર બદલીને એવું જણાવ્યું છે કે હું કોઇના દયાદાન પર મુખ્યપ્રધાન બન્યો નથી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે મને ખેરાતમાં મુખ્યપ્રધાનની ખુરશી આપી નથી એ વાત તમે ધ્યાનમાં રાખજો. મને એ વાતની દરકાર નથી કે હું કેટલો સમય મુખ્યપ્રધાન રહીશ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here