Advertisement

પ્રશાંત દયાળ : બે દિવસ પહેલા એક મીત્રનો ફોન આવ્યો, જરા જલદી આવી જાવ એક અગત્યનું કામ છે, મેં પુછયુ શુ થયુ તેમણે જવાબ આપ્યો વાડીયાથી સોનલ ભાગીને આવી છે. વાડીયા શબ્દ કાને પડતા મારુ મગજ તેજ દોડવા લાગ્યુ.. હું 2012માં વાડીયો ગયો હતો, પાલનપુરથી થરાદ જતા આ હાઈવે ઉપરનું ગામ છે, વર્ષોથી આ ગામની બધી જ સ્ત્રીઓ પોતાનું શરિર વેંચે છે અને ઘરના તમામ પુરૂષો પોતાના જ ઘરની સ્ત્રીઓની દલાલી કરે છે, જો તમે આ વાત પહેલી વખત સાંભળતા હોવ તો આશ્ચર્ય થશે, પણ આઝાદી પછી ગુજરાતમાં કોઈ એક ગામ માત્ર વેશ્યાનો જ વ્યવસાય કરતુ હોય તે કરુણ વાસ્વીકતા છે, ગુજરાત સરકારે પણ આ ગામની સ્ત્રીઓ આ કામ છોડી બીજુ કામ કરે તેવા અનેક પ્રયત્નો કર્યા, પણ ધારી સફળતા મળી નહીં, છેલ્લાં લગભગ એક દસકાથી વિચરતી જાતી સમુદાય મંચના નેજા હેઠળ મીત્તલ પટેલ પણ આ ગામમાં સ્ત્રીઓને ધંધો છોડી નવા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરે છે, પણ જો સ્ત્રીઓ વેશ્યાનું કામ છોડી દેતો પુરૂષોને કામ કરવુ પડે અને તે તેમને મંજુર નથી, હું મીત્તલ સાથે જ આ ગામમાં બે દિવસ રોકાયો હતો.

સોનલના દાદી પણ વેશ્યા હતી, અને તેની મા પણ અને પંદર વર્ષની ઉમંરે તે પણ વેશ્યા બની ગઈ, તેને સ્કુલમાં જવુ હતું, ભણવુ હતું, અને રમવુ પણ હતું, પણ જો સોનલ આ બધુ કરે તો ધંધો કોણ કરે, તે માંડ ચાર-પાંચ ચોપડી ભણી હશે, ત્યાં તેને સ્કુલમાંથી ઉઠાડી ધંધે બેસાડી દીધી, હજી તો તે જીંદગીને સમજવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યાં તેની રોજ, દર કલાકે જીંદગી પીખાઈ રહી હતી, સોનલે મને કહ્યુ હું રડતી હતી, મારે આ કામ ન્હોતુ, કરવુ પણ મારી માં કહેતી કે વાડીયાની તુ કઈ પહેલી છોકરી છે કે તારે આ કામ કરવુ નથી, આમ કરતા કરતા પાંચ વર્ષ વહી ગયા, હવે તો આંસુ પણ સાથ આપના ન્હોતા, ત્યાં એક દિવસ અનીલ આવ્યો, તે તેનો નવો ગ્રાહક હતો.

પછી અનીલ રોજ આવવા લાગ્યો, એક દિવસ અનીલે પુછયુ મારી સાથે લગ્ન કરીશ, સોનલ તેની સામે જોઈ રહી, તેણે લગ્ન વિશે સાંભળ્યુ હતું, પણ વાડીયામાં કોઈના લગ્ન થતા નથી, તેની તેને ખબર હતી, ગ્રાહકોને ખુશ કરતી ગામની મહિલાઓ જયાં સુધી રૂપાળી હોય ત્યાં સુધી ધંધો કરે ત્યાર બાદ કોઈ ગ્રાહકની રખાત થઈ જાય, જો કે તેણે રહેવાનું તો ગામમાં જ પછી તે જેની રખાત હોય તે રોજ આવે તે સિવાય કોઈની સાથે સંબંધ રાખવાનો નહીં, તે ગ્રાહક તે મહિલાના પરિવારનું ભરણ-પોષણ પણ કરે તેના દ્વારા બાળકો પણ થાય, પણ તે બાળકોને પિતાનું નામ મળે નહીં. અને જો તે સ્ત્રીના પેટે દિકરી જન્મે તો તે પણ વેશ્યા બને અને તેનો ભાઈ તેની દલાલી કરે. અત્યંત કરૂણ અને રૂવાડા ઉભા કરી દેનારી વાત છે. ગામના કેટલાંક શેઠીયાઓ પણ હવે દલાલ થઈ ગયા છે, તેઓ આ ગરીબ માણસોને પૈસા ધીરે છે, તેના કારણે આ સ્ત્રીઓ આ ધંધો છોડે તે તેમને પણ પસંદ નથી.

અનીલને તેને ખાતરી આપી કે, તે લગ્ન કરશે, જયારે સોનલે લગ્નની વાત પોતાની ઘરે કરી ત્યારે પહાડ તુટી પડયો, જો તે જતી રહેતો તો ધંધો કોણ કરે, ઘરની આવકનું શુ, તેને તેના મા-બાપે ખુબ ફટકારી, અનીલનું પણ ગ્રાહક તરીકે આવવાનું બંધ કરાવી દીધુ, દિવસો વિતવા લાગ્યા, બે દિવસ પહેલા વહેલી પરોઢના અનીલ ગામમાં પોતાની કાર લઈ પહોંચી ગયો, હજી ગામ સુઈ રહ્યુ હતું, તેણે સોનલને બહાર બોલાવી, તે ઘરની બહાર નિકળતા તેઓ ભાગી છુટયા હતા, તે બન્ને અમદાવાદ હતા, સોનલની આંખમાં એક વિનંતી હતી, મારે લગ્ન કરવા છે, તમે મારા લગ્ન કરાવી આપશો, તેઓ બન્ને પહેરેલે કપડે ભાગ્યા હતા, સોનલ વીસ વર્ષની હતી અને અનીલ અઠયાવીસ વર્ષનો , કાયદેસર તેમના લગ્ન થાય તેમાં કોઈ વાંધો ન્હોતો, પણ સમસ્યા એવી હતી, સોનલ પુખ્ત ઉમંરની છે તેવા કોઈ પુરાવા તેની પાસે ન્હોતા.

હવે ગામમાં જવાય તેવુ ન્હોતુ, બીજી તરફ સોનલ નહીં મળતા તે ભાગી છુટી છે તેવી પાક્કી ખબર ગામને અને ગામના દલાલોને પડી ગઈ હતી, કલાકમાં વીસથી પચ્ચીસ જીપો સોનલને શોધવા દોડવા લાગી હતી, પાલનપુરમાં દલાલોને એક મિટીંગ મળી , કારણ તેમના માટે ખુબ આધાતજનક સમાચાર હતા, વાડીયા ગામના ઈતિહાસમાં લગ્ન કરવા માટે કોઈ વેશ્યા ભાગી હોય તેવી પહેલી ઘટના હતી, એક દલાલે મીટીંગમાં કહ્ય સાલી રંડીઓ જો લગ્ન કરશે તો ધંધો કોણ કરશે, સોનલને ગમે ત્યાંથી પાછી લાવો ખર્ચ કઈ પણ થાય તો કરીશુ, પણ સોનલ પાછી નહીં આવે તો વાડીયામાંથી બીજી છોકરીઓ પણ ભાગવા લાગશે, હવે આવા માહોલમાં સોનલનું પ્રમાણપત્ર લેવા પાછા જવુ શકય ન્હોતુ.

પણ કયાંકથી મદદ મળી રહે, ગુજરાતના એડીશનલ ડીજીપી કરવામાં આવ્યો, વિનંતી એટલી જ હતી કે સોનલ લગ્ન કરવા માગે, તેને પ્રમાણપત્રની જરૂર છે, જો કોઈ મદદ થઈ શકે તો સારૂ , તેમણે ત્રણ જ કલાકમાં સોનલની સ્કુલમાંથી તેનો જન્મનો પુરાવો મંગાવી મોકલી આપ્યો. અને સોનલની માંગમાં અનીલે સીંદુર ભર્યુ, કોર્ટમાં મેરેજ રજીસ્ટ્રાર સામે તેમના લગ્નની નોંધણી પણ કરાવવામાં આવી, વાત અહિયા અટકતી નથી, હવે એક નવી જીંદગી સાથે અનીલ અને સોનલ સામે અનેક પ્રશ્ન છે, હું લગ્ન બાદ સોનલને મળ્યો, તે હિન્દી ફિલ્મની અભીનેત્રી જેવુ ગ્લેમરસ કેરેકટર નથી, પણ તેના વિચારોમાં સ્પષ્ટતા છે. તેણે કહ્યુ મારો પરિવાર મને મુબારકખાન નામના માણસની રખાત બનાવવા માંગતો હતો, જે મારા પિતાની ઉમંરનો પાંસઠ વર્ષનો હતો, મારે રખાત નહીં મારે પત્ની થવુ હતું.

અનીલ મને બહુ સ્વસ્થ અને પ્રમાણિક લાગ્યો, તેણે મને કહ્યુ મારી પત્ની વેશ્યા હતી, તે કહેતા મને આજે પણ સંકોચ નથી અને કયારેય પણ નહીં થાય પણ હવે તે મારી પત્ની છે. મેં અનીલ અને સોનલને કહ્યુ કોઈ તને સોનલને વેશ્યા કહે તો તારે શરમાવવાની જરૂર નથી, કારણ શરમ તો અમારી જેવી વ્યકિતઓને આવી જોઈએ, તુ અને તારી જેવી વાડીયામાં રહેતી વેશ્યાઓ અમારા કારણે જન્મી છે. હવે અનીલ અને સોનલ ગામમાં જઈ શકે તેમ નથી, એક તરફ તેમની હત્યા સુધી મામલો પહોંચે તો નવાઈ નથી, બીજી તરફ પોલીસ અને સરકારી તંત્રમાં સંવેદનશીલતો અભાવ છે. મને લાગ્યુ કે આપણા શહેરમાં આવેલા અનીલ અને સોનલની જવાબદારી હવે આપણી છે, કારણ જો આપણે એક સોનલની મદદ કરીશુ , વાડીયામાં રહેલી બીજી સોનલો બહાર આવવાની હિમંત કરશે

હું પત્રકાર છુ, તો તમે પોલીસ,સરકારી અમલદાર,ડોકટર ,બીલ્ડર વેપારી, વિધ્યાર્થી, નેતા કે પછી સાવ સામાન્ય માણસ પણ હોઈ શકો છો છતાં આ દિશામાં તમે કઈ રીતે મદદ કરી શકો તે વિચારજો, કરી રીતે તેને મદદ થઈ શકે તેની મને પણ ખબર નથી, અનીલ ભણેલો છે, તેને કામની પણ જરૂર પડશે કારણ સોનલની આંખમાં એક મેં સ્વપ્ન જોયુ છે, એક સ્ત્રી તરીકેનું જીવવાનું, તેને જીવાડવી પડશે, તમે અંબાજી ,ચોટીલા અને પાવાગઢ નહીં જાવ તો ચાલશે એક દેવી તમારા શહેરમાં આવી છે . હું બન્નેને મળી નિકળી રહ્યો હતો ત્યારે સોનલ અને અનીલ સાથે હાથ મીલાવી નવી જીંદગીની શુભેચ્છા પાઠવી ત્યારે મારી નજર સોનલના ગળામાં લટકી રહેલા મંગળસુત્ર તરફ ગઈ મને ખુબ સારૂ લાગ્યુ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here