અમદાવાદમાં SG હાઈવે, રિંગ રોડ પરનાં કોફી બાર, રેસ્ટોરાં રાત્રે 11 વાગ્યે બંધ

0
137
Advertisement
Loading...

અમદાવાદ: રાજપથ ક્લબથી સિંધુ ભવન રોડ પર આવેલ ડેનિસ કોફીબારની બહાર રોડ પર બે યુવાનોએ હવામાં કરેલા ફાયરિંગના ચકચારી કેસ બાદ શહેર પોલીસે હાઇવે પર મોડી રાત સુધી ચાલતા કોફીબાર, રેસ્ટોરાં અને ખાણીપીણીનાં બજારો રાતે ૧૧ વાગ્યા પછી બંધ કરાવી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

એસ.જી.હાઇવે અને એસ.પી.રિંગ રોડ આવેલા કોફીબાર, રેસ્ટોરાં યુવાધન માટેનો મોજ મસ્તીનો અડ્ડો બની ગયા છે. જેનો લાભ કેટલાંક તોફાની તત્વો ઉઠાવી રહ્યાં છે. તોફાની તત્ત્વોને કંટ્રોલ કરવા માટે તેમજ કોઇ માથાકુટ ના થાય તે માટે પોલીસે આ નિર્ણય લીધો છે. રાતે ૧૧ વાગે રેસ્ટોરાં, કોફીબાર અને ખાણીપીણી બજાર બંધ કરી દેવા માટે પોલીસ તમામને નોટિસ પાઠવશે..

રાજપથ ક્લબથી સિંધુ ભવન રોડ પર આવેલા ડેનિસ કોફીબારની બહાર રોડ પર ગત શુક્રવારે મેક્સી પટેલ નામના નબીરાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ શહેરમાં ચકચાર મચી ગઇ હતી અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી.

વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ફાયરિંગ કરનાર મેક્સી પટેલ, તેના મિત્ર જયમીન પટેલ અને અરવિંદ પડ્યાની ધરપકડ કરી હતી. ક્રૂઝ કારમાં ત્રણ યુવકો આવ્યા હતા. જેમાં મેક્સી પટેલે કારનું હુડ ખોલીને સ્ટાર્ટર ગનથી હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સ્ટંટબાજી કરતા ત્રણેય યુવકો પૈકી બે યુવકો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે તમામ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.

એસ.જી.હાઇવે, સિંધુ ભવન રોડ તેમજ એસ.પી.રિંગ રોડ પર સ્ટંટ બાજી કરતા અને દારૂ પીને ધમાલ કરતા અનેક બનાવો અગાઉ પણ બન્યા છે. પુરઝડપે વાહનો ચલાવીને સ્ટંટ કરવા તેમજ કારમાં દારૂની મહેફીલ માણવી, યુવતીઓની મશ્કરીઓ કરવી અને પૈસાદાર હોવાનો રોફ મારવાનું હવે એસ.જી.હાઇવે, સિંધુ ભવન રોડ, તેમજ એસ પી રિંગ રોડ પર વધી ગઇ છે. થોડાક સમય પહેલાંં એસ.જી.હાઇવે પર આવેલા એક કોફીબારમાં કેટલાક નબીરાઓએ મારામારી પણ કરી હતી.

સિંધુ ભવન રોડ પર મેક્સી પટેલે કરેલા ફાયરિંગ બાદ કોફીબાર, રેસ્ટોરાંમાં અડિંગો જમાવીને બેસી રહેલાં તોફાની તત્ત્વો તેમજ યુવાધનો પર પોલીસ નજર રાખશે. ઝોન સાતના ડીસીપી આર.જે.પારધીએ જણાવ્યું છે કે રાતે હાઇવે પર આવેલી હોટલો અને કોફીબારમાં બેસવા માટે આવતા લોકોમાં ન્યુસન્સ વધી ગયું છે.

યુવતીઓની મશ્કરીઓ અને દારૂ પીને ધમાલ કરવાના અનેક કિસ્સાઓ બન્યા છે. જેના કારણે હવે ૧૧ વાગ્યા બાદ હાઇવે પર આવેલી તમામ ખાણીપીણીનાં બજાર, કોફીબાર અને રેસ્ટોરાંને બંધ કરવામાં આવશે. આ સિવાય ૧૨ વાગ્યા બાદ કોઇ નબીરાઓ એસ.જી.હાઇવે કે સિંધુ ભવન રોડ પર અથવા તો એસ.પી.રિંગ રોડ પર ગ્રૂપ બનાવીને બેઠા હશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મોડી રાત સુધી ગ્રુપ ગ્રૂપ પેટ્રોલિંગમાં નીકળીને તમામ લોકો પર નજર રાખશે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજાએ જણાવ્યુ છેકે તોફાની તત્ત્વોને રોકવા માટે અને માથાકૂટને બંધ કરવા માટે હાઇવે પર આવેલી તમામ હોટલો અને કોફીબાર અને ખાણીપીણીનાં બજારોને ૧૧ વાગે બંધ કરી દેવા માટેની નોટિસ આપવામાં આવશે.

જો ત્રણ નોટિસ બાદ પણ કોઇ નહીં માને તો મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને હોટલ, કોફીબાર અને ખાણીપીણીનાં બજારને સીલ કરવામાં આવશે. રાતે સમયસર ખાણીપીણીના સ્ટોલ બંધ થઇ જતાં તોફાની તત્ત્વો પણ જતાં રહેશે.

આ સિવાય તમામ લોકનું ચેકિંગ કરવામાં આવશે કે તેમણે દારૂ પીધો છે કે નહીં અને હાઇવે પર ઊભી રહેતી તમામ કારનું પણ ચેકિંગ કરવામાં આવશે. આ સિવાય નાટકબાજી કરતા લોકો ઉપર પણ નજર રાખવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here