ગુજરાતમાં વરસાદી કહેર : 26નાં મોત અને 129 રસ્તાઅો બંધ

0
153
Advertisement
Loading...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે અત્યાર સુધી વરસાદના કારણે મૃત્યુઆંક 26 થયો છે. ભારે વરસાદના કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા છે. તેવામાં 129 રસ્તાઓ બંધ છે. પાંચ સ્ટેટ હાઈવે અને 124 ગ્રામ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે. ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. તો સાથે જ એનડીઆરએફની ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરી દેવામાં આવી છે.

ગિરગઢડા બેટમાં ફેરવાઈ ગયું
ગિરગઢડા : બેટમાં ફેરવાયું સવાર ના 6.00 વાગ્યાથી સાંબેલાધાર પડતો વરસાદે ગિરગઢડા તાલુકાને બેટમાં ફેરવી દીધુ છે.ગિરગઢડા તાલુકાનું હરમાડીયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. તંત્ર ની લાપરવાહી થી ઝાંખિયા ડેમનું પાણી જામવાળા રોડ પર આવી ગયું છે. ગિરગઢડા તાલુકાના હરમડિયા, નવાગામ ,જામવાળા, ફાટસર ,ઇટવાય ,કોદીયા, સનવાવ ,ધ્રાબાવડ, કાણકીયા,કારેણી, આંબાવાડ,ફૂલકા, ખિલાવડ બાબરીયા, વેલાકોટ ઝાંઝરીયા, નવા ઉગલા ગામો માં પાણી ફરી વળ્યાં છે.

ગીર સોમનાથ
સૈયદ રાજપરા ગામમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી
ગીર સોમનાથમાં ભારે વરસાદ પડ્યો છે. જેથી સૈયદ રાજપરા ગામ બેટમાં ફેરવાયુ છે. જિલ્લા કલેક્ટરની સૂચના બાદ સૈયદ રાજપરા ગામમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ સાથે દરિયા કિનારે વસતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. દરિયામાં હાઈટાઈડની સ્થિતિના કારણે દરિયો ગાંડોતૂર બન્યો છે. સૈયદ રાજપરા ગામે વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા છે તો દરિયાનાં પાણી બંદર વિસ્તારના મકાનોમા ફરી વળ્યા છે. એનડીઆરએફની ટીમ સાથે ઉનાના મામલતદાર, ટીડીઓ અને એસડીએમએ સૈયદ રાજપરાની મુલાકાત લઈને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત સનવાવ-આલીદરને જોડતો નવો બ્રિજ ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના નિચાણવાળા વિસ્તારને ભારે વરસાદના પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. ગીરસોમનાથના ઉનાના ગુદાળા ગામે ગતરાતે વરસેલા ભારે વરસાદને લઈને મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. આ ગામ મચ્છુન્દરી ડેમની પાસે છે. ગુદાળા ગામે હજુ વરસાદ ચાલુ છે. ત્યારે 17 ગામને એલર્ટ કરાયા છે. ઊનાના વાળવા ગામે 5 ઈંચ વરસાદ.શાહી નદી બની ગાંડીતુર બની છે.

ગીર સોમનાથમાં પડેલા વરસાદને લઈને હિરણ નદીમાં નવા નીરની આવક થઈ છે અને નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે. ગીર સોમનાથના મુખ્ય ડેમમાં સામેલ હિરણ-2 ડેમના દરવાજા અડધોફૂટ ખોલી દેવાયા છે..અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.

ભરૂચ-અંકલેશ્વરની શાળાઓમાં રજા જાહેર
વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દાહોદ, ભરૂચ, અંકલેશ્વર સહિતના પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જગતનો તાત ખુશખુશાલ છે. પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર પહોંચી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદને કારણે સરકારી શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી હતી. તો ઘણી પ્રાઇવેટ સ્કૂલોએ પણ ભારે વરસાદને કારણે રજા જાહેર કરી હતી.

વલસાડ
વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર ફરી વધી રહ્યુ છે. નદીમાં પાણીનું લેવલ વધતા વલસાડના હનુમાન ભાગળા વિસ્તારમાં ઔરગાના પાણી ઘુસ્યા છે. પીચિંગ પરથી પાણી ફરી વળતા એનડીઆરએફની ટીમ રાહત કામગીરી માટે પહોંચી હતી. પાણીનો પ્રવાહ જે રીતે વધી રહ્યો છે જોતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

ભાવનગર
ભાવનગરમાં મેઘારાજાની ધમાકેદાર બેટિંગને લઈને ભાવનગરની તમામ નદીમાં નવાનીરની આવક થઈ છે.અને તેથી સાવરકુંડલા તરફ વહેતી દાવલ નદીમા ઘોડાપુર આવ્યા છે. નદીમાં ઘોડાપુરની સ્થિતિને લઈને ઘોબા ગામને જોડતા નાળા પરથી પાણી વહેતા જોવા મળ્યા હતા. ગઈકાલે જેસરમાં 95 ઈંચ વરસાદ વરસ્યો હતો..જોકે રાતે ભાવનગરમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. મહુવાના રોજકી અને બગડ ડેમ ઓવરફ્લો તયા છે. ભાવનગર ના વરલ ગામે આવેલી સ્થાનિક નદીમાં પુરના કારણે સિહોર-તળાજા રોડ બંધ થયો..તો ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમની સપાટી 22.7 ફૂટ થઈ છે. ભાવનગરના મેથળા ગામે ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલો બંધારો ઓવરફ્લો થયો છે. બગડ નદીમાં આવેલા પુર બાદ બંધારામાં નવા નીરની આવક થઈ છે. ખેડૂતોએ વરસાદનું મીઠુ પાણી દરિયામાં જતુ રોકવા માટે બંધારો બનાવ્યો હતો. આ તરફ મહુવા નિકોલ બંધારામાં કુંડળ પાસે ત્રીસ ફૂટનુ ભંગાણ પડ્યુ છે. જેના કારણે સો જણાનું સ્થળાંતર કરવુ પડયુ છે. ભાવનગરના જેસરમાં ધોધમાર વરસાદ બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. આજે વરસાદે વિરામ લીધા બાદ પાણી ઓસરતા ગામના લોકો દ્વારા દોરડા બાંધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગામના લોકો દ્વારા મહિલા અને બાળકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

ભાવનગરના જેસરમાં નવ ઇંચ વરસાદની સ્થિતીનો તાગ મેળવવા જીએસટીવી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યુ છે. જેસરમાં જીએસટીવીની ટીમ સૌપહેલા પહોંચી હતી. અહીના રસ્તાઓ પરથી હજુ પણ વરસાદી પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે. વરસાદી વહેણમાં રસ્તા પર ઝાડી ઝાંખરા ખેંચાઇ આવતા વાહન વ્યહારને અસર પડી હતી. જો કે તંત્ર કામગીરી શરૂ કરે તે પહેલા સ્થાનિક લોકો આગળ આવ્યા હતા અને રસ્તા પરથી ઝાડી ઝાંખરા સાફ કરવાના શરૂ કર્યા હતા.

સુરત
સુરતમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે. ગઈકાલે રાતભર સુરતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને તેનાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરના લીંબાયત, અડાજણ, અમરોલી, વરાછા, ઉધના, નવાગામ ડીંડોલી જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી લોકોએ પરેશાની વેઠવી પડી હતી. સુરતમાં રાતે વરસેલા વરસાદ અડાજણ વિસ્તારના લોકો માટે પરેશાની લઈને આવ્યો હતો કારણ કે, ભારે વરસાદના કારણે અડાજણ વિસ્તારમાં એક વૃક્ષ ધરમૂળથી ઉખડી ગયુ હતુ અને તેથી તેની પાસે રહેલો વીજપોલ પણ તૂટી પડ્યો હતો. વીજપોલ તૂટવાના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી. તો રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

સુરતના નાના વરાછામાં વરસાદમાં રમતો બાળકનુ ખુલ્લી ગટરમાં પડતા થયેલા મોત મામલે સુરત મહાપાલિકાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ઢાંકણું ખોલી નાખનાર અજાણ્યા શખસો સામે સુરત મહાનગર પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વરાછા ઝોનના ડેપ્યુટી ઈજનેર સોમા પટેલ તથા આસિસ્ટન્ટ ઈજનેર પ્રદિપ ભોયાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જો કે, વરસાદી પાણીની ગટર લાઈનના ઢાંકણા દુકાનવાળાએ ખોલ્યા કે ઝોનવાળાએ ખોલ્યા તે અંગે અવઢવની પણ સ્થિતિ છે. દુકાનમાં પાણી ન ભરાય તે માટે દુકાનદારોએ ઢાંકણાં ખોલ્યા હોવાનો તંત્ર બચાવ કરી રહ્યુ છે. જોકે, સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવે તો સચ્ચાઇ બહાર આવી શકે તેમ છે.

સુરતના પલસાણાના અંતરોલી ગામે ગઈકાલે તળાવમાં ડુબેલા બે કિશોરનો હજુ પત્તો લાગ્યો નથી.અને તેમને શોધવાની કામગીરી ફરી શરૂ થઈ છે..ગઈકાલે સાંજે અંતરોલી ગામે બે કિશોર તળાવમાં ડુબ્યા હતા.જેમને ગ્રામજનો અને ફાયર દ્વારા શોધખોળની કામગીરી કરાઈ હતી.પરંતુ મોડીરાત સુધી પત્તો લાગ્યો ન હતો.અને આજે સવારે ફરી તેમને શોધવાની કામગીરી શરૂ કરાઈ છે..

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here