પાટીદાર પાવર આનંદીબેન પટેલના ગુજરાતના રાજકારણને રામ રામ..!

0
216
Advertisement
Loading...

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનને કારણે 2016માં મુખ્યમંત્રી પદ છોડવા મજબૂર બનેલા આનંદીબેન પટેલને અપેક્ષા મુજબ જ ભાજપ સરકારે પ્રમોશન આપ્યું છે. આનંદીબેનને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં છે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં નજીકના ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓને જોતાં આ નિર્ણય ઘણો મહત્વનો બની રહે છે.

ભાજપમાં અમિત શાહ અને આનંદીબેન જૂથ વચ્ચે ટકરાવ હોવાની વાત વચ્ચે પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું ત્યારે જ 2016માં આનંદીબેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. એ વખતે તેમણે કહ્યું હતું કે, પક્ષના નિયમ મુજબ 75 વર્ષ થઈ ગયા હોવાથી તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રહ્યા છે. આ ઉપરાંત તેમણે તાજેતરમાં જ પૂરી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ અટકળોને ખોટી ઠેરવતા ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

જોકે, આનંદીબેને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદથી જ ચર્ચા હતી કે તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ પદે બેસાડવામાં આવશે. પણ, આનંદીબેને સતત એવું જ કહી રહ્યા હતા કે તેઓ ગુજરાત છોડીને ક્યાંય જવાના નથી. પણ, જે રીતે તેઓ ભાજપની દરેક બેઠકોમાં જે રીતે આનંદીબેનની સૂચક હાજરીઓ જોવા મળતી હતી તેના પરથી અટકળો ચાલી જ રહી હતી કે તેમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે.

શિક્ષિકામાંથી રાજકારણી બનેલા આનંદીબેન પટેલ ભાજપના એક સામાન્ય કાર્યકરથી રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતાં. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા ગુજરાતના મુખ્યમંત્રીનું પદ ખાલી પડતા આનંદીબેનને મુખ્યમંત્રી બનાવાયા હતાં. પરંતુ આનંદીબેન પોતાનો કાર્યકાળ પૂર્ણ કરે તે પહેલા જ પાટીદાર અનામત આંદોલન અને તેના પડઘાને કારણે આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. પરંતુ હવે ફરી એક વખત આનંદીબેન પટેલને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વધુ એક જવાબદારી સોંપી મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે અને આગામી મહિનાઓમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી વહિવટી જવાબદારીઓ કુશળ એવા અને મોદી સાથે સારો ધરોબો ધરાવતા હોવાથી આનંદીબેનને હવે આ જવાબદારી સોંપાઇ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here