ટોળાએ દલિત નેતાઓના ઘર ફૂંકી માર્યા, જાણો વિગતે

0
127
Advertisement
Loading...

એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં સોમવારે દેશવ્યાપી બંધના એલાન દરમિયાન થયેલી હિંસાના પડઘા મંગળવારે પણ પડયા હતા. રાજસ્થાનના કરૌલીમાં મંગળવારે ટોળાએ હિંડૌનના વર્તમાન દલિત ધારાસભ્ય રાજકુમારી જાટવ અને પૂર્વ દલિત ધારાસભ્ય ભરોસીલાલ જાટવના ઘરોમાં આગ ચાંપી હતી. તે ઉપરાંત દલિત સમાજની એક હોસ્ટેલમાં તોડફોડ કરાઇ હતી અને એક શોપિંગ મોલમાં આગ ચાંપી દેવાઇ હતી.

સોમવારે ભારત બંધના એલાન દરમિયાન શહેરમાં થયેલી હિંસાના મુદ્દે તોફાનીઓ સામે કાર્યવાહીની માગ સાથે સ્થાનિક લોકો અને વેપારીઓએ શહેરના ચૌપડ સર્કલ પર દેખાવો શરૂ કર્યાં હતાં.

જોતજોતામાં આ દેખાવો ઉગ્ર બનતાં પોલીસે ટોળા પર નિયંત્રણ મેળવવા માટે ટિયરગેસના શેલ અને રબ્બરની ગોળીઓ ફાયર કરી હતી.

ઉશ્કેરાયેલા ટોળા રાજકુમારી જાટવ અને ભરોસીલાલ જાટવના ઘરો સુધી પહોંચ્યું હતું અને ત્યાં ઊભેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમના ઘરોને પણ આગ ચાંપી દેવાઇ હતી. એમ કહેવાય છે કે સોમવારના દલિત આંદોલન દરમિયાન તોફાનીઓએ બસમાં મહિલાઓ સાથે છેડછાડ કરી હતી જેના વિરોધમાં ઉગ્ર બનેલા ટોળાએ દલિત નેતાઓના ઘરોને આગ ચાપી દીધી હતી.

ઘટનાની જાણ થતા જ ભરતપુર રેન્જના આઇજી આલોક વશિષ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર હિંડૌન શહેરમાં કર્ફ્યૂ લાદી દેવાયો હતો. હિંડૌનના વેપારીઓનો આરોપ છે કે સોમવારે બંધના એલાનના પગલે ટોળાએ અમારી દુકાનો બળજબરીથી બંધ કરાવી હતી.

વેપારીઓ સાથે મારપીટ પણ કરાઇ હતી અને દુકાનો લૂંટી લેવાઇ હતી. શહેરના બજારોની દુકાનોમાં તોડફોડ કરાઇ હતી. જેના વિરોધમાં વેપારીઓ અને અન્ય સમુદાયોના લોકોએ મંગળવારે બંધનું એલાન આપ્યું હતું. તણાવને જોતાં સ્થાનિક સત્તાવાળાઓએ ૧૪૪ની કલમ લાગુ કરી હતી પરંતુ તેનું ઉલ્લંઘન કરીને 4૦,૦૦૦નું ટોળું જમા થઇ ગયું હતું.

એસસી-એસટી એક્ટ પરના સુપ્રીમના ચુકાદા સામે ફાટી નીકળેલી હિંસાના પગલે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં 7 લોકોનાં મોત થયાં હતાં. સોમવારે ગ્વાલિયર, ભીંડ અને મુરૈનામાં કર્ફ્યૂ લાદી દેવાયો હતો. મંગળવારે પણ આ શહેરોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here