હાર્દિકને મળવા ગયા તો…“સમન્સ નહીં સીધા શૂટઆઉટ”..!!!?”

0
267
Advertisement
Loading...

અમદાવાદના ઇસનપુરમાં રહેતા અને નાગરિક અધિકાર સંગઠન ચલાવતા સામાજિક કાર્યકર અતુલ દવેએ અનામતના મામલે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મળવાનો પ્રયાસ કર્યો અને સ્થળ પરની પોલીસે કન્ટ્રોલ રૂમના પોલીસના કહેવા છતાં તેમને મળવા ના દિધા અને તેઓ મળ્યા વગર પરત ફર્યા બાદ અડધી રાત્રે આંતરરાષ્ટ્રીય નંબર પરથી અતુલ દવેને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇના નામે ફોન કરીને જે ધાકધમકી આપવામાં આવી છે તેનો ઓડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ અંગે અતુલ દવેએ જણાવ્યું કે તેઓ એક નાગરિક તરીકે બે દિવસ પહેલા હાર્દિકને મળવા ગયા હતા. ફરજ પરની પોલીસે ના મળવા દિધા તો પાછો ફર્યો અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં જે નંબર મારો લખાવ્યો તેના પર એક એવો કોલ આવ્યો કે જે ઇન્ટરનેશનલ નંબર હતો અને બોલનાર ગુજરાતીમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચનો પીએસઆઇ નિર્મળ ગાંધી બોલું છું એમ કહીને હાર્દિકને મળવા કેમ ગયો એમ કહીને મારી ધરપકડ કરવાની વાત કરી.

દવેએ તેમને સમન્સ મોકલવા અને ક્યા ગુના હેઠળ ધરપકડ કરવાની છે તે જાણવા પૂછ્યું ત્યારે સામેથી ઠંડા કલેજે એવી ધમકી અપાઇ કે હવે સમન્સ-વમન્સના જમાના ગયા, સીધો શૂટઆઉટ જ કરવાનો ઓર્ડર છે. દવેએ ડર્યા વગર સામાવાળાને પડકારતા કહ્યું કે તમારી ઓફિસનું સરનામું આપો, હું ત્યાં જ અત્યારે આવું છું અને મારૂ શૂટઆઉટ કરી નાંખજે. આ કહેવાતા પીએસઆઇએ તું કહીને સંબોધન કરતાં દવેએ કહ્યું કે એક નાગરિક સાથે સભ્યતાથી વાત કરો. ત્યારે સામેથી કહેવામાં આવ્યું કે તું અમારો બાપ છે?, તું કાંઇ વડાપ્રધાન છે કે તને માનથી બોલાવું ?. તારૂ શૂટઆઉટ કરી નાખવાનું છે, હાર્દિકને મળવા કેમ ગયો? ભારતના 125 કરોડ લોકો હાર્દિકને મળવા માંગે તો ક્યાંથી મેળ પડે. લાંબી રકઝકના અંતે કોઇ ઉપરી અધિકારી વાત કરે છે અને એમ કહે છે કે તમારૂ શૂટઆઉટ નથી કરવાનું આ તો જનરલ વાત છે…!!! તમારા મોઢામાંથી વાત કઢાવવા માટે તમને ઉશ્કેરવા આવી વાત કરી છે, આવેશમાં આવીને વાત કરી છે…..!!!!

તેમનું માનવું છે કે 10 મિનિટની વાતચીત સાંભળ્યા બાદ કોઇને પણ એમ થાય કે શું આપણે ભારતમાં કે ગુજરાતમાં રહીએ છીએ..? આવા એન્કાઉન્ટરના ફોન બીજા રાજ્યોમાં જનરલ એટલે સામાન્ય હશે. પણ ગુજરાતમાં પોલીસ દ્વારા કે પોલીસના નામે, હાર્દિકને મળવા જનારને આવી ધાકધમકી દર્શાવે છે કે ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે? ગુજરાત ક્યાં જઇ રહ્યું છે..? વાતચીત કરનારાના અવાજ અને ટોન પોલીસના જ કોઇ માણસો હોઇ શકે.

ઉપરાંત પોલીસ કન્ટ્રોલને જે મોબાઇલ નંબર લખાયો હોય, જે સરનામું લખાવાયું હોય તેની ગોપનીયતાનું શું? શું પોલીસ દ્વારા જ મારો મોબાઇલ નંબર ફેક ફોન કરનાર કહેવાતા પોલીસને અપાયો હશે? મુશ્કેલીમાં પોલીસ કન્ટ્રોલ રૂમને મદદ માટે ફોન કરનારા નાગરિકોની સલામતિ શું? દવેએ કહ્યું કે તેઓ આવા ફોનથી ડર્યા નહીં અને સામેથી કહ્યું કે તમારૂ સરનામું આપો, હું જ ત્યાં આવું છું અને મારૂ એન્કાઉન્ટર કરી નાંખજો, એમ કહ્યું પરંતુ બીજા કોઇ કાચા-પોચા હોય તો તેમની પાસેથી આવા ફોન કરીને રૂપિયા ખંખેરવામાં નહીં આવતા હોય તેની શું ખાતરી? વાત માત્ર હાર્દિક પટેલને મળવાની નથી. કાલે કોઇ અન્ય આગેવાન આંદોલન કરશે અને તેને મળવા જવાનું હોય તો શું તે વખતે પણ પોલીસ સરકારના ઇશારે આવા ધંધા કરશે? શું આપણે ખરેખર લોકશાહીમાં અને તે પણ ગુજરાતમાં જીવી રહ્યાં છીએ..?

પોલીસનો આવો દુરૂપયોગ? પોલીસને આવી અન્ડરકવર ભેદી અને નાગરિકોને ડરાવવાની છૂટછાટ આપવામાં આવી કે આપવામાં આવે તો ગુજરાત અને ભારતના લોકોએ સમજી લેવું પડશે કે હવે લોકશાહી રહી નથી. જર્મનીની હિટલરશાહી કે રશિયાની ઝારશાહીની દિવસો આવી ગયા છે. જેમાં મારા જેવા સામાન્ય વ્યકિતની સાથે, ઓડિયો સાંભળીને ધ્રુજારી ચઢી જાય, આપણે થર થર કાંપી ઉઠીએ એવી એન્કાઉન્ટર કરવાની ધમકી બનાવટી ફોનવાળી સીસ્ટમનો ઉપયોગ કરીને આપવી તે બતાવે છે કે પોલીસનો કેવો ખતરનાક ઉપયોગ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દે સમાન વિચારશરણીવાળાઓને ભેગા કરીને લોકશાહી બચાવો યાત્રા શરૂ કરશે. આ મુદ્દે જરૂર પડે તો ન્યાયતંત્રના દ્વાર પણ ખટખટાવવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here