શું તમને ખબર છે હાર્દિક પટેલને કોણે બનાવ્યો પાટીદાર નેતા? જાણો

0
898
Advertisement
Loading...

ઘણા માને છે કે આ યુવકે ભારતના શક્તિશાળી વડાપ્રધાનની ઊંઘ હરામ કરી દીધી છે. આ વ્યક્તિ છે હાર્દિક પટેલ. તેનામાં થોડી આક્રમકતા છે અને થોડી નમ્રતા પણ છે. વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક અને વેપારીના પુત્ર હાર્દિક પટેલ ખરેખર મધ્યમવર્ગીય છે. ભારતના કાયદા મુજબ ચૂંટણી લડવા માટે તેની ઉંમર પણ હજી યોગ્ય નથી થઈ.

બે વર્ષથી પણ ઓછા સમયમાં વડાપ્રધાન મોદીને સૌથી વધુ પજવનાર વ્યક્તિ બની ગયા છે. વડાપ્રધાનના ગૃહ રાજ્યમાં થયેલા જ્ઞાતિ આધારિત શક્તિશાળી વિરોધ પ્રદર્શનનો ચહેરો છે. તેમની માંગ છે કે પટેલ સમુદાયને નોકરી અને શિક્ષણમાં અનામત આપવામાં આવે.

અનામતની વધી રહેલી માગણી

ગુજરાતમાં પટેલોની 14 ટકા વસ્તી છે. તે સામાજિક રીતે સમૃદ્ધ છે અને ખેતી કરનારો પ્રભાવક સમાજ પણ છે. નરેન્દ્ર મોદીના સમર્થનમાં તે પારંપરિક રીતે મતદાન કરતો સમાજ રહ્યો છે. જેના બળે નરેન્દ્ર મોદીએ ગુજરતમાં બે દાયકાથી વધુ શાસન કર્યું.

ભૂતકાળમાં અનામતના વિરોધમાં પટેલ સમુદાયે હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માગણી કરી હતી કે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં બેઠક માટે મેરીટ જ આધઆર હોવો જોઈએ, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતમાં હવે એક નવી સમસ્યા આકાર લઈ રહી છે જેમાં ખેતીને બિન-નફાકારક અને અન્ય વ્યવસાયોની સરખામણીએ ઓછા પ્રતિષ્ઠિત વ્યવસાય તરીકે જોવામાં આવી રહી છે.

જમીન ધરાવતા અન્ય જ્ઞાતિ અને સમુદાય પણ અનામતની માંગણી કરી રહી રહ્યા છે. હરિયાણામાં જાટ સમુદાય અને મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીઓ મેળવવા તેમની પાસે સાધનોની અછત હોવાનું લાગી રહ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સરકારી કોલેજોની સંખ્યા ઓછી છે. બીજી તરફ બિલાડીની ટોપની જેમ ખુલી રહેલી સ્વ-નિર્ભર કોલેજોનું મોંઘું શિક્ષણ લોકોને પરવડે એવું નથી.

ખેતીના વ્યવસાયની પ્રતિષ્ઠાની દુર્દશા

વળી ખેતીના આવકમાં ઘટાડો લોકોને શહેરમાં સ્થળાંતર કરવા ફરજ પાડી રહ્યો છે. અને શહેરોમાં નોકરીઓ વધુ નહીં હોવાથી સ્પર્ધા ખૂબ જ તીવ્ર બની જાય છે.

ચીનમાંથી આયાત સસ્તા માલ-સામાનને લીધે ગુજરાતમાં પટેલોની માલિકીવાળી 48,000 જેટલી નાની અને મધ્યમ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. આથી તેમને તેમના ભવિષ્યની ચિંતા સતાવા લાગી છે, એટલે સમુદાય દ્વારા આનામતની માંગણી માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. પણ અનામતની મર્યાદા પચાસ ટકા જ હોવાથી તેમને અનામત મળવાનો અવકાશ ઓછો છે.

પટેલ સમુદાયનું હાર્દિકને સમર્થન

“પટેલોને લાગે છે કે તે પાછળ રહી ગયા છે. સમુદાયના મોટા ભાગના લોકોનું અનામત માટે સમર્થન છે.” વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 115 બેઠકો જીતી હતી.

તેના બે વર્ષ બાદ લોકસભામાં ભવ્ય વિજય સાથે કેન્દ્રમાં સરકાર બનાવી, ત્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદી જેવો કોઈ રાજનેતા જોવા નથી મળ્યા. આ કારણે ગુજરાતમાં ભાજપ અજેય રહે એવી શક્યતા પર સવાલ છે. હાર્દિક પટેલના સમુદાયે ભાજપ માટે ચૂંટણીમાં પડકાર સર્જ્યો છે, અને છઠ્ઠી વખત વિજયને તે નુકશાન પહોંચાડશે તેવી ચીમકીને પગલે ભાજપે એકાએક પીછેહઠ કરી છે.

ચૂંટણીમાં પાટીદાર પરિબળની કેટલી અસર?

પટેલ સમુદાય 70થી વધુ બેઠકો પર અસર કરી શકે છે. ભાજપ તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એવું જણાઈ રહ્યું છે. બે વર્ષ અગાઉ પાટીદારોએ કરેલા અનામત આંદોલનમાં 14 પાટીદારોના મૃત્યુ થયા હતા. હાર્દિક પટેલ પર પણ રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો હતો અને તેમણે નવ મહિના જેલની સજા ભોગવી. વળી, છ મહિના રાજ્યની બહાર રહેવાની શરતે તેમને કોર્ટે જામીન આપ્યા હતા.

હાર્દિકની લોકપ્રિયતા

જેલ અને રાજ્યની બહાર રહેવાની બાબતે હાર્દિક પટેલને પાટીદારોની નજરમાં હીરો બનાવી દીધા. તલાળાના એક નાનકડા ગામમાં સમર્થકો તેને મસીહા તરીકે વધાવે છે. અને હાર્દિકને ગીરના સિંહોની તસવીર ભેટ કરે છે. તેમાંના એક સમર્થકે કહ્યું, “અમારી વચ્ચે તે એક સાચો સિંહ છે.” મોદી સરકાર પર પુસ્તક લખનાર અને વરિષ્ઠ પત્રકાર ઉદય મહુરકર કહે છે, “2002 બાદ આ વખતે ભાજપ માટે ચૂંટણી પહેલી વાર પડકારજનક છે. “હાર્દિક પટેલની ચેતવણી ગંભીર છે. અને તે ગુજરાત ચૂંટણીની સૌથી મોટી સ્ટોરી છે.”

હાર્દિક તેમની કારમાંથી જ લોકોનું અભિવાદન કરે છે અને પછી તેમાંથી ઉતરીને સમર્થકોને મળવા જાય છે. મહિલાઓ તેમના લલાટ પર તિલક કરે છે અને મીઠાઈ ખવડાવી તેની સાથે સેલ્ફી લે છે. કોઈ પણ જાતના પક્ષ વગરના આ ચાહકો છે પણ તેમનું સમર્થન ખૂબ જ નોંધનીય છે.

સમર્થકો એક સૂરમાં સૂત્ર ઉચ્ચારે છે, “હાર્દિક તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ.” તથા મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી તેમને એકસાથે રોશની કરે છે.

ગત મહિને હાર્દિકે કોંગ્રેસને ટેકાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લે 1885માં ચૂંટણી જીતી હતી. પણ રાજ્યની ચૂંટણીમાં લોકપ્રિય 30 ટકા મત મેળવવામાં તે સતત સફળ રહ્યો છે.રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પણ આક્રમક બની છે અને તેણે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી સાથે જોડાણ કર્યું છે.

ત્રણેયનો હેતુ ભાજપને હરાવવાનો જ છે. આ એક અલગ પ્રકારનું જોડાણ છે, જેમાં ભાજપને હરાવનારા એક મંચ પર ભેગા થયા છે. તેમાં અનામતનો લાભ લેનારા ઓબીસી અને દલિત પણ છે, તો અનામતની માંગણી કરતા પટેલ પણ છે. ભૂતકાળમાં આ બન્ને જૂથોની માગણી એકબીજાથી વિરોધાભાસી હતી.

ક્યાં રહે છે હાર્દિક પટેલ

અમદાવાદથી અંદાજે 60 કિલોમીટર દૂર આવેલું છે વીરમગામ. વીરમગામમાં હાર્દિક પટેલનું ઘર છે, જ્યાં તેના પિતા ભરતભાઈ પટેલ અને માતા ઉષાબહેન રહે છે. હાર્દિક પટેલનું ઘર એકદમ સામાન્ય છે.

નાનકડા ડ્રોઈંગ રૂમમાં સરદાર પટેલના બે ફોટોગ્રાફ્સ અને એક મૂર્તિ છે. હાર્દિકને સન્માનમાં આપવામાં આવેલી કેટલીક ચીજો પણ ત્યાં રાખવામાં આવી છે. એ પૈકીના સન્માનપત્ર પર હાર્દિકનો ફોટો છે.

બીજેપીમાં જોડાયેલા હતા હાર્દિકના પપ્પા

ભરતભાઈએ જણાવ્યું હતું કે ઘર તેમણે અઢી લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યું હતું. વીરમગામથી 6-7 કિલોમીટર દૂર ચંદ્રનગરમાં તેમનું પૈતૃક ગામ છે. ત્યાં તેઓ ખેતી કરતા હતા. ભરતભાઈના પપ્પાની 80 વીઘા જમીન છે, જેમાં તેઓ કપાસ, જીરૂં અને ગુવારનો પાક લેતા હતા.

રાજ્યના કુલ મતદારો પૈકીનો 18 ટકા પાટીદાર સમુદાય ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના પરંપરાગત મતદારો ગણાય છે. તેમના માટે અનામતની માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેજા હેઠળ આંદોલન શરૂ કરીને હાર્દિક પટેલે સત્તાધારી બીજેપી માટે સમસ્યા સર્જી છે. જોકે હાર્દિકના પપ્પા લાંબા સમય સુધી બીજેપી સાથે જોડાયેલા રહ્યા હતા.

ભરતભાઈએ કહ્યું હતું, ”હું પહેલેથી જ બીજેપી સાથે જોડાયેલો હતો. એ સમયે મારી પાસે એક જીપ હતી. મારી જીપમાં હું બીજેપીનો પ્રચાર કરતો હતો. હું વાહન ચલાવતો હતો અને (ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) આનંદીબહેન પટેલ મારી બાજુમાં બેસતાં હતાં.

આનંદીબહેને મને ઘણાં વર્ષો સુધી રાખડી મોકલી હતી. તેઓ મારી ઘરે જમવા પણ આવ્યાં હતાં. તેથી હાર્દિકે પાસના આંદોલનમાં આનંદીબહેનનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમને હંમેશા ફોઈ કહ્યાં હતાં.”

51 વર્ષના ભરતભાઈ આઠમા ધોરણ સુધી જ ભણ્યા છે, પણ રાજકીય સવાલોના જવાબ ચતુરાઈપૂર્વક આપે છે. ઉષાબહેન હિંદી સમજે છે, પણ બોલે છે ગુજરાતીમાં જ. હાર્દિક એટલો આક્રમક છે કે ઘણીવાર એ હિંસાની તરફેણ કરવા લાગે છે, એવું શા માટે?

આ સવાલના જવાબમાં ઉષાબહેને કહ્યું હતું, ”મારો દીકરો સાચું બોલે છે અને સાચું બોલતા લોકોની ભાષા લોકોને ઉગ્ર જ લાગતી હોય છે.”

રાજ્યસભાની ટિકિટની ઓફર

પોતાનો દીકરો રાજકારણ રમતો હોવાનું ભરતભાઈ સ્વીકારતા નથી. તેમણે કહ્યું હતું, ”આ રાજકારણ નથી, આંદોલન છે. હાર્દિકની ઉંમર જ રાજકારણ રમવાની નથી. એ તો સમાજ માટે કામ કરી રહ્યો છે અને અમને તેનો ગર્વ છે.”

ભરતભાઈએ જણાવ્યું હતું કે હાર્દિકને મોટા અનેક નેતાઓએ રાજ્યસભાની ટિકિટ ઓફર કરી હતી. હાર્દિકને રાજકારણ રમવું હોત તો તેણે એ ઓફર સ્વીકારી લીધી હોત. ભરતભાઈએ કહ્યું હતું, ”અમે કોઈનાથી ડરતા નથી. મારો દીકરો પણ કોઈથી ડરતો નથી. અમે એકેય ખોટું કામ કર્યું નથી.”

હાર્દિક પટેલનો મુખ્ય મુદ્દો પાટીદારો માટે અનામતની વ્યવસ્થાનો છે. સત્તા મળે તો પાટીદારોને કઈ ફોર્મ્યૂલા હેઠળ અનામત આપવી એ મુદ્દે કોંગ્રેસ સાથે તેની વાતચીત ચાલી રહી છે.

પાટીદારો માટે અનામતની હાર્દિકની માગણી સાથે ભરતભાઈ સહમત છે, પણ બીજેપી અંગે તેમની નારાજગીનું કારણ અલગ છે. ભરતભાઈએ કહ્યું હતું, ”બીજેપી અમારી દુશ્મન નથી અને કોંગ્રેસ અમારો ભાઈ નથી, પણ અમારા 14 પાટીદાર યુવાનો કોઈકને કારણે તો મર્યા હતા. નિયમ અનુસાર અનામત આપી ન શકાય એમ હોય તો ન આપો, પણ જેમણે અમારા બાળકોની હત્યા કરી હતી એ લોકો સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી શા માટે થઈ નથી?”

પાસના આંદોલનની ચૂંટણી પરની અસર સંબંધે ભરતભાઈએ કહ્યું હતું, ”બીજેપીને મત નહીં આપવાનું અમે લોકોને જણાવીશું, પણ કોંગ્રેસને મત આપો એવું નહીં કહીએ.”

હાર્દિક સરેરાશ સ્ટુડન્ટ

ઉષાબહેને કહ્યું હતું, ”હાર્દિક ભણવામાં સરેરાશ સ્ટુડન્ટ હતો.”

ભરતભાઈએ કહ્યું હતું, ”હાર્દિક ભણવામાં 100માંથી 50 ટકા હતો.”

જોકે, આજના સમયમાં જેને ‘નેતાગીરી’ કહેવામાં આવે છે તેની ઝલક હાર્દિક નાનો હતો ત્યારથી જ તેના વ્યક્તિત્વમાં જોવા મળતી હતી. લાલજીભાઈ પટેલના વડપણ હેઠળના સરદાર પટેલ ગ્રુપ(એસપીજી) સાથે હાર્દિક જોડાયેલો હતો. એ સમયથી હાર્દિક રક્તદાન અને એવા બીજા કાર્યક્રમોનું આયોજન કરતો હતો. પછી તેણે પોતાનું અલગ સંગઠન બનાવ્યું હતું.

રોષનું કારણ

પાટીદાર સમાજ ખેતી અને વેપાર માટે વધારે ઓળખાય છે. સુરતમાં ટેક્સટાઈલ અને ડાયમંડના બિઝનેસ સાથે ઘણા પાટીદારો સંકળાયેલા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના પાટીદારો ખેતી કરે છે. ટેક્સટાઈલ અને ડાયમંડના બિઝનેસમાં વિવિધ કારણોસર આવેલી મંદી તથા વધતી બેરોજગારીને કારણે પાટીદાર સમાજમાં રોષે આકાર લીધો હતો.

ભરતભાઈએ જણાવ્યું હતું કે એ પછી હાર્દિકે એટલા ગામોનો પ્રવાસ કર્યો હતો કે એ ત્રણ મહિના સુધી ઘરે આવ્યો ન હતો. હાર્દિકે અલગ-અલગ જગ્યાએથી યુવાનોને એકઠા કર્યા હતા. પછી એક દિવસે એસપીજી સાથે મળીને પાટીદાર સમાજની એક રેલીનું આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કર્યું હતું. એ રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ હાર્દિકને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો.


હાર્દિકની લોકપ્રિયતા માટે બીજેપી જવાબદાર

ગુજરાતમાં હાર્દિકની આજે જે લોકપ્રિયતા છે એ પરિસ્થિતિ માટે બીજેપી જવાબદાર છે. ”પાટીદારોના યુવાવર્ગનો મોટો હિસ્સો હાર્દિકની સાથે છે.” “બીજેપી સરકાર સાથે જેટલીવાર તેમની ટક્કર થઈ છે એટલીવાર બીજેપીની તાકાત તેમની સામે હારી છે.”

ભરતભાઈએ જણાવ્યું હતું કે બીજેપી સાથે તેમની વૈચારિક લડાઈ નથી. હાર્દિક પાસે પાટીદારો માટે અનામતનો અસ્થાયી લાગતો મુદ્દો છે. હાર્દિક નક્કર વૈચારિક આધાર વિના માત્ર લોકપ્રિયતાને આધારે આગળ વધતો હોવાની ટીકા હાર્દિકના ટીકાકારો કરે છે.

આ એક નારાજગી છે અને નારાજગી પોતાનો નેતા આપોઆપ બનાવતી હોય છે. નારાજગી ઓબીસી તથા દલિતોમાં પણ છે અને ત્રણેય સમુદાયમાં યુવા નેતાઓએ માથું ઉંચક્યું છે. આ વોટ બેન્ક અંદરોઅંદર લડતી નથી, પણ એકમેકની સાથે ચાલી રહી છે. ત્રણેય નેતા જાણે છે કે બીજેપી સાથે હાથ મિલાવવાથી તેમના રાજકારણનો અંત આવી જશે.

પટેલોમાં હાર્દિક બાબતે ભિન્નમત

વીરમગામથી થોડે દૂર આવેલા ગામમાં જ હાર્દિક વિશે પટેલોમાં ભિન્નમત પ્રવર્તે છે. ગામમાં અમુક લોકોએ કહ્યું હતું, પાટીદાર આંદોલનમાં મૃત્યું પામેલા 14 લોકોની વાત કરવામાં આવી રહી છે, પણ તેમની અંતિમયાત્રામાં કોઈ ગયું ન હતું. હાર્દિક પટેલ અહીં આંટા મારતા હતા ત્યારે તેની દરકાર કોઈ કરતું ન હતું. હવે હાર્દિક ફોર્ચ્યૂનર કારમાં ફરે છે. વિકાસ માત્ર તેનો થયો છે. હાર્દિક પટેલે પક્ષ બદલી નાખ્યો છે.

પહેલાં એ બીજેપી પાસે કામ કરાવવા ઈચ્છતો હતો, પણ કામ ન થયું એટલે એ કોંગ્રેસના દરવાજે ચાલ્યો ગયો છે. એ અનામતની વાત કરે છે, પણ અનામત મળવાની નથી. એક અન્ય વ્યક્તિએ કહ્યું હતું, ”હાર્દિક પટેલ મારી કોમના નથી, પણ પોતાનો હક્ક માગવાનો અધિકાર બંધારણે બધાને આપ્યો છે. તેમાં કંઈ ખોટું નથી. ભરતભાઈ આજે પણ માને છે કે ભૂતકાળમાં બીજેપી માટે કામ કરીને તેમણે કોઈ ભૂલ નથી કરી. બીજેપીએ કેટલાંક ખરાબ કામ કર્યાં હોવાથી તેઓ નારાજ છે.


હાર્દિક પટેલની બહેનના લગ્નના, રાજકીય હસ્તીઓ પણ આવી લગ્નમાં

પાટીદાર અનામત આંદોલન ના નેતા હાર્દિક પટેલની બહેન મોનિકા પટેલના લગ્નની ઉજવણી બે દિવસથી વિરમગામ ખાતે થઈ થી છે. હાર્દિક ની બહેન મોનિકા પટેલના લગ્ન ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યા છે.હાર્દિક લગભગ બે વર્ષ પેહલા એકદમ લો પ્રોફાઈલ જીવન પસાર કરતો હતો ત્યારે હવે અચાનક આવેલા આ પરિવર્તન થી વિરમગામવાસીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે.મોનીકા પટેલના લગ્નમાં ઘણી રાજકીય હસ્તીઓ એ પણ હાજરી આપી હતી જેમાં કોગ્રેસના ઘણા નેતાઓનો સમાવેશ થાય છે.જુઓ કેવા ભવ્ય હતા લગ્ન,

સંગીત સંધ્યામાં પ્રખ્યાત ગાયિકા અલ્પા પટેલે પોતાના સુર રેલાવ્યા હતા.

લગ્નમાં વિશ્વ હિંદુ પરિષદના નેતા ડો.પ્રવીણ તોગડિયા પણ હાજર રહ્યા હતા.

( Source By : Ttrishul News )

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here