ગુજરાત કોંગ્રેસની નાદારી…? ચૂંટણીની જાહેરાતો છાપી અખબારો ફસાયા…

0
116
Advertisement
Loading...

કોંગ્રેસના તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ એમ કહ્યું હતું કે તેમની સરકાર દિલ્હીથી એક રુપિયો મોકલે છે પરંતુ લાભાર્થી સુધી માત્ર 15 પૈસા જ પહોંચે છે. રાજીવ ગાંધીના આ શબ્દો સાચા પડતા હોય કે સાચા પડ્યા હોય તેમ ગુજરાત કોંગ્રેસમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં નાના મોટા અખબારોને જાહેરખબરો આપવા માટે પૂરતું ભંડોળ મોકલવામાં આવ્યું હતું પરંતુ જે અંદાજે 70 કરોડ રૂપિયા નાના મોટા અખબારોને લેવાના નિકળે છે તેમાંથી મોટા અખબારોને બીલનું ચૂકવણું કરી દઈને લઘુ અને મધ્યમ અખબારોને રખડાવી દેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી અને જાહેરખબર આપનાર વિજ્ઞાપન એજન્સી નિક્શન દ્વારા એકબીજા પર દોષનો ટોપલો ઠોળવામાં આવી રહ્યો છે. જેનો ભોગ લઘુ અને મધ્યમ અખબારો બની રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભા ચૂંટણીઓ દરમ્યાન ગુજરાત કોંગ્રેસે નિક્શન એજન્સી દ્વારા અખબારોને જાહેરખબરો આપી હતી. અંદાજે 70 કરોડ રૂપિયા આ જાહેરખબરોનું બિલ બન્યું છે. ચૂંટણીઓ પૂરી થયાને 100 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો પરંતુ લઘુ અને મધ્યમ અખબારોને ચૂકવણું નહીં થતાં કોંગ્રેસના વિજ્ઞાપન ઈન્ચાર્જ સિદ્ધાર્થ પટેલનો કેટલાક લઘુ અને મધ્યમ અખબારોના માલિકો દ્વારા સંપર્ક કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અમે તો નિક્શનને પૈસા આપી દીધા છે. જ્યારે નિકશન અજન્સી એમ કહે છે કે 70 કરોડમાંથી 30 કરોડ જ મળ્યાં છે અને મોટા અખબારોને ચૂકવી દેવામાં આવ્યાં છે. એક અખબારના માલિકે સિદ્ધાર્થ પટેલને મોઢામોઢ પૂછી લીધું કે શું અમારે એમ સમજી લેવું કે કોંગ્રેસ પાસે ભંડોળ નથી અથવા અમને પેમેન્ટ નહીં મળે ત્યારે સિધાર્થ પટેલે ઠાવકાઈથી એમ કહ્યું કે એમ જ માની લો. તેમનો આ જવાબ કોઈપણ રાજકીય નેતાને શોભે તેમ નથી. નિક્શન એજન્સી દાવો કરે છે કે અમને તમામ બીલો જેટલી રકમ મળી નથી જ્યારે પ્રદેશ કોંગ્રેસ કહે છે કે અમે તો આપી દીધા તો વળી એમ પણ કહે છે કે કદાચ ચૂકવણું ન પણ મળે. આવું કેમ? કોંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસને અખબારોના જાહેરખબરના પૈસા ઉપરાંત ચૂંટણીખર્ચ પેટે પણ કરોડો કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા.

2017ની ગુજરાતની ચૂંટણીઓ કોંગ્રેસે જે રીતે લડી તે જોઈને મોટાભાગનાને એમ થયું હતું કે કોંગ્રેસે પૂરતુ જ નહીં પણ વધારે ભંડોળ આપ્યું છે. જો રાહુલ ગાંધીએ પૂરતું ભંડોળ મોકલ્યું હોય તો એ પૈસા ક્યાં ગયા? શું ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીના એ શબ્દોને સાચા પાડવા માગે છે કે દિલ્હી થી એક રૂપિયો મોકલાય છે અને લાભાર્થી સુધી 15 પૈસા પહોંચે તો આ કિસ્સામાં 85 ટકા જાહેરખબરનો ભંડોળ કોઈ ખાઈ ગયું? ગુજરાત કોંગ્રેસમાં એવા કયા નેતાઓ છે કે જેઓ અખબારો અને ખાસ કરીને લધુ અને મધ્યમ અખબારોના કરોડો રૂપિયા ખાઈ ગયા? શું કોંગ્રેસની આવી નીતિ અને આ પ્રકારનો અખબારો સાથેનો વ્યવહાર યોગ્ય કહી શકાય?

ચૂંટણીઓ પૂરી થતી નથી. એક પછી એક ચૂંટણીઓ આવે જ છે. લોકસભાની ચૂંટણીઓ દૂર નથી ત્યારે શું તે વખતે પણ અખબારો જોડે આવો જ અપૂરતો નાણાંકીય વ્યવહાર કરવામાં આવશે. એક અખબારના માલિકે તો પોતાની હૈયાવરાળ ઠાલવતા એમ પણ કહ્યું કે તો પછી અમારે એવું કરવું પડે કે કોંગ્રેસ પાસેથી જાહેરખબરના પૈસા એડવાન્સ લઇને પછી જ જાહેરખબર છાપવી પડશે. કોંગ્રેસનું આ વલણ લઘુ અને મધ્યમ અખબારોમાં ટીકાપાત્ર બની રહ્યું છે અને કેટલાક અખબારોના માલિકો રાહુલ ગાંધી સમક્ષ આ સમગ્ર કાચો ચિઠ્ઠો રજૂ કરવાની તૈયારી પણ કરી રહ્યાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here