અન્નનળી વગર કુદરતી ખામીવાળા દીકરાનો જન્મ થતાં જનેતા તેને હોસ્પિટલમાં જ કથિત રીતે છોડીને પિયર જતી રહી હતી. ત્યાર બાદ પિતા અને દાદા-દાદીએ માતા કરતાં પણ વધારે સારી રીતે બાળકની દેખરેખ રાખી હતી. યોગ્ય વિકાસના અભાવે એક વર્ષ બાદ બાળકનું બ્રેઈન ડેડ થઈ ગયું હતું. આ અંગે ડૉક્ટર્સે એવો અભિપ્રાય આપ્યો હતો કે, બાળકને માતાનું દૂધ, હૂંફ અને પ્રેમ નહીં મળતા બાળક બ્રેઈન ડેડ થયું છે.આ બાળકનું (12 માર્ચ) સિવિલ હોસ્પિટલમાં નિધન થયું હતું ફૂલ જેવા કોમળ બાળકને કુદરતની ક્રૂરતા અને માતાની સંવેદનહીનતાને કારણે બાળક રૂદ્ર ન બચ્યો ત્યારે તેને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તેના દાદા ડી એસ પટેલે સોશિયલ મીડિયા પર પત્ર લખ્યો છે. આ પત્રને શબ્દસહઃ અહીં મૂકવામાં આવ્યો છે.
શું લખ્યું છે દાદા ડી. એસ. પટેલે પત્રમાં
મિત્રો આ શ્રધ્ધાંજલી અહી શેર કરવાનો મારો હેતુ એટલો જ છે કે જેટલા વધારે મિત્રો ફૂલ જેવા મારા પૌત્ર રુદ્રના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરશે તો જરૂર સાંભળશે જેમ સરકાર પણ બહુમતી લોકોનો અવાજ વહેલા સાંભળે છે એમ જ…અવાજ વહેલા સાંભળે છે એમ જ…અને જીવતાં તો રુદ્ર સુખ ના પામ્યો પણ મૃત્યુ પછી ભગવાન તેના આત્માને શાંતિ અને સદગતિ આપે એટલી જ અપેક્ષા… આપ પણ શેયર કરશો..
અતિ પ્રિય રુદ્ર,
તારી ટૂંકી અને દુઃખદ જીવનયાત્રા ને શબ્દો દ્વારા સહદયી શ્રધ્ધાંજલી અર્પણ કરું છું…
ફૂલ ગયું ને ફોરમ રહી
જીવ્યો થોડું પણ
યાદો ખૂબ જ મુકી ગયો,
તેં ખૂબ જ દુઃખ સહન કર્યું,
એના માટે એમ કહી શકાય કે
“*એક કીડીને કાંસના ડામ દેવાયા”
તારી સાથે ખૂબ જ અન્યાય થયો છે બેટા,
કુદરતી રીતે જ તું માતાના પ્રેમ, દૂધ તથા હૂંફ નો અધિકારી હોવા છતાં એમાં નું કંઈ જ પામ્યો નહીં,
કુદરતી ખામી સાથે તારો જન્મ થતાં જ તારી કઠોર હૃદયની માતાએ તને તરછોડી દીધો,
જેથી તને પાવડરના દૂધ અને દવાઓના સહારે જ ઉછેરવામાં આવ્યો,
જેથી તારો યોગ્ય વિકાસ થયો નહીં તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી રહી,
જન્મથી જ તું કુદરતી ખામી ધરાવતો હોઈ (અન્નનળી નહોતી)બેટા તારા પર જન્મના ત્રીજા દિવસે જ જઠરમાં ખોરાક આપવા માટે પાઈપ મુકવાની સર્જરી થઈ,જેથી બે વીક સુધી આઈસીયુમાં વેન્ટિલેટર તથા ઓક્સિજન પર રાખવામાં આવ્યો, પાઈપ દ્વારા રાતદિવસ થઈ આઠ આઠ વખત પાવડરનુ દૂધ આપી આપીને માંડ માંડ તને નવ મહિનાનો કર્યો, આ સમય દરમિયાન પચાસેક વખત પાઈપ નીકળી ગઈ હશે જે નાંખતી વખતે પણ તને ખૂબ જ દુઃખ પડતું , ઘણી વખત બ્લડીંગ પણ થતું તો બે-ત્રણ દિવસ ડ્રેસિંગ કરવું પડતું અને આવી રોજીંદી યાતનામાંથી છોડાવવા અને તને સારું થઈ જાય અને કદાચ તારી માતા આવી જાય એવી અપેક્ષાએ તથા ખ્યાતનામ અને 40 વર્ષના અનુભવી ડૉ. અનિરુદ્ધ સાહેબે સારું થઈ જશે તેવો વિશ્ચાસ આપતાં મોટું ઓપરેશન કરાવ્યું અને તારે લાંબા સમય સુધી હોસ્પિટલમાં આઈસીયુમાં ઓક્સિજન અને વેન્ટિલેટર ના સહારે રહેવું પડયું, પછી ફેફસાંમાં ઇન્ફેક્શન થવાના કારણે એનેસ્થેસિયા આપી સર્જરી કરી બંને સાઈડ ટ્યુબ મુકવામાં આવેલ પછી ટ્યુબ કાઢવા માટે એનેસ્થેસિયા આપવામાં આવેલ આમ બેટા તું ફૂલ જેવો માસુમ હોવા છતાં તને
ચાર ચાર વખત એનેસ્થેસિયા અપાયો, અનેકવાર સર્જરી થઈ,
રીકવરી માટે એન્ટીબાયોટીક દવાઓના ભારે ડોઝ આપવા પડ્યા,
આ બધું ઓછું હોય તેમ અન્નનળી માટેના મોટા ઓપરેશન પછી ફેફસાંમાં ઇન્ફેક્શન તથા ન્યૂમોનિયા ની અસર થઈ,
બબ્બે વખત કાર્ડિયાક એરેસ્ટ થયું,
ડોક્ટરોએ હાર્ટ પર મસાજ કરી તથા ડાયરેક્ટ હાર્ટમાં ઇંજેક્શન આપી બંને વખતે હાર્ટ તો ચાલુ કરી દીધું પણ
તારું બ્રેઈન ડેડ થયું,
ભગવાન દ્વારા તારા સર્જનમાં રહી ગયેલ ખામી તો ડોક્ટરના સ્વરૂપે સુધારી લીધી પણ
બ્રેઈન ડેડના લીધે તારું હસવાનું, જોવાનું, સાંભળવાનું કે ઓળખવાનું બંધ થઈ ગયું,
બ્રેઈન ડેડ ના કારણે તારો સ્નાયુઓ પરનો કંટ્રોલ ના રહ્યો, જેથી હાથ પગનું હલનચલન બંધ થઈ ગયું
જાતે પડખું પણ બદલી શકતો નહીં અને આ બધાને લઈને દૂધ કે જ્યુસ જેવા પ્રવાહી ખોરાકનું પણ પાચન બરાબર થતું નહી અને દૂધથી અવારનવાર કફ થઈ જવાથી અનેક પ્રયત્નો છતાં તારું વજન પણ વધ્યું નહીં,
બ્રેઈન ડેડ ના કારણે અવારનવાર ખેંચ આવતી,
દવાઓ ચાલું હોવા છતાં દિવસે દિવસે ખેંચ વધતી જ ગઈ
ફરીથી તને ન્યૂમોનિયાની પણ અસર થઈ, જેની સારવાર માટે 15 દિવસ સીવીલ હોસ્પિટલ PICU unit માં ઓક્સિજન પર રાખવામાં આવ્યો, છેલ્લે છેલ્લે ડોકટરના સુચન મુજબ મેટાબોલીઝમ (પાચન શક્તિ) ની તપાસ માટે તારા બ્લડ તથા યુરીન ના સેમ્પલ બેંગ્લોર મોકલી મોંઘા રીપોર્ટ પણ કરાવ્યા
આમ બેટા તને સાજો અને સારો કરવા અમે દાદા, દાદી, તારા પપ્પા તથા તારી માતા સિવાયના તમામ પરિવારજનોએ તેમજ ડોક્ટરોએ કોઈ જ કચાશ રાખી નથી અને મોટા મેડીકલ ખર્ચ કરવા છતાં તું સાજો સારો થઈ શક્યો નહીં, એક કચાશ રહી ગઈ તો ફક્ત માતાના દૂધ, પ્રેમ અને હુંફ ની જ રહી ગઈ,તારી માતાને લાવવા માટે ફોનથી, રુબરુમાં, સામાજીક વ્યક્તિ દ્વારા એમ અનેક પ્રયત્નો કર્યા તથા આ બધી જ હકીકતના ફોટાઓ તથા મેસેજ વોટ્સએપ દ્વારા મોકલવા છતાં તારા મૃત્યુ પર્યંત તે આવી નહીં
જેનો ખૂબ જ અફસોસ છે,
ના તું ચોકલેટ કે સારી વસ્તુ ખાઈ શક્યો કે ના કોઈ રમકડાં રમી શક્યો,
કે ના મંદિર, મેળા કે ગાર્ડનમાં જઈ શક્યો અને તારા નસીબમાં જન્મથી લઈને મૃત્યુ સુધી દૂધ, દુઃખ, દવાઓ અને દવાખાના જ રહ્યા.
અને અંતે બેટા તું પ્રભુને પ્યારો થઈ ગયો અને ટૂંકા જીવનમાં પણ ખૂબ જ યાદો મુકી ગયો
ભગવાન તારા આત્માને શાંતિ આપે એ જ અંતઃકરણ ની પ્રાર્થના-ડી એસ પટેલ (રુદ્રના દાદા) તથા પરિવાર