(GNS) ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાથી કોંગ્રેસમાં અનેક સ્થાનિક સરકારમાં વિરોધ અને વિખવાદ ચાલી રહ્યાં છે. જેમાં પાટણમાં ઓગસ્ટ ૨૦૧૭થી કોંગ્રેસની સત્તા ધરાવતી નગરપાલિકામાં રાજકીય કાવાદાવા થઈ રહ્યાં છે. જે કોંગ્રેસના નેતા ભરત સોલંકી અને સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ માટે પડકાર છે. તેઓ બન્ને કોંગ્રેસના સળગી રહેલાં વિખવાદ પર ઠંડુ પાણી નાંખવાના બદલે મૌન રહીને પેટ્રોલ છાંટવાનું કામ કરી રહ્યાં છે.
૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭થી અહીંની નગરપાલિકામાં ખાસ તાકીદની બેઠક બોલાવીને કારોબારી અધ્યક્ષ મુકેશ પટેલને ઊથલાવી દેવાયા હતા. આમ કોંગ્રેસ પ્રદેશ પક્ષે અગાઉ આપેલા આદેશ સામે પક્ષના જ પાટણના સભ્યો પડી ગયા હતા. કારણ કે તેઓ સભ્યોની ભ્રષ્ટ ભલામણો માની રહ્યાં ન હતા અને પ્રદેશના નેતાઓને મહિને નાણાકીય મદદ કરતાં ન હતી. મુકેશ પટેલને પદભ્રષ્ટ કરીને તેમના સ્થાને અતુલ પટેલને બેસાડી દેવાયા હતા. જેને કાયદાકીય રીતે મંજૂરી આપવા માટે બોર્ડની બેઠક મળી હતી જેમાં અતુલ પટેલની નિમણૂક અયોગ્ય છે એવો ઠરાવ કોંગ્રેસના જ સભ્ય મધુ પટેલે મૂકી હતી જેને પ્રવીણ વાણીયાએ દરખાસ્તને ટેકો આપ્યો હતો.
આ શિસ્ત ભંગ બદલ આજે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ પ્રદેશ પક્ષમાં ભારે હોબાળો મચી ગયો છે. કારણ કે તેની સામે વિરોધ પક્ષ ભાજપે વિરોધ કર્યો હતો તેથી મતદાન કરાયું હતું જેમાં કોંગ્રેસના ૨૧ સભ્યોએ દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. તરફેણમાં ૨૩ સભ્યો થવા જોઈતા હતા તે ન થતાં બળવાખોરોનો વિજય થયો હતો. તેથી અતુલ પટેલની નિમણૂક રદ કરવાની દરખાસ્ત ઊડી ગઈ હતી તેથી અતુલ પટેલ કારોબારી અધ્યક્ષ તરીકે ચાલુ રહ્યાં હતા.
આમ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી અને ધારાસભ્ય કિરીટ પટેલ પક્ષ પર કાબુ રાખવામાં નિષ્ફળ રહ્યાં હતા. આવું પાટણમાં થાય છે એવું નથી. રાજ્યમાં અનેક સ્થળે આવી પક્ષ વિરોધી હરકતો થઈ રહી છે. પક્ષના સભ્યો ભ્રષ્ટાચાર અને કાવાદાવા કરતાં રહેતાં હોવાથી પ્રજાના કામો થઈ શકતાં ન હોવાની અનેક સ્થળેથી ફરિયાદો આવી રહી છે. છતાં પ્રદેશ પ્રમુખ નિષ્ક્રિય છે.