ભાજપે હિન્દુત્વના મુદ્દે હિન્દુઓને મુર્ખ બનાવ્યા છે- ડો.પ્રવીણ તોગડીયા

0
209
BJP has fooled the Hindus on the issue of Hinduism - Dr. Praveen Togadia
Advertisement
Loading...

(જી.એન.એસ.) વિશ્વ હિન્દૂ પરિષદના આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયાને હોસ્પિટલમાંથી ડોક્ટરે રજા આપ્યા બાદ આક્રામક વલણ અખત્યાર કરી ખુલ્લેઆમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નિશાન બનાવતા આક્ષેપોની ઝડી વરસાવી છે અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે,કે ભટ્ટ વડાપ્રધાન સાથે સતત હોવાનો આરોપ મૂકીને ભટ્ટની કોલ ડિટેઇલ કઢાવવા માંગણી કરી છે. ડો,તોગડિયાએ આરએસએસના નેતા સંજય જોશીની કથિત અભદ્ર સીડી બનાવવામાં કોનો હાથ હતો તેનું રહસ્ય પણ સમય આવ્યે ખોલવા ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રેસ કોન્ફરન્સ પછી ગુજરાત અને દેશના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે વીએચપીના નેતા પ્રવીણ તોગડીયાને હોસ્પિટલમાંથી બહાર નીકળીને તોગડીયાએ મીડિયા સાથે વાત કરી હતી. પોતાના વાઈરલ થયેલા વીડિયો મુદ્દે પ્રવીણ તોગડીયાએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાંચ દ્વારા સિલેક્ટિવ વીડિયો મીડિયાને આપવામાં આવ્યા છે. તો આ સાથે જ ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જે કે ભટ્ટ દિલ્હી પોલિટિકલ બોસના ઈશારે કામ કરે છે. અને સાથે જ તેમણે જણાવ્યું કે હું ક્રાઈમ બ્રાંચ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ. મારા વિરૂદ્ધ ખોટા વીડિયો વાઈરલ થયા છે. તોગડીયાએ જણાવ્યું કે જે.કે.ભટ્ટે છેલ્લા 15 દિવસમાં કેટલી વાર પીએમ સાથે વાત કરી છે તેની કોલ ડીટેલ્સ જાહેર કરવામાં આવે.

તોગડીયાએ સ્પષ્ટપણે ક્રાઈમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ પર આરોપો લગાવ્યા છે. તોગડીયાએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાંચ પ્રત્યે મને માન છે. ક્રાઈમબ્રાંચને પોલીટીકલ ષડયંત્રનો ભાગ ન બનાવો. સાથે જ તેમણે જણાવ્યું કે રાત્રે બે વાગ્યે કોઈને ઉઠાડીને સવાલ કરવાનો કાયદો ક્યાં છે. પ્રવિણ તોગડીયાએ જણાવ્યું કે ગુજરાત પોલીસની છબીને ડાઘ લાગે તેવું હું ઈચ્છતો નથી. તોગડીયાએ જણાવ્યું કે હું ક્રાઈમબ્રાંચ વિરૂદ્ધ કાર્યવાહી કરીશ અને સત્યનો વિજય થશે.

અહિં એક વાત નોંધવી જરુરી છે કે 1980ના દસકમાં સાથી બનેલા પ્રવિણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચે લાંબા વખતથી ચાલતુ શિતયુધ્ધ હવે સપાટી ઉપર આવ્યું છે, હમણાં સુધી પ્રવિણ તોગડિયા નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર માત્ર કેન્દ્ર સરકારના નામે પોતાની નારાજગી વ્યકત કરતા હતા, પરંતુ રાજસ્થાન કોર્ટનું વોંરંટ નિકળતા પહેલા ગુમ થઈ ગયા અને બાદમાં જાતે જ હોસ્પિટલ આવી ગયા હતા. ત્યાર બાદ આંખમાં આંસુ સાથે કરેલી પ્રેસ કોન્ફરન્સનો બાદ હિન્દુત્વના મુદ્દે આક્રમક વલણ રાખતા અને આગ ઓકતા ભાષણ કરનારા પ્રવિણ તોગડિયાની ભાગી જવાની અને રડવાની વાત ખાસ કરી હિન્દુઓને પસંદ આવી નહીં, તેના કારણે તોગડિયા બુધવારે હોસ્પિટલમાંથી રજા મળતા આક્રમક વલણ અખત્યાર કરી પહેલી વખત તેમણે સીધા નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા, જે વાત તેમના ટેકેદારોને પસંદ પડી હતી, નરેન્દ્ર મોદી દ્વારા સતત તમામ સ્તરે પ્રવિણ તોગડિયાના રાજકીય અસ્તીત્વને ખતમ કરવાના જે પ્રયાસો થઈ રહ્યો હતો, તેની સામે સતત માનસીક દબાણમાં રહેતા પ્રવિણ તોગડિયા એક તબ્બકે સખ્ત ભાંગી પડયા હતા, તેના જ કારણે તેમણે ભાગી જવાનું નાટક કર્યું હતું, તેમ તેમના નજીકના સુત્રોએ જણાવ્યું હતું.

જો કે તોગડિયાને તરત ખ્યાલ આવી ગયો કે હિંમત હારી નરેન્દ્ર મોદી સામે હથિયાર મુકી દેવાનો અર્થ નથી, તેના કારણે તેમણે હવે ખુલ્લી લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે. હમણાં સુધી બચાવાત્મક ભૂમિકામાં રહેતા પ્રવિણ તોગડિયા આક્રમણની ભૂમિકા ઘડી કાઢી છે, સુત્રોની માહિતી પ્રમાણે હવે પ્રવિણ તોગડિયા કઈ રીતે નરેન્દ્ર મોદી અને સંઘ હિન્દુત્વ સાથે છેડો ફાડી રહ્યું છે તે સંબંધમાં સંઘમાં અને જાહેરમાં બોલશે, રામ મંદિર અને કાશ્મીરના મુદ્દે કઈ રીતે નરેન્દ્ર મોદી સરકાર પીછે હટ કરી રહી છે તેનો પણ તેઓ પર્દાફાશ કરશે. રામજન્મ ભૂમિ અંગે સરકાર સંસદમાં કાયદો બનાવે તે અંગે હવે તેઓ જાહેરમાં નિવેદ કરશે અને આંદોલન પણ કરશે.

હિન્દુત્વના મુદ્દે ગુજરાત સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારમાં ભાજપ સત્તા સ્થાને આવ્યા બાદ કઈ રીતે ભાજપે હિન્દુત્વના મુદ્દે હિન્દુઓને મુર્ખ બનાવ્યા છે તે વાત પણ તેઓ લોકો સામે મુકશે, આમ ભાજપના ખોખલા હિન્દુત્વને હવે ખુદ પ્રવિણ તોગડિયા જાહેર કરવાનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદીએ હિન્દુત્વ તરફ પીઠ ફેરવી લીધી છે. તે અંગે તોગડિયાએ અનેક વખત સંઘમાં રજૂઆત કરી હોવા છતાં સંઘી નેતાઓ મોદીના પ્રભાવમાં ભિષ્મ પિતાની ભૂમિકામાં આવી ગયા હતા, તેમની પાસે પણ તોગડિયા જાહેરામાં હિસાબ માગશે, હમણાં સુધી જાહેરમાં શાંત રહેલા તોગડિયાના શબ્દો હવે ભાજપ અન સંઘની ઉંઘ ખરાબ કરી શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here