૫તંગની દોરીથી રાજ્યમાં કુલ 5 મોત અને 3 ગંભીર ઇજાગ્રસ્ત

0
213
Advertisement
Loading...

જીવલેણ ઉત્તરાયણ : વડોદરામાં યુવાન-રાજકોટમાં બાળકનું મોત : મૃતકોના ૫રિવારની મોજ-મસ્તી માતમમાં ફેરવાઇ

ઉત્તરાયણની સવારે જ ૫તંગની દોરી જીવલેણ બની હોવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. સવારના ૫હોરમાં મહેસાણામાં યુવાનનું મોત અને વડોદરાના પાદરામાં બે યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત થયા બાદ વધુ બે વ્યક્તિના મોત અને એક ઇજાગ્રસ્ત બન્યા હોવાનું બહાર આવ્યુ છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5 અને ઇજાગ્રસ્તનો આંકડો પણ 3 થઇ ગયો છે.

મહેસાણા: ગોજારીયા ગામ પાસે દોરીથી ગળું કપાતાં યુવાનનું મોત

મહેસાણાના ગોજારીયા ગામ પાસે દોરીથી ગળું કપાતા યુવાનનું મોત થયું છે. બાઇક સવાર યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઇ હતી. દોરી એવી જીવલેણ સાબિત થઇ કે 33 વર્ષના યુવાન કલ્પેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વડોદરામાં યુવાનના ગળામાં દોરી ફસાઇ જતા મોત

વડોદરાના માંજલપુર રોડ પતંગની દોરીએ એક યુવકનો જીવ લીધો છે. પ્રિયાંકભાઈ પરમાર નામનો યુવાન બાઈક પર સરસ્વતી કોમ્પ્લેક્ષ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તેમના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઇ હતી અને ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

રાજકોટમાં ૫તંગ લૂંટવા જતા માસુમ બાળક ધસમસતી ટ્રેન હડફેટે આવી ગયો

રાજકોટમાં મકારસંક્રાતિમાં પતંગ લૂંટવાની મજા એક બાળક માટે મોતની સજા બની ગઇ છે. રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં પતંગ લૂંટવા ગયેલા એક બાળકનું ટ્રેનની નીચે કપાઈ જતા મોત થયું હતુ. બાળકનું મોત થતા ભોમેશ્વર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો પરિવાર માથે આભ તૂટી પડ્યું હતુ. ઉત્તરાયણનો શુભ પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો.

પંચમહાલમાં બાઇક ચાલકનું ગળુ કપાતા ગંભીર ઇજા

બીજી તરફ પંચમહાલના શહેરા તાલુકાના મોરવા રેણા રોડ પર બાઈકચાલકનું ગળુ કપાયું હતુ. રસ્તા પરથી બાઈક લઈને પસાર થતા યુવાનના ગળાના ભાગે પતંગની દોરી વાગતાં ગળુ કપાઈ જતા તેને સારવાર અર્થે ગોધરા ખસેડાયો હતો. જો કે ગળામાં ગંભીર ઈજા થવાથી સારવાર અર્થે વડોદરા લઈ જવો પડ્યો હતો.

સુરતમાં BRTS રૂટ પર બસની અડફેટે કિશોરનું મોત

મોજ મજા અને આનંદ-ઉલ્લાસનું પર્વ ઉત્તરાયણ કેટલાક પરિવારો માટે માતમનું પર્વ બની ગયું. એકબીજાના પતંગના પેચ કાપતી ઘાતક દોરીએ રાજ્યમાં કેટલાક લોકોની જીવનની દોરી ટૂંકાવી નાંખી. સુરતમાં પતંગ પકડવા જતાં બીઆરટીએસ રૂટ પર બસની અડફેટે એક કિશોરનું મોત થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ઘટના બની કે જ્યાં પતંગ પકડવા જતાં એક કિશોર બીઆરટીએસ બસની અડફેટે આવી ગયો. પરિણામે રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બસ ચાલકની ધરપકડ કરી છે.

બનાસકાંઠામાં બાઈક ચાલકના ગળામાં દોરી ફસાતાં ઘટનાસ્થળે મોત

બનાસકાંઠાના કાંકરેજના થરા હાઇવે પર પસાર થઇ રહેલા યુવાનના જીવનની દોર પતંગની દોરીએ કાપી નાંખી. બાઇક પરથી પસાર થતી વખતે ધારદાર દોરી યુવાનના ગળામાં ફસાઇ અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here