સમસ્યા દિનરાત છે…પણ સૌ એક છે, સૌ નેક છે..હશે. ગુજરાત છે

0
127
Advertisement
Loading...

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ…નામના શહેરમાં ગુજરાતના 58મા સ્થાપના દિનની ઉજવણી થવાની છે. પહેલી મેના રોજ ગુજરાત ભાષાકિય ધોરણે તે વખતના બોમ્બે સ્ટેટથી અલગ પડ્યું હતું. 2018માં 58મા સ્થાપના દિનની ઉજવણી રંગેચંગે,ઝાકમઝોળ અને હર્ષોલ્લાસની વચ્ચે થઇ રહી હશે. અલગ ગુજરાત થયું અને 58 વર્ષ પૂરા થયાં તે ગાળમાં ગુજરાતે કોઇ મહત્વનું કામ કર્યું હોય તો તે છે કે નર્મદા ડેમ પૂરો થયો. આ લખનાર જ્યારે 1990ના ગાળામાં ‘ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા(ગુજરાતી) દૈનિકમાં કાર્યરત હતા અને નર્મદા યોજના સામે પડેલા વિરોધીઓના અહેવાલો વીણી વીણીને પ્રજા સમક્ષ મૂકતા ત્યારે તે વખતે એવા સવાલો પૂછાતા હતા કે ઓહ… આટલો બધો વિરોધ અને યોજનાને રોકવા આટલું મોટુ ષડયંત્ર…? શું આ ડેમ બંધાશે કે નહીં…? ક્યારે પૂરો થશે એમ પૂછાતું નહોતું પણ કામ શરુ થશે કે નહીં તે સંદર્ભમાં કહેવામાં આવતું હતું. એક તબક્કે તો સિનિયર પત્રકાર તરીકે આ લખનારને પણ તે વખતે એમ લાગતું હતું કે મારા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું ખરેખર શું થશે…? હવે જ્યારે ડેમ સંપૂર્ણ બંધાયો ત્યારે જાણે કે નર્મદામૈયા ગરવી ગુજરાતથી રિસાઇ ગયા હોય તેમ તેમણે ગુજરાત આવવાનું જ ટાળ્યું અને પાણીની જે સમસ્યાના હલ માટે નર્મદા ડેમ બંધાયો તે નર્મદાના સૂકાભઠ પટને કારણે ફરીથી પાણીની સમસ્યા ઠેરની ઠેર.
58મા વર્ષે પણ ગુજરાતના આ હાલ છે. હવે બધો જ આધાર વરૂણ દેવતા પર છે. વરૂણ દેવતા પોતાનો આધાર કાર્ડ ગુજરાતની સાથે લિંક કરે ત્યારે ખરૂ….!!! ત્યાં સુધી જળ એ જ જીવન છે…જળ સંચય માટે અભિયાનમાં તગારા ઉંચકવાનો વારો આવી ગયો છે તરસ્યા ગુજરાતનો.

ગુજરાતે આટલા વર્ષોમાં પાણીની સમસ્યાને ઉકેલવા જે કરોડો-કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો ડેમ બનાવવા માટે તેમાં આ વખતે કમનશીબે પાણીની સાચવણી ના થઇ શકી અને ઘોખધગધગતા ઉનાળામાં સ્થાપના દિનથી જ તળાવોને ઉંડા કરતાં જણાશે ગુજરાતના નાગરિકો. 58મા વર્ષે ગુજરાત તારી પાસેથી આવી આશા-અપેક્ષા અને આકાંક્ષા નહોતી.

હશે. ગુજરાત છે.

ન જાત છે ન પાંત છે.

સૌ એક છે, સૌ નેક છે.

સૌનો સાથ છે સમસ્યા સામે લડવા કેમ કે,

સમસ્યા દિનરાત છે….આ ગુજરાત છે…આ ગુજરાત છે..

અને તેમાં વળી મોબાઇલમાં રમવા, ગરવી નહીં પણ સાવ નવરી ગુજરાત છે…

કોઇને ન-વરી એવી આ ખરી હરીભરી ગુજરાત છે..આ ગુજરાત છે..આ ગુજરાત છે..!!

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here