મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં વીએસના દર્દીઓના આંકડામાં લોલંલોલ

0
196
Advertisement
Loading...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલની એક સમયે સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં પરરાજ્યમાં પણ ગરીબ દર્દીઓની સારવારના મામલે ભારે પ્રતિષ્ઠા હતી, પરંતુ છેલ્લાં દસ વર્ષથી વી.એસ. હોસ્પિટલની છાપ એક અથવા બીજા પ્રકારે ખરડાઈ રહી છે. શહેરના મેયર પોતે હોદ્દાની રૂએ વી.એસ. મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન હોવા છતાં આ હોસ્પિટલનું તંત્ર કોઈ રણીધણી વગરનું હોય તેવું બિનજવાબદાર બન્યું છે, જેના કારણે કમિશનર મૂકેશકુમારના ડ્રાફ્ટ બજેટમાં સુધ્ધાં દર્દીઓના આંકડાના મામલે લોલંલોલ ચલાવાય છે.

ગઈ કાલે કમિશનર મૂકેશકુમાર દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, જેમાં વી.એસ. હોસ્પિટલ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દર્દીઓને પૂરી પડાયેલી સેવાને લગતી માહિતીના આંકડા અપાયા છે, પરંતુ આ આંકડાની સમાનતા ઉપરાંતની અન્ય વિગત આશ્ચર્યજનક છે.

વી.એસ. હોસ્પિટલની પ્રતિષ્ઠા ભયમાં મુકાઈ છે તે બાબત સ્વયં આ હોસ્પિટલના સત્તાવાળાઓના વર્ષ ૨૦૧૫-૧૬ અને વર્ષ ૨૦૧૬-૧૭ના દર્દીઓની સારવારના આંકડાથી પુરવાર થાય છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૮૧,૮૫૦ અંદરના દર્દીઓએ સારવાર લીધી હતી, જે ર૦૧૬-૧૭માં ઘટીને ૮૦,૦૩૪ થયા હતા. ઓપીડીના નવા દર્દીઓની સારવારના મામલે પણ વી.એસ. હોસ્પિટલે ખાસ નામ કમાવ્યું નથી, કેમ કે વર્ષ ૨૦૧૫-૧૬ના ૩,૦૧,૮૨૧ ઓપીડી દર્દીઓ સામે વર્ષ ૨૦૧૬-૧૭માં માત્ર ૬૨૭૨ દર્દી વધ્યા છે એટલે કે દિવસના ૧૭ દર્દીનો વધારો પણ વી.એસ. હોસ્પિટલના ચોપડે નોંધાયાે નથી.

બીજી તરફ વર્ષ ૨૦૧૫-૧૬ના જૂના દર્દીની ગત બંને વર્ષની સંખ્યા એકસમાન એટલે કે ૪,૨૦,૧૨૪ની છે! આ ઉપરાંત વર્ષ ૨૦૧૬-૧૭ના ઓપીડીના નવા-જૂના દર્દીઓની કુલ સંખ્યામાં પણ હોસ્પિટલના સત્તાવાળાઓએ અંદાજે ૧૮,૦૦૦ કેસ ઓછા નોંધીને ભાંગરો વાટ્યો છે. કમિશનર મૂકેશકુમારના ડ્રાફટ બજેટમાં આ પ્રકારના છબરડા ખરેખર વી.એસ. હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી દર્શાવે છે.

વી.એસ. હોસ્પિટલમાં દર્દીઓને અપાતી હડકવા વિરોધી રસીના આંકડાના મામલે પણ રીતસરની વેઠ ઉતારાઈ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૦૩૪૯ નવા દર્દીઓની સંખ્યા અને ૨૭૨૭૫ જૂના દર્દીઓની સંખ્યામાં પછીના વર્ષ ૨૦૧૬-૧૭માં એક પણ દર્દીની વધ કે ઘટ થઈ નથી આ બાબતથી વિવાદ ઊઠ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here