મધ્ય ઝોનમાં પાણી-ડ્રેનેજનાં ગેરકાયદે જોડાણ તંત્રને દેખાતાં જ નથી!

0
114
Advertisement
Loading...

અમદાવાદ: શહેરમાં રાસ્કા આધારિત શેઢી કેનાલનો દરરોજ મળતો ર૦૦ એમએલડી પાણીનો પુરવઠો ઠપ થઇ ગયો હોઇ સવાર-સાંજ પાણીના પુરવઠામાં અઘોષિત ર૦ ટકા પાણીકાપ મુકાયો છે. નાગરિકો બળબળતા ઉનાળાના તાપમાં પાણીકાપથી પરેશાન છે.

બીજી તરફ તંત્રનું પાણીનો વેડફાટ અટકાવવા પાણી અને ગટરનાં ગેરકાયદે કનેકશન શોધીને તેને કાપવાનું બહુ ગાજેલું અભિયાન મધ્ય ઝોનમાં સરિયામ નિષ્ફળ નીવડ્યું છે. સમગ્ર અમદાવાદમાં મધ્ય ઝોન ગેરકાયદે બાંધકામના મામલે મશહૂર છે. તેમ છતાં ઇજનેર વિભાગને આ ઝોનમાં ગેરકાયદે પાણી-ડ્રેનેજનાં કનેક્શન દેખાતાં નથી.

મ્યુનિસિપલ ઈજનેર વિભાગ દ્વારા ગત તા.૩ માર્ચ, ર૦૧૮થી શહેરભરમાં પાણી અને ડ્રેનેજનાં ગેરકાયદે કનેક્શન શોધીને તેને દૂર કરવાની તેમજ અા મામલે કસૂરવાર નાગરિક કે સંસ્થા કે દુકાન-ઓફિસધારકને પેનલ્ટી ફટકારવાની ઝુંબેશ હાથ ધરાઇ છે, જે અંતર્ગત ગત તા.૧૬ એપ્રિલ સુધીમાં જે તે ઝોનના ઇજનેર વિભાગ દ્વારા પાણીના કુલ ૧૦૮૪૬ ગેરકાયદે કનેક્શન અને ડ્રેેનેજના કુલ રપ૦૬ ગેરકાયદે કનેક્શન શોધી કાઢીને તેને દૂર કરાયાં હતાં. સત્તાધીશોએ પાણીનાં ગેરકાયદે કનેક્શન મામલે રૂ.૧ર.૩૬ લાખ અને ડ્રેનેજના મામલે રૂ.૩૦.૮૩ લાખની પેનલ્ટી કસૂરવાર પાસેથી વસૂલી હતી.

જોકે આઘાતજનક બાબત એ હતી કે મધ્ય ઝોનમાં રહેણાક મિલકતને જમીનદોસ્ત કરીને ત્યાં મોટાં કોમર્શિયલ કોમ્પ્લેકસ ઊભાં કરવાની તેમજ કોમર્શિયલ કોમ્પ્લેકસમાં ગેરકાયદે પાણી અને ડ્રેનેજનાં કનેક્શન લેવાની પ્રવૃત્તિએ માઝા મૂકી દીધી હોવા છતાં ઇજનેર વિભાગને આંગળીના વેઢે ગણાય અેટલા એટલે કે માત્ર ૪૪ પાણીનાં ગેરકાયદે કનેક્શન મળ્યાં હતા. જ્યારે ડ્રેનેજનું તો એક પણ ગેરકાયદે કનેક્શન મળ્યું ન હતું.

દરિયાપુરના વરિષ્ઠ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીને તંત્ર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ પૂર્વ ઝોનમાં ૧રર૦ પાણી અને ૪પ૪ ડ્રેનેજ, પશ્ચિમ ઝોનમાં ૧૮૮૯ પાણી અને ૮૦ ડ્રેનેજ, ઉત્તર ઝોનમાં ર૭૧૩ પાણી અને ૬૦૮ ડ્રેનેજ, દક્ષિણ ઝોનમાં ૪૩૦૮ પાણી અને ૯૩પ ડ્રેનેજ તેમજ નવા પશ્ચિમ ઝોનમાં ૬૦ર પાણી અને ૪૩પ ડ્રેનેજનાં ગેરકાયદે કનેક્શન ઇજનેર વિભાગને મળ્યા છે, જ્યારે મધ્ય ઝોનમાં પાણીનાં ૪૪ જોડાણ મળ્યા પણ ડ્રેનેજનું એક પણ ગેરકાયદે કનેક્શન મળ્યું નથી.

દરમિયાન તેમણે એવો આક્ષેપ કર્યો છે કે મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કાં તો ગેરકાયદે કનેક્શન શોધવામાં વેઠ ઉતારાઇ છે અથવા તો ગેરકાયદે બાંધકામ કરનારાં તત્ત્વોનાં પાણી-ગટરનાં ગેરકાયદે કનેક્શન કાપતાં ગભરાટ અનુભવે છે. અલબત્ત, ગેરકાયદે બાંધકામ વધ્યાં હોઇ સમગ્ર કોટ વિસ્તારમાં દૂષિત પાણી અને પાણીના ઓછા પ્રેશરની ફરિયાદ કાયમી બની છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here