ગોહિલવાડ ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન

0
191
Advertisement
Loading...

સંતો અને શૂરાની ભૂમિ ગોહિલવાડમાં આજે મંગળવારે શિવશક્તિની ભક્તિના અવસર મહા શિવરાત્રિ પર્વની આસ્થા અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગોહિલવાડ શિવભક્તિના રંગે રંગાયું જોવા મળ્યું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી શિવભક્તોના વહેલા અવિરત પ્રવાહ વચ્ચે ‘બમ.. બમ.. ભોલે., જય શિવ શંકર, હર.. હર.. મહાદેવ..’ના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

દેવાધિપતિ દેવ મહાદેવના પાવન પર્વ મહા શિવરાત્રિએ ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં આવેલા નાના-મોટા, પ્રસિધ્ધ અને ઐતિહાસિક શિવધામોમાં ભગવાન ભોળાનાથને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરોને પણ લબૂક-ઝબૂક રોશનીથી ઝળહળતા કરી દેવામાં આવ્યા હતા. શિવરાત્રિના મહા પર્વે વહેલી સવારથી જ તમામ શિવધામોમાં શિવભક્તોના ઘોડાપુર ઉમટવા લાગ્યા હતા. મોડી રાત સુધી આ પ્રવાહ અવિરત વહેતો રહ્યો હતો. શિવભક્તોએ કૃપાળુ અને માયાળુ દેવ મહાદેવને રિઝવવા માટે બિલ્વ પત્ર ચડાવી દૂગ્ઘાભિષેક, જળાભિષેક કરી શિવસ્તુતી ગાઈ આશીર્વાદ મેળવ્યા હતા. શિવભક્તોએ મહા શિવરાત્રિના ઉપવાસ-એકટાણાં કરી શિવજીની કૃપા મેળવી હતી.

શિવરાત્રિના પાવન દિવસે શિવધામોમાં લઘુરૃદ્ર, શિવતાંડવ નૃત્ય, દીપમાલા, ચાર પ્રહરની પૂજા, મહાપ્રસાદ, મહાઆરતી, ડાયરો, ડાક-ડમરૃ સહિતના વિવિધ ર્ધાિમક કાર્યક્રમો યોજાયા હતા. શહેરના દેવરાજનગરમાં આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી ભક્તોનો અવિરત પ્રવાહ વહ્યો હતો. અહીં બપોરની આરતીમાં શિવભક્તો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા. મંદિરમાં ભક્તો માટે ભાંગના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નાગેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના સુપ્રસિધ્ધ ભીડભંજન મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ, જશોનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, પાતાલેશ્વર મહાદેવ, કૃષ્ણેશ્વર મહાદેવ વગેરે મંદિરોમાં પણ ભક્તો શિવજીના દર્શન માટે તન-મન-ધનથી ઉમટી પડયા હતા. આ તમામ મંદિરોમાં શિવભક્તો માટે ભાંગ-શક્કરિયાના પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે મંદિરો બહાર પણ લારીઓમાં ભાંગનો પ્રસાદ પીવા માટે શિવભક્તોની ભીડ રહી હતી. શિવમંદિરોમાં ર્ધાિમક કાર્યક્રમોની સાથે સાથે પરંપરાગત રીતે શહેર-જિલ્લામાં વિવિધ સ્થળોએ ભગવાન ભોળાનાથની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી.

મહા શિવરાત્રી પર્વે સમગ્ર ગોહિલવાડ ભગવાન ભોળાનાથની ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here