ગૃહની કાર્યવાહી જોવા આવતા બાળકો ઉપર શિસ્તના નામે ત્રાસ ગુજારાય છે…?

0
149
Advertisement
Loading...

ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે લાવવામાં આવતા બાળકો ઉપર શિસ્તના નામે ત્રાસદાયક સ્થિતિ ઉભી થઇ છે તો કોમનમેનને પણ ગૃહની કાર્યવાહી અદબવાળીને માણવી પડે છે ત્યારે પત્રકારોની ગેલેરીમાં પત્રકારો માટે બેસવાની પાટલીઓ બાબતે આઠ દિવસ પહેલા કરેલી ફરિયાદનો કોઈ ઉકેલ આવ્યો નથી. પરિણામે લાંબો સમય ગૃહની કાર્યવાહી કરતા કેટલાક પત્રકારોને કેડનો, પીંડીનો અને ખભાના દુખાવાની ફરીયાદો ઉભી થવા પામી છે.

રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સાડા ચાર કરોડમાં તૈયાર થયેલ વિધાનસભા સંકુલને આધુનિકતાનો ઓપ આપવા રૂપિયા ૧૩૫ કરોડના ખર્ચે રીનોવેશન કરી કોમર્શીયલ વાઘા પહેરાવી દીધા પરંતુ આધુનિકતા ઊભી કરવામાં અનેક અગવડો ઊભી કરી દેવામાં આવેલ જેની સામે પત્રકારોને ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરવા ફરજ પડી હતી. પરિણામે સરકારે પ્રેસરૂમ-પત્રકાર ગેલેરીની બેઠક વ્યવસ્થા સુધારવા બાંહેધરી આપી હતી જેના પરિણામ રૂપે પ્રેસરૂમમાં પત્રકારો ટેબલ પાસે બેસીને લખી શકે તેવી સુવિધા સાથે પાણી પીવાની વ્યવસ્થા કરી દેવામાં આવી પરંતુ પત્રકાર ગેલેરીમાં બેસવાની પાટલીઓની વ્યવસ્થામાં કોઈજ ફેરફાર ન કરાતા કેટલાક પત્રકારોને કેડનો ખભાનો તેમજ પીંડીઓનો દુખાવો થઇ ગયેલ છે જે કારણે પત્રકારોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

જ્યારે શાળાના બાળકોને ગૃહની કાર્યવાહી જોવા લાવવામાં આવે છે. આ બાળકોને ગેલેરીમાં પ્રવેશ કરતાજ પોતાના બંને હાથ પીઠ પાછળ એકબીજા હાથને જોડીને રાખવામાં આવે છે. અને બાકી હોય તેમ ગૃહ ગેલેરીમાં બેઠક લેતાજ અદબ વાળીને બાળકોને બેસાડવામાં આવે છે. ભૂલેચુકે કોઈ બાળક હાથ છુટા રાખી દો તો તેને ટોકવામાં આવે છે. એજ હાલત કોમનમેનની છે. ગૃહ કાર્યવાહી જોવા બેઠક લેતાજ હાથની અદબ વાળીને બેસવું ફરજીયાત કરી દેવાયું છે. જે શિસ્ત ખરેખર ત્રાસદાયક બની રહે છે. જોકે વીઆઈપી ગેલેરી, અધિકારી ગેલેરી કે પત્રકાર ગેલેરીને આ શિસ્ત લાગુ નથી પડાતી.

ગૃહની કાર્યવાહી જ્યારે જ્યારે લંબાવવામાં આવે છે ત્યારે વિધાનસભા સંબંધિત કર્મચારી-અધિકારીઓને, ગૃહના કમાન્ડોને, ગૃહ સુરક્ષા દલ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ માહિતી ખાતાના ગૃહની કાર્યવાહીનું કવરેજ કરતા કર્મચારી-અધિકારીઓને રોકાવું પડે છે. પણ આ પૈકી વિધાનસભાના સંબંધિત ખાતાના કર્મચારી-અધિકારીઓને ઓવર ટાઈમ ન આપતા વિધાનસભા સત્ર પૂરું થતા જ રજા આપી સમય ભરપાઈ કરી દેવામાં આવે છે. પરંતુ માહિતી ખાતાના કે પોલીસ વિભાગના કર્મચારી કે અધિકારીઓને ગૃહ કામગીરી સમય લંબાવેલ તેનો ઓવર ટાઈમ કે સમય આપવા બદલ રજા આપવામાં આવતી નથી. આ છે સરકારની નીતિ.

આજે ગૃહની કાર્યવાહી જોઈ બહાર આવેલા મહાનુભાવો ગેલેરીમાંથી બહાર નીકળતા કેટલાક મુલાકાતીઓ વાત કરતા હતા કે આપણી ભાજપા સરકાર છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તાપર છે. છતાં આપણા મંત્રીઓ કહે છે કે આ તો કોંગ્રેસના કારણે કામ નથી થયા. ત્યારે સવાલ થાય કે આપણી સરકારે ૨૨ વર્ષમાં કર્યું શું? તેમાંના એક ભાઈએ કહ્યું આ તો દરેક સત્રમાં જોવા આવે છે એટલે કહે. પણ આપણી સરકાર છે એટલે બચાવમાં તો કોંગ્રેસનું જ નામ આપવું પડે. આટલું કહેતા આ સાત-આંઠ વ્યક્તિ મંત્રીશ્રીના કાર્યાલયમાં પહોંચી ગયા ત્યારે વાત અટકી.(GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here